એક તો ગીત અત્યંત શૃંગારથી ભરેલું છે. એક વરસાદી રાતે નાનકડી કેબિનમાં તે રચાય છે. ત્યાં બે સિવાય કોઈ નથી - માત્ર કેમેરા અને સંગીત છે. અરુણની આંખોમાં ઈચ્છા એટલી જ ભડકેલી છે, જેટલી તાપણામાં આગ. વંદનાનો સંકોચ અને ખચકાટ પણ એટલો જ સ્પષ્ટ છે જેટલી તાપણામાં ફૂંકાતી હવા.
કથાદૃષ્ટિએ આ ગીત નિર્ણાયક છે, કારણ કે તે પછી જ કહાનીનો સૂર બદલાઈ જાય છે. પાઇલટ અરુણનું મૃત્યુ થવું અને વંદનાનું ગર્ભવતી થવું તે ફિલ્મના બાકી ઉત્તરાર્ધની કહાની છે. ફિલ્મના પછીના હિસ્સાથી જોતાં આ ગીત માત્ર રોમેન્ટિક નથી રહેતું, તેમાં એક ટ્રેજેડીનો પડછાયો જોઈ શકાય છે. આ પ્રેમ જેટલો ખૂબસૂરત છે, એટલો જ પરિણામોથી ભરેલો છે.
આ ગીતની સૌથી મોટી વિશેષતા તેનો સંયમ છે. અહીં પ્રેમ ન તો જાહેરાત કરે છે અને ન તો વિનંતી; તે ફક્ત `હોય' છે. આનંદ બક્ષીના શબ્દો રૂપ તેરા મસ્તાના, પ્યાર મેરા દીવાનામાં ન તો શરીરનું વર્ણન છે કે ન તો કશું કરવાની ઈચ્છા. તે ફક્ત એક ભાવાવસ્થાને ઊભી કરે છે - આકર્ષણની અને સંમોહનની. `મસ્તાના' અને `દીવાના' જેવા શબ્દ પ્રેમને ઉન્માદમાં નથી ફેરવતા, પરંતુ તેને એક મધુર મદહોશીમાં રૂપાંતરિત કરે છે.
એ એડવાન્સમાં `ગોઠવણ' વગરનું સેક્સ હતું. રાત પડી ગઈ હતી. વરસાદ વરસતો હતો. બંને પલળી ગયાં હતાં. પેલી નાજુક બદન હતી, એટલે ભીનો લબાદો આઘો કર્યો હતો અને અડધા ખુલ્લા ખભા સાથે ઓરેન્જ બ્લેન્કેટ ઓઢી લીધું હતું. પેલાના શર્ટના ઉપરનાં ત્રણ બટન ખુલ્લાં હતાં. કેબિનમાં વચ્ચે તાપણામાંથી લાંબી જ્વાળા લબકારા ભરતી હતી. બેય જણા બીજું કરે તોય શું કરે?
એસ.ડી. બર્મનનું સંગીત આ ભાવને વધુ ગહેરાઈ બક્ષે છે. આ ગીતની ધૂન નાટકીય નથી, તેમાં કોઈ તીવ્ર આરોહ-અવરોહ નથી. તે મનમાં પ્રગટતી ઈચ્છા અને તાપણામાં ઊઠતી જ્વાળાની જેમ ધીમેથી વહે છે. તાલ લગભગ સ્થિર છે, વાદ્યો નિયંત્રિત છે અને તેમની વચ્ચેની શાંતિ એટલી જ અર્થપૂર્ણ છે જેટલું સંગીત સ્વયં. આ ખામોશી સાંભળનારને ગીતની અંદર ખેંચી લે છે.
કિશોર કુમારનો અવાજ આ ગીતનો આત્મા છે. આ અવાજ ગાયેલો નથી લાગતો, પણ એવો લાગે છે જાણે કોઈ એકાંત પળે બોલી પડેલો હોય. કિશોરની શૈલીમાં પર્ફોર્મન્સ નથી, અભિનય નથી, ફક્ત એક નીજી સ્વગતોક્તિછે. એટલા માટે જ શ્રોતાઓ તેને સાંભળતી વખતે મૂક દર્શક નથી રહેતા, પરંતુ તેના સહભાગી બની જાય છે.
ગીતમાં કિશોર અને પંચમની તેમજ ખન્ના અને ટાગોરની જેટલી કમાલ છે, તેટલી જ કમાલ નિર્દેશક શક્તિ સામંતની છે. એટલે કે તેના ફિલ્માંકનની અને એ જ તેની વિશેષતા પણ છે. સામાન્ય રીતે હિન્દી સિનેમાનાં ગીતોને વૈવિધ્ય માટે અને વધુ મનોરંજક બનાવવા માટે એકથી વધુ કેમરામાં શૂટ કરવામાં આવે છે. એડિટિંગ રૂમમાં તે બધા કેમેરા શોટ્સમાંથી અલગ-અલગ એન્ગલવાળા શોટ્સને જોડીને આખું ગીત બનાવવામાં આવે છે. એટલે તમને એક ગીતમાં બહુ બધાં દૃશ્યો જોવા મળે છે. ઘણીવાર તો અલગ-અલગ દિવસો અને મહિનાઓ પછી શૂટ થયેલાં દૃશ્યોને જોડવામાં આવે છે. એટલા માટે જ ફિલ્મકારો ગીતોને આઉટડોરમાં શૂટ કરવાનું પસંદ કરે છે, કારણ કે ત્યાં વૈવિધ્ય બહુ મળે.
દાખલા તરીકે, `આરાધના'નું જ `મેરે સપનોં કી રાની' ગીત બે તબક્કામાં શૂટ થયું હતું. એકવાર આઉટડોરમાં રાજેશ ખન્ના અને સુજિત કુમાર જીપમાં ગાતા હોય તે અને બીજી વાર સ્ટુડિયોમાં બનાવાયેલી ટ્રેનમાં શર્મિલા બેઠી હોય તે. શર્મિલા તે વખતે બીજી એક ફિલ્મ માટે કોલકાતામાં શૂટિંગ કરતી હતી એટલે ગીતને આઉટડોરમાં એકલા ખન્ના પર શૂટ કરવામાં આવ્યું હતું. શર્મિલાના શોટ્સ પાછળથી જોડવામાં આવ્યા હતા. એટલે ખન્ના જ્યારે સપનાની રાનીને યાદ કરતો હતો ત્યારે ન તો ટ્રેન હતી કે ન તો રાની!
`રૂપ તેરા મસ્તાના'ની કહાની અલગ જ છે. આ ગીત એક નાનકડી કેબિનમાં આકાર લે છે. શક્તિ સામંતે આ ગીતને એક ટેકમાં અને એક કેમેરાથી શૂટ કર્યું હતું. એટલે શું? તમે કલ્પના કરો કે લગ્નના મંડપમાં વર-વધૂ મંત્રોચ્ચાર કરી રહ્યાં છે અને એક કેમેરામેન તેમની ચારે તરફ ગોળ ફરીને વિધિને કેદ કરે છે. ન તો તે કોઈ વિધિને ફરીથી કરાવી શકે છે કે ન તો બીજા કેમેરાની મદદ લઇ શકે છે.
સામંતે ખન્ના અને ટાગોરની ફરતે એક (રમકડાની ટ્રેનના પાટા પર હોય છે તેવી) ટ્રોલી ગોઠવી હતી.
એમાં કેમરા હતો. આ ટ્રોલી ગોળ ફરતી હતી અને ગીત શૂટ કરતી હતી. શૂટિંગ કેબિનમાં હતું એટલે ત્યાં વધુ કેમરા માટે જગ્યા નહોતી. બીજું, ગીતમાં જે પ્રકારનું સેક્સ્યુઅલ ટેન્શન અને ખામોશી હતી, સામંત તેમાં કોઈ વિક્ષેપ ઈચ્છતા નહોતા.
આ શોટ આખા દૃશ્યને શ્વાસ થંભી જાય તેવો અહેસાસ પૂરો પાડે છે, જે પ્રેમીયુગલની એ આંતરિક ઊથલપાથલને પ્રતિબિંબિત કરે છે, જે તેમની દબાયેલી ચાહતને સમજવા અને સ્વીકાર કરવા કોશિશ કરી રહ્યાં છે. શર્મિલા આ ગીત અંગે કહે છે, `આ સેટ બીજા કોઈને અપાઈ ચૂક્યો હતો. અમારે કોઇ પણ સંજોગોમાં એ ગીત એક જ વખતમાં પૂરું કરવાનું હતું. સમય ઓછો હતો, એટલે શક્તિજીએ નક્કી કર્યું કે એક જ ટેકમાં પૂરું કરીશું.' યાની એક જ વાર ગીત વાગશે અને ઓકે થશે.
સામંતના દીકરા અસીમ સામંત એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે, ગીત રેકોર્ડ થઇ ગયા પછી ડેડી દિવસો સુધી વિચારતા રહ્યા હતા કે તેને શૂટ કેવી રીતે કરવું. બહાર તોફાની વરસાદ હતો, પ્રેમીયુગલ પાણીથી બચવા કેબિનમાં આવી ગયું હતું. શૂટિંગમાં કટ કરવાની જગ્યા નહોતી, નહીં તો ગીતમાં જે સેક્સ્યુઅલ ટેન્શન હતું તે વિખરાઈ ગયું હોત.
શર્મિલા કહે છે કે, `ત્યાં જગ્યા જ નહોતી, એટલે અમારી પાસે એકબીજાની આંખોમાં જોયા સિવાય બીજી કોઈ હલચલ સંભવ નહોતી, કારણ કે ગીતમાં બીજું કશું થતું નહોતું એટલે દર્શકોએ તેમની ખુદની કલ્પનાને કામે લગાડી દીધી. ગીતમાં તો કશું ઉઘાડું નહોતું, પણ દર્શકોએ જે જોવાનું હતું તે જાતે જ જોઈ લીધું.'
નિર્દેશક મણિરત્નમે એકવાર કબૂલ કર્યું હતું કે તેમણે પણ તેમનું એક ગીત સિંગલ ટેકમાં શૂટ કર્યું હતું, પણ એમાં એવો પ્રભાવ ઊભો થયો ન હતો, જેવો `રૂપ તેરા મસ્તાના' ગીતમાં હતો. `આરાધના' ફિલ્મ તો સદાબહાર છે, તેનું ગીત આજે પણ એટલું જ અવિસ્મરણીય છે.