હું `ભૂવો' છું. મારા જેવું જ નામ ધારણ કરી સમાજને `મિસ ગાઈડ' કરનારા આજકાલ સડકો પર ઘૂમી રહ્યા છે.

તો સૌથી પહેલાં જ જણાવી દઉં કે હું જ `ઓરિજિનલ' ભૂવો છું. એક `ભૂવો' ધૂણવાનું કામ કરે છે, જ્યારે હું એટલે કે `ભૂવો' લોકોને પાડવાનું કામ કરું છું. સડક પર ફરતા ભૂવા સામે લોકો હાથ જોડે છે. જ્યારે સડક પર પડતા ભૂવા લોકોના હાથ-પગ તોડે છે. ટૂંકમાં, ભૂવા અને ભૂવા વચ્ચે અઢાર કિલોમીટરનું અંતર છે.

દરેક સાધુ-સંતોને એ સંન્યાસી બને તે પહેલાંનું જીવન હોય છે, જેને `પૂર્વાશ્રમ' કહેવામાં આવે છે. એવી જ રીતે અમારો ભૂવાઓનો પણ પૂર્વાશ્રમ હોય છે. અમે ભૂવો બનીએ એટલે કે ભૂવો થઈ સડક પર પડીએ એ પહેલાં એક પાકો ડામરનો રોડ હોઈએ છીએ. જેમ `સાસ ભી કભી બહૂ થી' હોય છે એવી જ રીતે `ભૂવા ભી કભી સડક થા' એવું કહી શકાય છે. અમારું ભૂવાઓનું પ્રાગટ્ય પણ અનોખું, અદ્ભુત અને આશ્ચર્ય ચકિત કરી નાંખે એવું હોય છે. અમે એકદમ અચાનક જ ગેબી રીતે પ્રગટ થઈ જઈએ છીએ.

અમારા અવતરણ માટે જવાબદાર હોય છે સરકારી કર્મચારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ-રસ્તા વિભાગના `ઈજનેર બાબુ' અને રોડના કોન્ટ્રાક્ટરો. આ બધાયના સાગમટા પ્રયત્નોથી શહેરમાં કાળા ભમ્મર નાગ જેવી ડામરની સડકોનું નિર્માણ થતું હોય છે. બધાય પોતપોતાનો ભાગ લઈ લીધા પછી એવી ભેદી સડકો બનાવે છે કે એના પર થોડા જ સમયમાં અમારું, ભૂવાઓનું પ્રાગટ્ય થઈ જતું હોય છે. આમ તો ભૂવા શબ્દનો અર્થ શબ્દકોશમાં જોશો તો તમને દેખાશે કે ભૂવો એટલે સડક પર પડેલો મોટો ખાડો, પણ આ ખાડો સામાન્ય ખાડાઓ જેવો ખાડો નથી હોતો. આ ભૂવો `અપને આપ મેં' એકદમ અનોખી ઘટના સમો હોય છે.

એકદમ જૂની પુરાણી ખખડધજ સડક હોય કે તદ્દન નવો જ બનેલો કાળો કામણગારો રોડ હોય, કોઈ પણ રસ્તે ભૂવો દેખા દેતો હોય છે. રસ્તા પર ટ્રાફિક ધમધમતો હોય, નાનાં-મોટાં વાહનોની અવરજવર ચાલુ હોય, લોકોની આવનજાવન ચાલુ હોય ત્યાં જ કોઈ પણ પ્રકારની આગોતરી જાણકારી આપ્યા વગર, એક પણ ચેતવણી કે સૂચના આપ્યા વગર મજબૂત-ધરખમ દેખાતો પાકો રોડ અચાનક બેસી જાય છે. ચારેબાજુથી જમીન અંદર ધસી જાય છે. એક મોટો જબરો ખાડો પડી જાય છે અને લોકો `ભૂવો પડ્યો... ભૂવો પડ્યો...' એવું મોટેમોટેથી બોલી અમારા નામનો જય જયકાર કરવા માંડે છે.

અમુક જગ્યાએ વાહનો અંદર પડી જાય છે, માણસો પણ અંદર પડી જાય છે, જેથી `અફરાતફરી કા માહોલ' પણ સર્જાઈ જાય છે. આમ તો મોટાભાગે ચોમાસામાં જ ભૂવા પ્રગટતા હોય છે. જેમાં ગાડી, સ્કૂટર ડૂબી જવાના, વાહનચાલકો ફસાઈ જવાના કિસ્સા પણ બનતા હોય છે, પણ ક્યારેક ચોમાસા સિવાય પણ અમે ભૂવાઓ અમારી હાજરી પુરાવીએ છીએ. સડક પર ભૂવો અવતાર ધારણ કરી, સદેહે પ્રગટ થાય ત્યારે લોકો `ભૂવો પડ્યો' એવું બોલે છે. ટીવીના સમાચારોમાં અમારા વીડિયો આવે છે, છાપાંમાં અમારા ફોટા આવે છે. સરકારી તંત્રના માથે છાણાં થાપવામાં આવે છે. `ભૂવા એટલે નઘરોળ સરકારી તંત્રની ઘોર નિષ્ફળતા' એવું જાહેર કરી દેવામાં આવે છે.

પ્રજામાં ઉશ્કેરાટ વધી જાય, હોહા થવા માંડે એટલે સરકારી બાબુઓ દોડતા થઈ જાય છે. ઈંટ, રોડા, પથ્થર, માટી જેવી અવનવી વસ્તુઓ વડે ભૂવા પૂરી દેવામાં આવે છે. (પૈસા લઈને હોં) પણ એ બધું તો ટેમ્પરરી છે, કેમ કે `કુછ બાત હૈ કે મીટતી નહીં હસ્તી હમારી.' અને બીજા ચોમાસે ભૂવા ફરી પ્રગટ થઈ જ જાય છે. જ્યાં સડક છે ત્યાં ભૂવો છે. ભૂવો તો અજર છે, અમર છે. જબ તક સૂરજ ચાંદ રહેગા, ભૂવા તેરા નામ રહેગા.