ગયા સપ્તાહે ચોથી ઓક્ટોબરે સંધ્યા શાંતારામનું અવસાન થયું. આજની પેઢીને કદાચ આ નામ અજાણ્યું લાગે, પરંતુ પચાસ અને સાઠના દાયકામાં સંધ્યાનું નામ બહુ ઈજ્જતથી લેવાતું હતું.
તેમણે મોટાભાગે તેમના પતિ, પ્રસિદ્ધ ફિલ્મસર્જક વી. શાંતારામની મરાઠી અને હિન્દી ફિલ્મોમાં જ કામ કર્યું હતું. હિન્દીમાં તો કુલ મળીને બાર જ ફિલ્મો કરી હતી, પણ એમાંથી અમુક તો સદાબહાર હતી. જેમ કે, ઝનક ઝનક પાયલ બાજે, દો આંખે બારાહ હાથ, જલ બિન મછલી નૃત્યુ બિન બીજલી, નવરંગ, પિંજરા અને અમર ભોપાલી. સિત્તેરના દાયકામાં તે સિનેમામાંથી નિવૃત થઇ ગયાં હતાં અને તેમના પતિએ બનાવેલા (હિન્દી સિનેમાના પહેલા આધુનિક) સ્ટુડિયો `રાજકમલ'માં રહેતાં હતાં. ત્યાં જ તેમણે 94 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો હતો.
1959માં આવેલી `નવરંગ' ફિલ્મના એક ગીત `અરે જા રે હટ નટખટ, ના છૂ રે મેરા ઘૂંઘટ'થી સંધ્યા સામાન્ય લોકોમાં બહુ પ્રસિદ્ધ થઇ ગયાં હતાં. ભરત વ્યાસના શબ્દો પર સી. રામચંદ્રના સંગીત અને આશા ભોંસલે-મહેન્દ્ર કપૂરના અવાજની કમાલ તો હતી જ, પડદા પર સંધ્યાના નૃત્યએ આ ગીતમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. મજાની વાત એ છે કે ડાન્સર તરીકે સંધ્યાની આ બીજી ફિલ્મ જ હતી, પરંતુ એમાં તેમનું નૃત્ય એટલું કમાલનું હતું કે કોઈને કલ્પના ન આવે કે સંધ્યાએ આગળની એક ફિલ્મ `ઝનક ઝનક પાયલ બાજે'થી નૃત્યની તાલીમ લીધી હતી.
1955માં આવેલી `ઝનક ઝનક પાયલ બાજે' માટે સંધ્યાએ મશહૂર નર્તક ગોપીકૃષ્ણ (જે પોતે આ ફિલ્મમાં સંધ્યાના સહકલાકાર હતા) પાસેથી તાલીમ લીધી હતી. આ ફિલ્મ વી. શાંતારામ અને સંધ્યાની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એક છે. એમ તો હિન્દી સિનેમાના ઈતિહાસમાં પણ તે સીમાચિહ્નરૂપ છે.
આપણે ત્યાં જેના કેન્દ્રમાં ગીત-સંગીત હોય તેવી બહુ ઓછી મ્યુઝિકલ ફિલ્મો બની છે. `ઝનક ઝનક પાયલ બાજે' એમાં મહત્ત્વનું નામ છે. આ ફિલ્મના શીર્ષકમાં જ સંગીત હતું. તેમાં બે કથ્થક નર્તકો નીલા (સંધ્યા) અને ગિરધર (ગોપીકૃષ્ણ) એક નૃત્ય સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યાં હોય છે, પરંતુ બંને એકબીજાના પ્રેમમાં પડી જતાં તેમના ગુરુ અને ગિરધરના પિતા મંગલ મહારાજ (કેશવરાવ દાતે) તેમની આડે આવે છે.
નીલા ગિરધરના જીવનથી દૂર થઈ જાય છે. હવે જ્યારે ગિરધરને એક સાથીની જરૂર હોય છે, ત્યારે ગુરુ અને ગિરધર રૂપકલા નામની એક નર્તકીને પસંદ કરે છે, જેણે ગુરુ પાસેથી તાલીમ મેળવેલી હતી, પરંતુ તેની કળાને બગાડી નાખી હતી. નીલાએ જેને ઠુકરાવી દીધો હતો તે ખલનાયક મણીબાબૂ (મદન પુરી) ગિરધર સ્પર્ધા ન જીતે તે માટે રૂપકલાને ખરીદી લે છે, એટલે તે છેલ્લી ઘડીએ નૃત્ય કરવા માટે ઇન્કાર કરે છે. ગિરધર એકલો પડી જાય છે અને સ્પર્ધામાંથી ફેંકાઈ જવાની તૈયારીમાં હોય છે, ત્યાં જ નીલા તેની પાસે પહોંચે છે અને તેની સાથે શિવ-પાર્વતીનું નૃત્ય કરે છે. નીલાની મુશ્કેલીઓને સમજીને ગુરુ નરમ પડી જાય છે અને પ્રેમીઓને ફરી મળાવી દે છે.
શાંતારામને આ ફિલ્મ માટે સંધ્યાનો વિચાર સૌથી પહેલાં નહોતો આવ્યો. પહેલાં તો તેમણે ગોપીકૃષ્ણને ગિરધરની ભૂમિકા માટે નક્કી કર્યા હતા. ગોપીકૃષ્ણ તેમના દાદા સુખદેવ મહારાજ સાથે શાંતારામની ઓફિસમાં આવ્યા હતા અને ત્યાં તેનું નૃત્ય જોઇને તત્કાલ ફિલ્મ માટે હા પાડી દીધી હતી. સંધ્યાને જ્યારે આ ફિલ્મની યોજના વિશે ખબર પડી ત્યારે તેમણે સામેથી શાંતારામને કહ્યું હતું, `હું છેલ્લા બે વર્ષથી કથ્થક શીખી રહી છું. મને આ તક આપો, હું તમને મારું શ્રેષ્ઠ આપીશ.'
અને એવું જ થયું. સંધ્યાએ નીલાની ભૂમિકા સરસ રીતે નિભાવી એટલું જ નહીં, તેનાં તમામ નૃત્યોમાં દિલ નીચોવી દીધું હતું.
આ ફિલ્મમાં વસંત દેસાઈનું યાદગાર સંગીત હતું. તેમાં કુલ 13 ગીતો હતાં. તેનું મશહૂર ટાઈટલ ગીત `ઝનક ઝનક પાયલ બાજે' ફિલ્મમાં બે વાર આવે છે. પહેલીવાર શાસ્ત્રીય સંગીતમાં ઇન્દોર ઘરાનાના સ્થાપક ઉસ્તાદ અમીર ખાનના અવાજમાં અને બીજી વાર લતા મંગેશકર-હેમંત કુમારના અવાજમાં. લતાજીએ મીરાંબાઈનાં અમુક શ્રેષ્ઠ ભજનો ગાયાં છે. તે પૈકીનું એક `જો તુમ તોડો પિયા' આ ફિલ્મમાં હતું. 1981માં `સિલસિલા' ફિલ્મમાં લતાજીએ આ જ ગીત ફરી ગાયું હતું.
વાસ્તવમાં આ મીરાંભજન કુલ ત્રણ વાર હિન્દી ફિલ્મોમાં કમ્પોઝ કરવામાં આવ્યું છે; `ઝનક ઝનક પાયલ બાજે'માં પહેલી વાર, બીજી વાર 1979માં ગુલઝારની ફિલ્મ `મીરાં'માં અને `સિલસિલા'માં. `મીરાં' ફિલ્મમાં પણ લતાજીએ જ ગાયું હોત, પરંતુ તે સમયે તેમણે એવું વ્રત લીધું હતું કે તેઓ મીરાંનાં ભજન બીજા કોઈ કમ્પોઝર માટે નહીં ગાય. એટલે ગુલઝારે વાણી જયરામ પાસે તે ગવડાવ્યું હતું.
`સિલસિલા' ફિલ્મમાં એ નિયમ તૂટ્યો તેની એક કહાની છે. સંગીતકાર શિવ-હરીએ લતાજી પાસે `દેખા એક ખ્વાબ તો' રેકોર્ડ કરાવ્યું હતું. સામાન્ય રીતે લતા ગીત રેકોર્ડ કરીને સ્ટુડીઓમાં રોકાતાં નહોતાં, કારણ કે તેઓ ખૂબ વ્યસ્ત હતાં. તે દિવસે આ ગીત પૂરું થયા પછી તે ત્યાં બેઠાં રહ્યાં. શિવકુમારે તકનો લાભ લઈને પૂછ્યું કે ફિલ્મમાં મીરાંનું એક ભજન છે અને જયાજી પર ફિલ્માવવાનું છે. અમે રાગ ભૈરવીમાં તૈયાર કર્યું છે, તમે ગાશો? અને તેમના આશ્ચર્ય વચ્ચે લતાજીએ હા પાડી.
જોકે, `ઝનક ઝનક પાયલ બાજે'નું લતાનું ભજન આજે 75 વર્ષ પછી પણ એટલું જ સુંદર છે. ક્યારેક સાંભળજો. આ ફિલ્મ સાથે વી શાંતારામે ફરીથી એક કુશળ ફિલ્મનિર્માતા તરીકે પોતાની ક્ષમતા સાબિત કરી હતી, કારણ કે તેમણે એક અત્યંત ઉત્તમ પટકથાને નૃત્ય તત્ત્વ સાથે જોડી હતી. તે વખતે નવી નવી આવેલી પણ ખર્ચાળ ટેક્નિકમાં ફિલ્મ બની હતી અને તેની પ્રોસેસ લંડનમાં કરવામાં આવી હતી.
શાંતારામ ઇચ્છતા હતા કે નવી ટેક્નોલોજી સાથે એક એવી ફિલ્મ બનાવવી જેમાં ભારતની શાસ્ત્રીય નૃત્યોની પરંપરાની ભવ્યતા સાબિત થાય. તેમાં એક તરફ કથ્થક, ભરતનાટ્યમ્ અને મણિપુરી નૃત્યોની શાનદાર સિક્વન્સ હતી, તો બીજી તરફ સ્વર્ગીય ઠક્કર બાપાના વારાણસી સેવામંડળના સહયોગથી મંચિત ભીલ નૃત્ય હતું. ફિલ્મનો ઘણો હિસ્સો વૃંદાવનના બગીચામાં શૂટ થયો હતો.
આ ફિલ્મ તેના સમય કરતાં વહેલી હતી. અમુક ફિલ્મ વિવેચકોને ફિલ્મ પસંદ આવી ન હતી, પરંતુ દર્શકોએ તેને ખૂબ વધાવી હતી. મુંબઈના એક થિયેટરમાં તે લગાતાર બે વર્ષથી વધુ સમય ચાલી હતી. તેણે 1955ની શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રપતિનો ગોલ્ડન મેડલ જીત્યો હતો અને સર્વશ્રેષ્ઠ ફિલ્મ, સર્વશ્રેષ્ઠ નિર્દેશન, સર્વશ્રેષ્ઠ કળા નિર્દેશન (કનુ દેસાઈ) અને સર્વશ્રેષ્ઠ ઓડિયોગ્રાફી (એકે પરમાર) માટે 4 ફિલ્મફેર પુરસ્કારો પણ જીત્યા હતા.
મુંબઈના મેટ્રો સિનેમામાં તેનો પ્રીમિયર શો યોજાયો ત્યારે ફિલ્મ જોયા પછી નિર્માતા-નિર્દેશક રાજ કપૂરે કહ્યું હતું, `શું ભવ્ય અને શાનદાર કલર ફિલ્મ છે!' `ઝનક ઝનક પાયલ બાજે' તે સમયની સરખામણીમાં તેની ઝીણવટભરી ડાન્સ સિક્વન્સ, ભવ્ય સેટ્સ અને કમાલની સિનેમેટોગ્રાફી માટે એટલી પ્રગતિશીલ હતી કે સંજય લીલા ભણસાલી આજે પણ કહે છે કે ફિલ્મ કેવી દેખાવી જોઈએ તે હું આ ફિલ્મ જોઇને શીખ્યો છું.
બાય ધ વે, `ઝનક ઝનક પાયલ બાજે' બની રહી હતી ત્યારે જ શાંતારામની તેમની પત્ની જયશ્રી સાથે દૂરી થઇ રહી હતી અને સંધ્યા સાથે ઘનિષ્ઠતા વધી રહી હતી. ફિલ્મ રિલીઝ થઇ તેના એક વર્ષમાં તેમના ડિવોર્સ થઇ ગયા અને શાંતારામે તેમનાથી 30 વર્ષ નાની સંધ્યા સાથે
લગ્ન કરી લીધાં.
