એમ.ટેકના પ્રથમ વર્ષમાં આદિત્યને એક મોટી કંપની પર પ્રેઝન્ટેશન આપવાનું હતું. ભણવામાં હોશિયાર એવા આદિત્ય પાસે પ્રોફેસર અને ક્લાસમેટ બધાને અપેક્ષા હતી કે એ બેસ્ટ પ્રેઝન્ટેશન બનાવશે.

પરંતુ આદિત્યએ ચોખ્ખી ના પાડી દીધી કે, મારાથી આ કામ નહીં થાય, હું આટલી મોટી કંપનીનું પ્રેઝન્ટેશન નહીં બનાવી શકું. મને મારા પર વિશ્વાસ નથી. બધાની બળજબરીને કારણે આદિત્યએ પ્રેઝન્ટેશન બનાવ્યું. જેના બધાએ ખૂબ વખાણ કર્યાં, પરંતુ આદિત્ય પોતે મનથી એ વાત સ્વીકારી શકતો નહોતો કે તેનામાં કામ કરવાની હોશિયારી અને આવડત બંને છે. પોતાનામાં કામ કરવાની શક્તિ હોવા છતાં કામ કરવાનો આત્મવિશ્વાસ ન હોવો એટલે `ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ' જેમાં...

વ્યક્તિ પોતાની સફળતા અને ક્ષમતા પર શંકા કરે છે.

પોતે જ્યારે સફળ થાય છે ત્યારે એના મનમાં ડર અને બીજાને છેતરવાની લાગણી જન્મે છે.

આવી વ્યક્તિ સફળ થાય તો પણ એનું શ્રેય ખુદ નથી લેતી. સમય-સંજોગને આપે છે.

જ્યારે કોઇ એની પ્રશંસા કરે છે ત્યારે ખુદને અસહજ મહેસૂસ કરે છે. વખાણ એ સ્વીકારી નથી શકતી.

હંમેશાં ખુદની તુલના બીજા સાથે કરે છે અને ખુદને બીજા કરતાં કમ સમજે છે.

આવી વ્યક્તિ પોતાની અક્ષમતા સામે આવી જશે એવા ડરથી વધારે મહેનત કરે છે. સ્ટ્રેસમાં આવે છે.

પોતાની સફળતાથી ખુશ નથી થતી અને નકારાત્મક વિચારોથી ઘેરાયેલી રહે છે.

ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ કોઇને પણ હોઈ શકે છે. ખાસ કરીને સફળ-હોશિયાર અને પ્રભાવશાળી લોકોમાં આ સિન્ડ્રોમ વધારે જોવા મળે છે. ભારતમાં ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ અંગે વિવિધ કોલેજોમાં રિસર્ચ થયાં છે. ગોવાની મેડિકલ કોલેજોમાં 160 મેડિકલ ઇન્ટર્ન્સ પર થયેલા સરવે મુજબ 44.7 % મધ્યમ સ્તરના જ્યારે 41.3%ને ઉચ્ચ સ્તરનો ઇમ્પોસ્ટર અનુભવ હતો. જેમાં સેલ્ફ એસ્ટીમ અને ઊંઘની સમસ્યા પણ જોવા મળી હતી. યુનિવર્સિટી ઓફ દિલ્હી અને યુનિવર્સિટી ઓફ લિંવરપુલના સહયોગથી થયેલી શોધમાં 52% વિદ્યાર્થીઓ આ સિન્ડ્રોમના શિકાર બનેલા જણાયા. એમનામાં સ્ટ્રેસ અને એંગ્ઝાઇટી બંનેનું પ્રમાણ વધુ હતું.

પ્રશ્ન એ છે કે હોશિયાર-સફળ અને બુદ્ધિશાળી લોકોમાં આ સિન્ડ્રોમ કેમ જોવા મળે છે? એનું મહત્ત્વનું કારણ તેઓ હંમેશાં બીજા સાથે ખુદની તુલના કરે છે. તેઓ ખુદ પર ફોક્સ કરવાને બદલે બીજાની પ્રવૃત્તિ પર ફોક્સ કરે છે. તમે બે સાથે ભણતા વિદ્યાર્થીઓને જોયા હશે. જે હોશિયાર છે એને પોતાનું સ્થાન ટકાવી રાખવું છે, પણ એના મનમાં એની સાથે ભણતો મિત્ર આગળ જશે એનો ડર છે. એકાદ ટોપિક બીજાને સારો આવડતો હોય તો પોતાને આવડતા બીજા અનેક ટોપિક પરથી એનું ધ્યાન હટી જાય છે અને એ મનોમન બીજા વિદ્યાર્થી સાથે સરખામણી કરી પોતાનું ફોક્સ હટાવશે અને મનમાં પોતાના માટે શંકા ઊભી કરશે. સફળ થશે તો પણ એને ભરોસો નહીં બેસશે. પોતાની મહેનત અને આવડતને બદલે એ નસીબ કે સમયને શ્રેય આપશે.

જ્યારે કેટલાક લોકો સુપરયારિટી કોમ્પ્લેક્ષથી પીડાય છે. એમની ખુદ પાસે એટલી બધી અપેક્ષા હોય છે કે એમને જે મળે છે તે લાયકાતથી ઓછું લાગે છે. હું તો આનાથી વધુ ડિઝર્વ કરતો હતો. એવું એમના મનમાં એટલી હદ સુધી ઘૂસી જાય છે કે એ વ્યક્તિ જે મળે છે એને પોતાની મહેનતનાં ફળ તરીકે નથી જોતી, પણ સંજોગનો ખેલ ગણે છે. વળી, કેટલાક લોકો પોતાના ભાગ્યને વધારે મહત્ત્વ આપે છે. કેટલાક ભગવાનની કૃપાને આગળ ધરે છે. પોતે કંઇ વિશિષ્ટ કરી શકી એવો ભરોસો એમનામાં નથી હોતો. એમનો ઉછેર પુરુષાર્થ કરતાં નસીબ-ભગવાન પર ભરોસો રાખનાર લોકો વચ્ચે થયો હોય છે અને ચોથું કારણ છે બાળકનો ટીકાત્મક ટોક્સિક ઉછેર.

આપણાં વ્યવહાર-વર્તનનાં મૂળ આપણો ઉછેર હોય છે. એક બાળક હોશિયાર હોય છે, પરંતુ પેરેન્ટ્સની અપેક્ષા એટલી બધી હોય છે કે એ બાળકને તારામાં તો અક્કલ જ નથી, તારાથી કંઇ ન થાય. હે ભગવાન! તને આટલી પણ નથી ખબર પડતી અને તારા કરતાં પેલા બાજુવાળા અંકલનો છોકરો નાનો છે, પણ તારાથી હોશિયાર છે. એવાં અનેક વાક્બાણથી બાળકનું હૈયું વીંધતાં રહે છે. આવા બાળકમાં સફળતાની પૂરી શક્યતા હોવા છતાં એ ખુદને આગળ નથી કરતા. અરે! ક્લાસમાં ટીચરે પૂછેલા પ્રશ્નનો જવાબ આવડતો હોય તો પણ તેઓ આપતા નથી. આવી વ્યક્તિ આગળ જતાં પોતાની મહેનતથી સફળ થાય તો પણ માતા-પિતાની નકારાત્મકતાને કારણે સતત `સેલ્ફ ડાઉટ'ની સ્થિતિમાં રહેશે. એના અર્ધજાગૃત મનમાં પોતે કોઇ પણ રીતે લાયક નથી એ એવી રીતે ઘૂસ્યું હોય છે કે ઝળહળતી સફળતા પર પણ એ ડાઉટ કરે છે.

વિદ્યાર્થી, ડૉક્ટર્સ, મેન્ટર્સ અને ઉચ્ચ પદ ધરાવતી વ્યક્તિમાં આત્મસંદેહની પ્રવૃત્તિ કામની દક્ષતા અને માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. મહિલાઓમાં આ લક્ષણ પુરુષોથી અધિક જોવા મળે છે. ઇમ્પોસ્ટર સિન્ડ્રોમને દૂર કરવા માટે જરૂરી છે.

1. વ્યક્તિ સેલ્ફ ટોક અને પોઝિટિવ રિફ્રેમિંગ દ્વારા ખુદ માટેની શંકા દૂર કરી શકે. એને માનવું પડે કે જિંદગીમાં નસીબથી બધું નથી મળતું. હોશિયારી અને મહેનત પણ મહત્ત્વનાં પરિબળ છે.

2. સેલ્ફ ડાઉટ માનસિક અસ્થિરતા અને તણાવને વધારે છે, તેથી યોગ-મેડિટેશન-મોટિવેટ કરે એવા મિત્રો અને લોકોની સફળતાની ગાથાઓને વાંચવાથી પોતાની શક્તિનો અહેસાસ થઇ શકે.

3. આત્મવિશ્વાસ એકાએક મળતી સફળતાને લીધે નાની-નાની સફળતાથી વધારે મજબૂત બને છે. નાનાં-નાનાં લક્ષ્ય બનાવીને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાથી `હું આ કરી શકું છું એવો વિશ્વાસ દૃઢ બને છે.'

4. જરૂર પડે તો સાઇકોલોજિસ્ટ અથવા કાઉન્સેલરની સહાય લઇ શકે.