સંવેદના અને આંસુ એકબીજા સાથે જોડાયેલાં છે. સંવેદનશીલ વ્યક્તિની આંખો ખૂબ ઝડપી ભીની બને છે. આંસુ-રુદન, જે મોટાભાગના પતિદેવોને અકળાવે છે. આંસુ એટલે ડ્રામા, આંસુ એટલે નબળાઇ, આંસુ એટલે હાર, આંસુ એટલે બ્લેકમેલિંગ.

લગ્નમાં પાર્ટનર ખાસ કરીને મેલ પાર્ટનર પત્નીનાં આંસુ માટે આવાં જાતજાતનાં વિશેષણો વાપરે છે, જે અર્ધસત્ય છે. આંસુ એ સ્ત્રીનું શસ્ત્ર છે એ સાચું, પરંતુ આંસુ એ લાગણી અને દુઃખની અભિવ્યક્તિ પણ છે. જ્યારે શબ્દો લાચાર બને છે અને દિલ મૌન ધારણ કરે છે ત્યારે આંસુ વહે છે. જ્યારે પીડાની પરાકાષ્ઠા આવે છે ત્યારે આંસુ ટપકે છે. આંસુ સુખનાં પણ હોય છે અને દુઃખનાં પણ. એને સાચી રીતે ઓળખી શકે એ જ સાચો પાર્ટનર. એવું માનવાની જરૂર નથી કે માત્ર સ્ત્રીઓ જ રડે છે. પુરુષો પણ રડે છે, પરંતુ એમનાં આંસુ દેખાતાં નથી. એ હૃદયમાં છુપાવીને રાખે છે.

હવે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આંસુને કેટલું મહત્ત્વ આપવું અને કેટલાં ઇગ્નોર કરવાં? મારા એક મિત્રની પત્ની એની ઇચ્છા વિરુદ્ધની સ્થિતિ સર્જાય કે કોઇ થોડા મોટા અવાજે બોલે કે તરત રડી પડે. ઘણીવાર જાહેરમાં પણ આંસુ આવી જાય. અન્યની હાજરીમાં રડતી પત્ની પર કોને ગુસ્સો ન આવે? એક વખત પતિએ બધાની હાજરીમાં એનું અપમાન કરીને કહી દીધું કે, `તારાં નાટક બંધ કર. તારા પર હું કોઇ જુલમ નથી કરતો કે આમ વાતે વાતે રડે છે.' પત્ની ડઘાઇ ગઇ. ત્યાર પછી એણે રડવાનું તો બંધ કરી દીધું, પરંતુ સતત સ્ટ્રેસમાં રહેવા લાગી. કોઇ બોલે તો રૂમમાં જતી રહેતી. પતિ કંઇ પણ કહે ચૂપ રહેતી. દિવસે દિવસે એ સુકાતી ગઇ. જે પીડા આંસુરૂપે વહી જતી તે અંદર જ રહેવા માંડી અને એનું વર્તન અસહજ બની જતું.

આંસુ એ માત્ર ઇમોશન્સનું કારણ નથી, એ ફિઝિકલ રીઝન પણ છે. અમુક હોર્મોન્સ વધારે હોય એ વ્યક્તિ વારંવાર રડે છે. એ એની શારીરિક-ભાવનાત્મક જરૂરિયાત છે. રડ્યા પછી જ એ હળવા બની શકે છે. સ્ત્રીઓ રડી શકે છે એટલે જ સ્ટ્રેસ સહન કરવા છતાં એને એટેક નથી આવતો. એટલે રડનાર વ્યક્તિ ડ્રામેબાજ અને ન રડનાર વ્યક્તિ નિષ્ઠુર કે વધારે સ્વસ્થ છે એવું સમજવું ભૂલભરેલું છે. જેમને આંસુની ભાષા ઓળખતા આવડે તે વ્યક્તિ ખરેખર સંવેદનશીલ અને સમજદાર હોય છે.

છતાં મને-કમને સ્વીકારવું પડે કે આંસુ દ્વારા પોતાનું ધાર્યું કરાવનાર સ્ત્રીઓ પણ દુનિયામાં ઓછી નથી અને સ્ત્રીનાં આંસુ પુરુષને એટેક લાવી દે એવું બની શકે. આંસુનું કોઇ બંધારણ નથી હોતું, પરંતુ અયોગ્ય સમયે વ્યક્ત થયેલાં આંસુ સંબંધોમાં કટુતા ઊભી કરે છે. સામી વ્યક્તિમાં ઇન્ફ્યોરિટી-ગિલ્ટ જન્માવે છે કે મારા કારણે આ રડે છે. હું એને સાચવી નથી શકતો.

આંસુ મહત્ત્વનાં છે એની કદર થવી જોઇએ, પણ એ ત્રાગાં બનીને ધાર્યું કરાવવા ઉપયોગમાં લેવાય તો એના પર ભરોસો રહેતો નથી. આંસુ યોગ્ય સમયે હોય તો લાગણીની અભિવ્યક્તિ છે નહીં તો નબળાઇ છે. હંમેશાં સમસ્યાઓ કે મતભેદોનું મારણ એ આંસુ નથી. જ્યારે સમસ્યા કે મતભેદ સામે દૃઢતાથી ઊભા રહેવાનું હોય ત્યારે આંસુને દબાવીને લડવું પડે. એવું ન બને કે તમારાં આંસુ પાર્ટનરની હિંમત જ તોડી નાંખે.

એક મિત્રને કંપનીએ ત્રણ વર્ષ માટે અમેરિકા મોકલવાનું નક્કી કર્યું. એ જાણતાં જ પત્ની રડવા માંડી. જવાના મહિના અગાઉ પત્ની એટલું રડતી કે પતિને ટેન્શન થઇ ગયું. તમારા વગર હું નહીં રહી શકુંના રટણે મિત્રની હિંમત તોડી નાંખી અને અમેરિકા જવાનું કેન્સલ કરી કરિયરનો ગોલ્ડન ચાન્સ ગુમાવ્યો. સહન ન થાય તો એક વાર રડીને હૈયું હળવું કરી સંજોગો સામે લડવા પ્રતિબદ્ધ બને એવો જીવનસાથી જ સહુને ગમે, કારણ કે જીવનમાં ચઢાવ-ઉતાર તો આવવાના જ.

આ દુનિયામાં પોચા હૈયાના લોકોનું નહીં મજબૂત દિલવાળા લોકોનું કામ છે. કરુણ પ્રસંગે રડીને સમસ્યા ઊભી કરનાર કરતાં આંસુ પીને સ્ટ્રોંગ રહેનારની વધુ જરૂર પડે છે, તેથી આંસુની હંમેશાં વકીલાત ન કરી શકાય. આંસુ એ સંવેદનશીલતાની નિશાની છે. હૃદયની ભીનાશની પરાકાષ્ઠા છે. હળવા થવા માટેનું સરળ સાધન છે, પણ એનો ઉપયોગ હંમેશાં લાગણીની અભિવ્યક્તિ માટે જ થાય છે એવું નથી, આંસુ ખાસ કરીને સ્ત્રીઓ માટે ધાર્યું કરાવવાનું શસ્ત્ર પણ છે. જ્યારે આંસુ બનાવટી બને છે ત્યારે અંદરની ભીનાશ સુકાઇ જાય છે. કશુંક જીવંત મૃત્યુ પામે છે. આંસુની અભિવ્યક્તિ ખૂબ જ અંગત લોકો પાસે થવી જોઇએ. એક મિત્રની પત્ની કોઇની પણ હાજરીમાં રડી પડે, તેથી સિમ્પથી બતાવવાના નામે અનેક પુરુષો તેની આગળ-પાછળ ફરે. એક વખત આશ્વાસન આપવાના બહાને એક મિત્રે એની સાથે છૂટ લીધી ત્યારે એમની આંખ ઊઘડી અને અક્કલ આવી કે આંસુ એ ખૂબ અંગત બાબત છે, એને જેની તેની સામે ન વહાવાય. બીજું, દરેકને હસતા-ખુશમિજાજ પાર્ટનર ગમે છે, જે સમસ્યાને હળવેથી લઇને વાતાવરણને તનાવમુક્ત રાખે. જરા અમથી વાતમાં ગંગા જમના વહાવનાર જીવનસાથીની સપોર્ટ સિસ્ટમ ન બની શકે. આંસુ સમસ્યાને વધારે પેચીદી બનાવી શકે. આથી જ્યારે હિંમત અને સપોર્ટની જરૂર હોય ત્યારે આંસુને પી જવાં એ જ સાચા જીવનસાથીની નિશાની છે.

અત્યાર સુધી આંસુની મોટાભાગની ચર્ચા આપણે સ્ત્રીના યાને પત્નીના એંગલથી કરી છે, પરંતુ પુરુષોનું શું? જાહેરમાં રડવાની તેમને છૂટ નથી, પરંતુ અંગત વ્યક્તિ સામે એટલે કે પત્ની પાસે રડી શકે એટલા સહજ સંબંધો અને સમજદારી એમની વચ્ચે હોવી જોઇએ. અરુણ ખૂબ જ સ્ટ્રોંગ. દરેકની સમસ્યા ઉકેલવામાં અગ્રેસર. પરિવારની અનેક સમસ્યાઓ એ હળવાશથી ઉકેલે, પણ અકસ્માતમાં એનો 14 વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો. પત્નીએ હૈયાફાટ રુદન દ્વારા દુઃખ વહાવી દીધું, પરંતુ અરુણે એની ઇમેજ અને પત્નીના દુઃખને જોઇને આંસુ હૃદયમાં જ દબાવી દીધાં. આઘાતને આંસુરૂપે વહેવા જ ન દીધો. દબાયેલું દુઃખ બે દિવસમાં હાર્ટએટેકની પીડારૂપે બહાર આવ્યું. તાત્કાલિક સારવાર મળવાથી અરુણ બચી ગયો. કહેવાનો અર્થ એ છે કે, એટલિસ્ટ મૃત્યુ જેવા પ્રસંગોએ તો પુરુષોને રડવાની મોકળાશ મળવી જોઇએ. પત્ની એટલું બધું રડે કે પતિએ એની પીડાને દબાવવી જ પડે. અહીં પત્નીએ પણ પતિનું દુઃખ આંસુરૂપે વહે એ માટે પ્રયત્ન કરવા જોઇએ. અનેક વખત પુરુષોનું હૃદય સતત રડતું હોય છે, પરંતુ એ આંસુ નથી પાડી શકતો તેથી ગૂંગળાઇ જાય છે. આંસુ હંમેશાં નબળાઇ નથી, ક્યારેક તાકાત પણ છે. બસ, ક્યારે અને કેટલું પ્રમાણભાન હોવું જોઇએ. બાકી જીવનનો રાહ આંસુથી ભરેલો છે, જેનાથી બચવું આસાન નથી.