કોઈ પણ બાંધકામ તોડવાની વાત આવે ત્યારે પહેલાં બુલડોઝર જ આપણી નજર સામે આવે. આપણે ત્યાં તો અપરાધીઓના ગેરકાયદે બાંધકામ પર બલુડોઝર કહેર વર્તાવે છે.

બુલડોઝરની રસપ્રદ વાત એ છે કે તે કોઈ પ્રકારની તોડફોડ માટે નહીં, પણ ખેતી માટે શોધવામાં આવ્યું હતું. બુલડોઝરનો ઉપયોગ ખેતીને બદલે તોડફોડમાં કેમ થવા લાગ્યો તે જાણો છો? ખેતી માટે ઘણી જમીનો ઊબડખાબડ હતી, જેને ઉપજાઉ કરવા માટે સપાટ કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ હતું. ખેતી કરનારાઓને તેના કારણે ખૂબ જ મુશ્કેલીઓ થતી હતી. આ મુશ્કેલીને સરળ કરવા માટે બુલડોઝરની શોધ કરવામાં આવી હતી. જેને શોધાયે એક સદીનો સમય થઈ ગયો છે. તેની કિંમત આપણે ત્યાં 10 લાખથી લઈને મોડલ, કંપની અને ખાસિયતો પર નિર્ભર કરે છે.

એક ખેડૂતે 102 વર્ષ પહેલાં બનાવ્યું હતું

ઈ.સ. 192૩માં એક ખેડૂત અને એક ડ્રાફ્ટ્સમેને મળીને પહેલાં બુલડોઝરની ડિઝાઈન તૈયાર કરી હતી. ખેડૂતનું નામ જેમ્સ કુમિંગ્સ અને ડ્રાફ્ટ્સમેનનું નામ અર્લ મૈકલેયોડ હતું. આ બંને અમેરિકાના કેન્સાસમાં રહેતા હતા, જ્યાં ઘણી જગ્યાએ ઊબડખાબડ જમીનને કારણે ખેતી કરવાનું મુશ્કેલ હતું. બંનેએ મળીને પહેલું બુલડોઝર ડિસેમ્બર, 192૩માં બનાવ્યું હતું. પછી તેમણે તેને પેટન્ટ કરાવી લીધું. જેનો પેટન્ટ નંબર 1,522,૩78 હતો, પરંતુ આ પેટન્ટ કૃષિ કાર્યોમાં ટ્રેક્ટરના અટેચમેન્ટ તરીકે થઈ હતી. ઈ.સ. 1920ના દશકામાં ટ્રેક આવી ગયા હતા અને તેનો ખૂબ જ ઉપયોગ થવા લાગ્યો હતો. જોકે, ત્યારે ટ્રક રબરનાં ટાયરવાળી નહોતી. 40ના દશકામાં રબરનાં ટાયરવાળાં વાહનો આવ્યાં.

બુલડોઝર શરૂઆતમાં ટ્રેક્ટર જેવાં હતાં

બુલડોઝર જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે તે ટ્રેક્ટર જેવું જ લાગતું હતું, કારણ કે ટ્રેક્ટરની જેમ જ આગળના ભાગમાં લાંબી, પાતળી ધાતુની પ્લેટ લગાવવામાં આવી હતી. જે મિકેનિકલ રીતે નીચે આવીને માટીનું ખોદાણ કરીને તેને સપાટ કરી દેતું હતું. આ બુલડોઝરોમાં ડ્રાઈવર માટે કોઈ કેબિન નહોતી, તેને ખુલ્લામાં બેસીને જ કામ કરવું પડતું હતું.

પછીથી બુલડોઝરની બ્લેડ્સમાં સુધારો થવા લાગ્યો. અત્યારે બ્લેડ્સથી તોડફોડનું કામ થાય છે અને માટી કાઢવા તથા ફેંકવા માટે યુ બ્લેડ્સ છે જે પહેલાં તોડફોડ કરે છે અને પછી કાટમાળને ઉઠાવીને ફેંકે છે. પહેલાં આ બધી બ્લેડ ટ્રેક્ટર જેવા વાહન સાથે જોડીને જ મળતી હતી. અલગ-અલગ બ્લેડ્સની સાથે આ ઈ.સ. 1929માં બનવા લાગ્યા, પરંતુ ત્યારે તેને બુલડોઝર નહીં, પણ બુલગ્રેડર્સ કહેવામાં આવતાં હતાં. સમયની સાથે વધારે શક્તિશાળી બન્યાં

સમયની ગતિની સાથે બુલડોઝર મોટાં અને શક્તિશાળી થવા લાગ્યાં. દુનિયાની ઘણી મોટી વિખ્યાત કંપનીઓ બુલડેઝર બનાવવા લાગી. તેનાં મોડલ, કામ કરવાની રીત જોકે અલગ-અલગ હતી, પરંતુ હાઈડ્રોલિક સિલિન્ડરની સાથે ઓપરેટિંગ સિસ્ટમ વધારે ઓટોમેટેડ બનતી ગઈ. અત્યારનાં બુલડોઝર તો ઘણી આધુનિક ટેક્નિકવાળાં બન્યાં છે, જેમાં જીપીએસ જેવી ટેક્નિકનો પણ સમાવેશ થાય છે.

ખેતીમાં ઉપયોગ થતો હતો

ઈ.સ. 19૩0નો દશકો આવતાં આવતાં બુલડોઝર ખેતરો કે કૃષિના અન્ય કામોમાં ઉપયોગમાં લેવાવા લાગ્યાં. તેની બ્લેડ્સને ઉઠાવવા અને અન્ય મૂવમેન્ટ માટે હાઈડ્રોલિક સિલિન્ડર્સની મદદ લેવામાં આવી. નિર્માણકર્તાઓને એવું લાગવા માંડ્યું કે આ ટ્રેક્ટરની તુલનામાં મોટું અને દમદાર વાહન બનવું જોઈએ કે જેની બ્લેડ્સને સરળતાથી ઓપરેટ કરી શકાય. આ રીતે પછી બુલડોઝર માટે અલગ પ્રકારનાં વાહનોનું આગમન થયું.

જ્યારે પહેલીવાર બુલડોઝરથી બરફ હટાવાયો

બ્રિટનમાં ઈ.સ. 1946-47માં ખૂબ જ બરફ પડ્યો. ઘણાં ગામોમાં સપ્લાય ચેનમાં મુશ્કેલીઓ આવવા લાગી. ત્યારે મોટાં મોટાં ટાયરોવાળાં અને બરફ હટાવીને રસ્તા બનાવવાવાળાં બુલડોઝરની મદદ લેવાઈ. પહેલીવાર બધાને લાગ્યું કે બુલડોઝરનો તો અનેક પ્રકારે ઉપયોગ કરી શકાય એમ છે. રસ્તા પર પડેલા બરફને હટાવવો હોય કે બાંધકામ તોડવું હોય, ખેતીની જમીન સપાટ કરવી હોય કે કાટમાળ હટાવવો હોય, સિવિલ કન્સ્ટ્રક્શનથી લઈને સૈન્ય નિર્માણ, અનેક રીતે બુલડોઝરનો ઉપયોગ થવા લાગ્યો છે.