આમ તો ATM એટલે ઓટોમેટેડ ટેલર (Automated Teller Machine) થાય છે. તો કેટલાક લોકો તેને હળવાશમાં એની ટાઈમ મની (Any Time Money) પણ કહે છે. .

ખૈર, આ તો થઇ રૂપિયાની વાત, પરંતુ મુંબઈમાં કેટલાક એવાં ATM મૂકવામાં આવ્યાં છે જેને Any Time Meal તરીકે ઓળખવામાં આવે છે. આ એટીએમ એક ખાનગી ફાઉન્ડેશન દ્વારા મૂકવામાં આવ્યાં છે, જેમાં રખડતાં કૂતરાં, બિલાડીઓ અને પંખીઓ માટેના ભોજનની ચોવીસ કલાક સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ ખાદ્ય એટીએમ બનાવનારા સંચાલકના જણાવ્યા પ્રમાણે એટીએમમાં 3000 તાજી રોટલી, 2000 પેકેટ દૂધ અને બિસ્કિટ રાખવામાં આવે છે. એટીએમને મુંબઇની વીસ જેટલી જગ્યાઓમાં મૂકવામાં આવ્યાં છે અને અહીં સ્ટ્રીટ ડોગ્સ, બિલાડીઓ કે પંખીઓ તેમના સમયે આવીને જે તે રાખેલો ખોરાક ખાઇને નીકળી જાય છે. એની ટાઈમ મીલના સંચાલકને આ આઇડિયા કોરોના સમયમાં આવ્યો હતો. જ્યારે તેમનો એક પાલતુ ડોગ ઘરમાં જ રહ્યો હતો. જોકે, તે સમયે તો તેને ખાવાપીવા માટે બધી વસ્તુઓ મળી જતી હતી, પરંતુ સ્ટ્રીટ ડોગ્સ માટે તે શક્ય ન હતી, તેથી જ તેમણે આ એટીએમ બનાવડાવ્યાં અને સ્ટ્રીટ ડોગ્સ, બિલાડીઓ અને અન્ય પશુ-પંખીઓ માટે સુલભ બન્યું.

પુરુષો માટે પણ ગર્ભનિરોધક દવા!

અત્યાર સુધી માત્ર સ્ત્રીઓ માટે જ ગર્ભ નિરોધક દવા મળતી હતી, પરંતુ ટૂંક સમયમાં એવી ગર્ભ નિરોધક દવા આવી રહી છે જે પુરુષો પણ લઇ શકશે. એક વિશેષ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ YCT-529 નામની દવા વિકસિત કરી છે, જે પુરુષોમાં હોર્મોનના કોઈ પણ બદલાવ વગર ગર્ભધારણ રોકવામાં અસરકારક સાબિત થઈ રહી છે. YCT-529 દવા પુરુષોના ટેસ્ટિસ(વૃષણ)માં શુક્રાણુ નિર્માણને નિયંત્રિત કરવાવાળા પ્રોટીનને રોકી શકે છે. મૂળ તે વિટામિન Aના એક રૂપ રેટિનોઇક એસિડની પ્રક્રિયાને અવરોધે (interrupt) છે, જે શુક્રાણુના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ કારણોસર આ દવા શુક્રાણુ ઉત્પાદનને અસ્થાયી રીતે રોકી દે છે! અલબત્ત, આ દવાનો વિશેષ રીતે માણસો પર પ્રયોગ (Phase 1A) કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજીત 16 સ્વસ્થ પુરુષોને અલગ અલગ ડોઝની દવા આપવામાં આવી હતી. આ પ્રયોગથી કોઇ ગંભીર સાઇડ ઇફેક્ટ કે હોર્મોન પર અસર જણાઈ નથી. જોકે, હજી આ દવા પર સંપૂર્ણ સંશોધન ચાલુ છે અને આગળના પ્રયોગમાં દવા કેટલી અસરકારક રીતે શુક્રાણુની સંખ્યા ઘટાડીને ગર્ભધારણ રોકી શકે છે તે વિશે પ્રયોગ કરવામાં આવશે.

એક મહિલાએ યોગમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

આજે સમગ્ર વિશ્વ યોગને અપનાવી રહ્યું છે, તેથી જ વિશ્વભરમાં 21 જૂનના રોજ `યોગ ડે' ઊજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે યોગથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તેમજ આજની ભાગદોડ ભરેલી લાઇફ સ્ટાઇલમાં તણાવ ઘટાડવામાં યોગ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકો જિમની સાથે પણ યોગ કરે છે તેમજ કેટલાક લોકો જિમ છોડીને યોગ કરે છે. યોગ પર ભારતના ઘણા લોકોએ ગિનીસ રેકોર્ડ પણ નોંધાવ્યા છે, જેમાં હવે હરિદ્વારના ડો. પ્રિયા આહુજાનો પણ સમાવેશ થાય છે. તેઓ ફિટનેસ એક્સપર્ટ છે અને યોગને વિશેષ મહત્ત્વ આપે છે. તેમણે થોડા સમય પહેલાં જ અષ્ટવક્રાસન યોગમુદ્રા માટે કુલ 3 મિનિટ અને 29 સેકન્ડ ફાળવ્યા હતા, જેનો રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે. અગાઉ આ રેકોર્ડ ભાગ્યેશ્વરીજીએ નોંધાવ્યો હતો. તેમણે અષ્ટવક્રાસન યોગમુદ્રા માટે 2 મિનિટ ને 6 સેકન્ડ ફાળવ્યા હતા. ડો. પ્રિયાએ આ યોગને લઇને વિશેષમાં જણાવ્યું હતું કે મારા માટે આ યોગમુદ્રા ખૂબ જ ગંભીર હતી અને તે માટે મારે સાત વર્ષ જેટલો સમય આપવો પડ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, યોગ તમને તંદુરસ્ત બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.