દેશમાં સૌથી વધુ મૃત્યુ કોઈ બીમારીને કારણે નહીં, પણ માર્ગ અકસ્માતમાં થાય છે. એમ છતાં હજુ આપણે ડ્રાઈવિંગ ડિસિપ્લિન શીખ્યા જ નથી! હા, ઉપદેશ આપવામાં આપણો જોટો જડે એમ નથી, પરંતુ એ ઉપદેશ જીવનમાં કોઈ ઉતારતું નથી.

એ કારણે જ સુરક્ષિત ડ્રાઈવિંગ માટે રસ્તા પર અનેક સૂચનો અને સૂત્રોનાં હોર્ડિંગ જોવા મળે છે. દેશની સરહદે ફરવાનો પણ ઘણાને શોખ છે, તેથી જ આપણાં સુરક્ષાદળોએ પણ વાહનચાલકોને ચેતવવા માટે ઠેર ઠેર બોર્ડ લગાવીને ચોટદાર સૂત્રો ચીતરાવ્યાં છે.

દુનિયામાં માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુની સંખ્યાની દૃષ્ટિએ ભારત નંબર વન છે. આપણા દેશમાં 2022માં સરેરાશ દર એક કલાકે એક વ્યક્તિનું મોત માર્ગ અકસ્માતમાં થયું હતું. એ કારણે જ હાઈવે હોય કે સરહદ પરના રસ્તાઓ, તમામ માર્ગો પર ચેતવણી આપતા સંદેશાઓ વાહનચાલકો વાંચી શકે એ રીતે દર્શાવવામાં આવે છે. માર્ગ સુરક્ષા માટે અનેક બોર્ડ રસ્તા પર જોવા મળતાં હોય છે, પરંતુ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનના રસ્તાઓ વ્યૂહાત્મક રીતે તો મહત્ત્વના છે જ, પણ સાથે સાથે તેના પર ચેતવણી માટેનાં સૂત્રો પણ અસરકારક હોય છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશને બનાવેલા રસ્તાઓ દેશની આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તાર સુધી લઈ જતા હોય છે. કેટલાક રસ્તાઓ તો પડોશીઓના રસ્તા સાથે જોડાયેલા પણ હોય છે. આ રસ્તાઓનો ઉપયોગ સામાન્ય લોકો ઉપરાંત સૈન્ય પણ કરતું હોય છે.

બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશને બનાવેલા રસ્તા તળેટીથી માંડીને પહાડી વિસ્તારમાંથી પસાર થતા હોય છે. હિમાલયના પહાડોમાં પણ બીઆરઓના રસ્તા જોવા મળે છે. જોકે, પહાડી વિસ્તારોમાંથી પસાર થતા રસ્તાઓ બરફવર્ષા, ભૂસ્ખલન અને ભારે વરસાદ જેવાં કુદરતી પરિબળો સામે બારે મહિના ચાલુ રાખવા એ પણ એક પડકારનું કામ છે. હાલમાં દેશની સરહદે સીમા સડક સંગઠને 60થી વધુ રસ્તા બનાવ્યા છે. આ રસ્તાઓ ખાસ કરીને લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં બનેલા છે. બીઆરઓ દ્વારા બનેલા સૌથી વધુ રસ્તાઓ અરુણાચલ પ્રદેશમાં છે. આ રસ્તાઓ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા સુધી જાય છે. આ માર્ગ પર સૈન્યની અવરજવર સતત રહેતી હોય છે. દેશના દૂરદરાજ વિસ્તારમાંથી આવતા સૈનિકો આ રસ્તા પરથી પસાર થાય છે, ત્યારે એ રસ્તા પર બીઆરઓએ લગાવેલા સંદેશા તેમને મરક મરક હસતા પણ કરી દે છે.

એ ખરું કે 1959માં દલાઈ લામા ભારત આવ્યા ત્યારથી ભારત અને ચીન વચ્ચે તણાવ રહે છે. એ સમયે તો ભારત અને ચીન ભાઈ ભાઈના નારા લાગતા હતા અને તેથી જ એ વિસ્તારમાં ભારતના રસ્તા ન હતા. જોકે, બીજા જ વર્ષે ભારતને રસ્તાનું મહત્ત્વ સમજાઈ ગયું અને ચીનની સરહદે આવેલા ભારતીય પ્રદેશોમાં પહોંચવા માટે રસ્તા બનાવવા માટે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ 7 મે, 1960ના વર્ષમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનની રચના કરી હતી. દેશમાં રસ્તા બનાવવાનું કામ તો કોન્ટ્રાક્ટરો કરતા હતા. એ માટે ટેન્ડર જેવી પ્રક્રિયા ચાલે છે, પરંતુ સરહદી વિસ્તારમાં નોકરશાહીને લીધે વિલંબ ન થાય એ માટે જ બીઆરઓની રચના કરવામાં આવી હતી. આ સંગઠન સીધું સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે.

1962માં ચીને ભારત પર હુમલો કર્યો ત્યારે ચીને તેના પ્રદેશમાં તો રસ્તા બનાવી દીધા હતા, તેથી ચીની સૈન્ય અરુણાચલ પ્રદેશમાં અંદર ઘૂસી આવ્યું હતું, પરંતુ ભારતીય સૈન્યે એ સમયે કાચા રસ્તાનો ઉપયોગ કરવો પડ્યો હતો. એ સમયે ખચ્ચર બહુ ઉપયોગી નીવડ્યા હતા. એ યુદ્ધ ખતમ થયું એ પછી 1962માં રસ્તા બનાવવા શરૂ થયા હતા. એ રસ્તા ખૂબ ઊંચાઈએ અને તીવ્ર વળાંક છે. હવે જે રસ્તાઓ બને છે તે તમામ ઋતુઓમાં ઉપયોગી થાય એવા બને છે. જોકે, 60-70ના દાયકામાં કેટલાક રસ્તાઓ ઉતાવળે બનાવાયા હતા, તેથી એ રસ્તાઓની ડિઝાઈન અને કટિંગ પર તેની અસર જોવા મળે છે. પહેલાં જે સિંગલ પટ્ટી રસ્તા બન્યા હતા, તે હવે પહોળા કરાયા છે.

ઊંચાઈ પર બર્ફીલા પ્રદેશમાં રસ્તા બનાવવા માટે નેપાળી અને ઝારખંડના મજૂરોનું યોગદાન વધુ રહ્યું છે.

દેશના સરહદી વિસ્તારમાં રસ્તા બનાવવાનું કામ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન કરે છે. દેશની સરહદે બનાવેલા રસ્તાઓનું સામાજિક તથા વ્યૂહાત્મક મહત્ત્વ ઘણું છે. ખાસ કરીને યુદ્ધના સમયે આ રસ્તા સૈન્ય માટે ખૂબ જ મહત્ત્વના હોય છે. તો લોકો પણ સરહદી વિસ્તાર સુધી ફરવા જતા હોય છે, તેમના માટે પણ આ રસ્તા મહત્ત્વના હોય છે. એ કારણે જ સીમા સડક સંગઠન દ્વારા બનેલા રસ્તા પર સુરક્ષિત ડ્રાઈવિંગ માટેનાં સૂત્રો લગાવાતાં હોય છે. લરટાક નજીકના રસ્તા પર લાગેલા બોર્ડ પર સીમા સડક સંગઠન લખે છે કે, અહીં સ્વર્ગમાં ફરતા હોય એ રીતે ડ્રાઈવિંગ કરશો તો તમે ખરેખર સ્વર્ગમાં પહોંચી જશો! એ જ રીતે બીજા એક રસ્તા પર બોર્ડ છે, સડક પર મત દિખાઓ કલા, અગર ચાહતે હો પરિવાર કા ભલાનો ટેક્સટિંગ વ્હાઈલ ડ્રાઈવિંગ (ડ્રાઈવિંગ કરતી વેળા મોબાઈલ જોવો ઘાતક છે). આપણે પહાડો પર નહીં આપણા પર વિજય મેળવીએ. ડોન્ટ લર્ન બાય એક્સિડન્ટ (અકસ્માતનો ભોગ બનીને શીખવાની જરૂર નથી). રસ્તા પર સુરક્ષિત રહેશો તો ઘરે નિરાંતે ચા પી શકશો. પરિવાર સે પ્યાર હૈ તો રફ્તાર કો તલાક દે. ઝડપી ડ્રાઈવિંગ કદાચ છેલ્લું ડ્રાઈવિંગ બની જાય. વાહન ચલાવો ઉડાવો નહીં. રસ્તા રોડ ઈઝ હિલી, ડોન્ટ ડ્રાઈવ સિલી. એવાં તો ઘણાં સૂત્રો ઠેર ઠેર વાંચવા મળે છે, પણ એ વાંચીને સુધરીશું ખરા?