પછી ટોલ્સ્ટોય લખે છે,
શ્રદ્ધાના આ બધા જવાબો મને ગળે નહોતા ઊતરતા અને છતાં મારે એ તો સ્વીકારવું જ પડતું હતું કે જીવનનો અર્થ શું છે. એ સવાલનો જવાબ (મર્યાદિત જીવનને સર્વવ્યાપી અનંતતા સાથે સાંકળતો, બિનતાર્કિક તો બિનતાર્તિક જ ભલે, પણ એક જવાબ) શ્રદ્ધા પાસે હતો અને એમાંથી જીવવાનું બળ મળી રહેતું હતું.
જીવનમાં પીડાઓ, વંચિતતા અને મૃત્યુ જેવી અનેક (ખરાબ-અશુભ) બાબતો છે, પરંતુ એ બધા સામે ઝઝૂમીને જીવતા રહેવાની શક્તિ શ્રદ્ધામાંથી મળી શકે છે.
આ શ્રદ્ધા છેવટે છે શું?
મને સમજાયું કે શ્રદ્ધા એ કેવળ ન જોયેલી બાબતને માની લેવા જેટલો મર્યાદિત મામલો નથી. (ઇશ્વરનો) સાક્ષાત્કાર એટલે જ શ્રદ્ધા એવું પણ નથી. શ્રદ્ધા એટલે માણસ અને ઇશ્વર વચ્ચેનો સંબંધ એવું પણ નથી, કારણ કે ઈશ્વરમાં માનવા માટે પહેલાં તો શ્રદ્ધાળુ બનવું પડે. શ્રદ્ધા પહેલી આવે, ઈશ્વર પછી આવે અને શ્રદ્ધા એટલે સામાન્ય છાપ છે એ મુજબ, વ્યાપક-પ્રચલિત માન્યતા સાથે પરાણે સહમત થઈ જવું એવું પણ નથી.
શ્રદ્ધા એ જીવનની સાર્થકતાનું એક એવું જ્ઞાન છે, જે બિનતાર્કિક હોવા છતાં, માણસને આપઘાત કરતો રોકે છે.
શ્રદ્ધા જીવનનું બળ છે.
એક માણસ જીવે છે કારણ કે એ કશાકમાં માને છે. એ કશામાં પણ માનતો ન હોય તો એની પાસે જીવવાનું કોઈ કારણ ન રહે.
હું કોણ છું? હું અનંતનો એક અંશ છું.
આવું જો આપણે સ્વીકારી લઈએ તો આપણને જીવન શું છે, ઈશ્વર શું છે, મોકળાશ-સ્વાતંત્ર્ય શું છે, શુભ શું છે એ સવાલોના જવાબો મળી રહે છે. અલબત્ત, આ માન્યતાને જો તાર્કિક વિશ્લેષણના આધારે ચકાસવામાં આવે તો એ બિનતાર્કિક ઠરે.
ભલે ઠરે. (વાસ્તવિકતા એ છે કે) આપણે સૌ એકદમ આત્મવિશ્વાસ અને અભિમાન સાથે જાણે ઘડિયાળને ખોલી નાખીએ છીએ (તાર્કિક વિશ્લેષણ માટે બધા હિસ્સા-પૂરજા અલગ કરી નાખીએ છીએ), ઘડિયાળમાંથી સ્પ્રિંગ (જેવી મૂળભૂત શ્રદ્ધા) કાઢી લઈએ છીએ અને પછી પૂછીએ છીએ કે આ ઘડિયાળ ચાલતી કેમ નથી?
સ્પ્રિંગ કાઢ્યા પછી પણ ઘડિયાળ ચાલવી જોઈએ એવી આપણી અપેક્ષા વાહિયાત છે. આમ તો આવી બાલીશ ચેષ્ટા પર હસવું આવવું જોઈએ, પણ ઘડિયાળ અટકી પડે (જીવનનું ચાલકબળ ઠરી જાય) એ બાબત એટલી ગંભીર છે કે આપણી આ મૂર્ખામી પર હસી
શકાતું નથી.
તાર્કિક વિશ્લેષણથી, સ્પ્રિંગની બાદબાકી કરવાથી, મને જીવન સાવ નિરર્થક હોવાની અનુભૂતિ થતી હતી. બીજી તરફ શ્રદ્ધાના જોરે મને જીવનની સાર્થકતા સમજાતી હતી અને સાર્થક જીવન મને જીવવા જેવું લાગતું હતું.
મને એટલું સમજાયું કે માનવજાતનું પ્રચંડ શાણપણ શ્રદ્ધામાંથી મળતા જવાબોમાં સમાયેલું છે. મારો તર્ક એ જવાબોનું ખંડન કરતો હોય તો પણ એવું કરવાનો (શ્રદ્ધાને તોડી પાડવાનો) મને હક નથી.
આટલું તો મને સમજાયું, પણ એથી મારું કામ આસાન ન થયું. હું કોઈ પણ ધર્મ સ્વીકારવા તૈયાર હતો, પરંતુ મારી એટલી શરત રહેતી કે એ ધર્મ મારી બુદ્ધિને સાવ જ નકારી કાઢે એ ન ચાલે, કારણ કે બુદ્ધિ જેને સહેજ પણ સ્વીકારી ન શકે એવી વાત સ્વીકારવી એ તો જૂઠ થયું, પ્રપંચ થયો.
મેં ખુલ્લા મને (આશા સાથે) બધા જ ધર્મોનો અભ્યાસ આદર્યો. મેં ઇસ્લામનો અભ્યાસ કર્યો, બૌદ્ધ ધર્મને જાણ્યો અને ખાસ તો ખ્રિસ્તી ધર્મનું અને મારી આસપાસમાં વસતા ખ્રિસ્તીઓનું સૂક્ષ્મ નિરીક્ષણ મેં શરૂ કર્યું. હું મારા ધર્મના રૂઢિચુસ્ત ધર્મશાસ્ત્રીઓને, વરિષ્ઠ સાધુઓને અને કહેવાતા નવ-ખ્રિસ્તીઓ(ન્યૂ ક્રિશ્ચિયન્સ)ને મળ્યો. એ બધા સાથે મેં એમની માન્યતાઓ વિશે અને જીવનના અર્થ વિશે ઘણી પ્રશ્નોત્તરી કરી.
એમનાં મંતવ્યો શક્ય તેટલી ઉદારતાથી સ્વીકારવા હું તૈયાર હતો અને હું એમની સાથે દલીલબાજીમાં નહોતો પડતો. મેં મોકળા મનથી એ સૌને સાંભળ્યા, પણ એમની શ્રદ્ધા હું અપનાવી ન શક્યો. મને એટલું સમજાયું કે એ લોકો જેને શ્રદ્ધા ગણે છે એ તો જીવનના અર્થના મુદ્દાને ઉકેલવાને બદલે ઊલટાનો ગૂંચવે છે. એ બધા ધર્મપુરુષો પોતપોતાના ધર્મનો પ્રચાર કરતા હતા અને એ પ્રચાર કરવા પાછળનો એમનો ધક્કો મને સમજાતો નહોતો. એમનું પ્રેરકબળ જુદું જ હતું. જે પ્રશ્ન મને શ્રદ્ધા તરફ દોરી ગયેલો -જીવનનો અર્થ શું છે એ સવાલને બદલે કોઈ બીજી જ બાબતથી મેં ધર્મપુરુષોને પ્રેરાતા જોયા.
ફરી મને નિરાશાની ગર્તામાં ધકેલાઈ જવાનો ડર લાગ્યો. વિવિધ ધર્મપુરુષોને મળતી વખતે ઘણી વાર મારામાં આશા પ્રગટતી, પરંતુ છેવટે એ આશા ઠરી જતી, મરી જતી. ધર્મપુરુષો જેમજેમ પોતપોતાના ધર્મનું શિક્ષણ વધુ ને વધુ ઝીણી વિગતો સાથે મને સમજાવતા ગયા તેમતેમ મને એમની ભૂલો દેખાતી ગઈ. છેવટે મેં સ્વીકારી લીધું કે આ બધા ધર્મપુરુષો પાસેથી મને મારા પ્રશ્નોના ઉત્તર (અને વેદનાનો ઇલાજ) નહીં મળી શકે. (ક્રમશઃ)
***
આમ તો ટોલ્સ્ટોયની આત્મકથા એક વ્યક્તિએ વેઠેલા માનસિક-આધ્યાત્મિક પડકારોનું સીધેસીધું, સહેજ પણ નાટ્યાત્મક નહીં એવું આલેખન છે. છતાં, એક રીતે જોતાં એ સસ્પેન્સ-કથા પણ છે. કથાનું સસ્પેન્સ આ તબક્કે આખેઆખું ખુલ્લું કરી નાખવામાં મજા નથી. એટલે અહીં કેવળ એટલી હિન્ટ પર અટકીએ કે આ આત્મકથા છેવટે સંસ્થાકીય ધર્મની શુદ્ધિની દિશામાં આગળ વધે છે.