અરડૂસી બારેમાસ લીલીછમ રહેતી હોવા છતાં વર્ષાઋતુમાં પુનઃ યૌવન પ્રાપ્ત કરી પાંગરી ઊઠે છે. તેના આસોપાલવ જેવાં લાંબાં પર્ણો અને આછા જાંબુડિયા શ્વેત પુષ્પો મન અને ચક્ષુમાં વસી જાય એવા હોવાથી તથા તુલસીની જેમ જ તેમાં પણ અનેક ઔષધીય ગુણો હોવાથી તેના બે-ચાર છોડ ઘરઆંગણે વાવી ઉછેરવા જેવા છે.

બાળકને નસકોરીનો રોગ મટાડવાની અરડૂસીમાં પ્રબળ ક્ષમતા રહેલી છે. અરડૂસીનો તાજો રસ બેથી ચાર ચમચી જેટલો સવારે અને રાત્રે પીવાથી નસકોરી ફૂટતી નથી. માત્ર નસકોરી જ નહીં, મુખથી તે મળમાર્ગ સુધીના કોઈ પણ સ્થાનનો રક્તસ્રાવ અરડૂસી મટાડે છે. એટલા માટે જ ટી.બી., ઉધરસ, લોહીવા, અત્યધિક માસિક, આંતરડાનાં ચાંદાં (અલ્સરેટિવ કોલાયટિસ), મસા, હાઈ બ્લડપ્રેશર વગેરેમાં વૈદ્યો તેનો વિભિન્ન રીતે ઉપયોગ કરે છે.

ઉધરસ માટે તો અરડૂસીનો તાજે તાજો રસ (કડવો અને તૂરા સ્વાદવાળો) પીવો જોઈએ. જો તેનો ટેસ્ટ ન ગમે તો આ રસમાં એટલું જ મધ મિશ્ર કરીને પીવો, પણ ખાંડ સાથે તો અરડૂસી ન જ લેવાય. (અમુક રોગમાં સાકર સાથે લેવાય.)

પંડિત ભાવમિશ્ર નામના પ્રસિદ્ધ વનસ્પતિશાસ્ત્રી વૈદ્ય થઈ ગયા. તેમણે પોતાના ગ્રંથ ભાવપ્રકાશમાં અરડૂસીના ગુણકર્મો વિશે લખ્યું છે કે, અરડુસી વાયુ કરનાર, કફ માટે હિતકર, કફ, પિત્ત અને લોહીની વિકૃતિને મટાડનાર, કડવી, તૂરી, હૃદયને હિતકારી, પચવામાં હળવી, શીળસ, દમ, ઉધરસ, તાવ, ઊલટી, પ્રમેહ, કોઢ, ટી.બી. અને રક્તસ્રાવ મટાડે છે.

કફનાશક

અરડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે, કારણ કે અરડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ કફનો નાશ કરે છે. કડવા રસવાળાં ઔષધોમાં `લેખન' અને `વિશદ' બે ગુણો રહેલા છે. આ બંને આયુર્વેદીય પરિભાષાના શબ્દો છે. આમાં લેખનનો અર્થ થાય ખોતરવું. શરીરમાં ચોંટી-જામી ગયેલા કફને ખોતરીને (લેખન) બહાર કાઢવાનું કામ અરડૂસીનો કડવો રસ કરે છે. તૂરો રસ તેની રૂક્ષતા અને શુદ્ધતાને લીધે ઉખડેલા કફને ફરી ચોંટવા દેતો નથી. આમ, અરડૂસીનો કડવો અને તૂરો રસ કફને ખોતરીને બહાર કાઢવામાં એકબીજાને સહાયક બને છે. આ કારણને લીધે જ કડવી અને તૂરી અરડૂસીની કફના રોગોમાં ખૂબ જ પ્રતિષ્ઠા છે

પિત્ત પ્રકોપથી શરીરના કોઈ પણ અવયવમાં ચાંદું, દાહ, તાવ કે રક્તસ્રાવ થાય છે. રક્તસ્રાવ બંધ કરવાનો અરડૂસીમાં એક વિશિષ્ટ ગુણ છે. તૂરા રસવાળાં ઔષધ રક્તસ્રાવ બંધ કરે છે. અરડૂસીમાં તૂરો રસ છે. માટે તે નસકોરી ફૂટવાની વિકૃતિમાં ઉત્તમ ફાયદો કરે છે. શરીરના કોઈ પણ અવયવોમાંથી રક્તસ્રાવ થતો હોય તો ચારથી છ ચમચી જેટલા અરડૂસીના રસમાં થોડી સાકર નાંખી (ખાંડ નહીં) દિવસમાં બેથી ત્રણ વાર પીવો જોઈએ. જો પ્રાપ્ય હોય તો ઉપરથી બકરીનું દૂધ પીવામાં આવે તો ખૂબ જ ઝડપી પરિણામ મળે છે, કારણ કે બકરીના દૂધમાં પણ ચાંદાં રૂઝવવાનો અને રક્તસ્રાવ બંધ કરવાનો વિશેષ ગુણ છે.