આ તે કંઈ ઘર છે? આજે કેટલા બધા સમય પછી કોઈ આ ઘરમાં પગ મૂકવાનું છે અને મારી ઇમ્પ્રેશનની તો પથારી ફરી જવાની છે.'

એકસાથે સંજયના મગજમાં વિચારોનો મારો ચાલ્યો. ચારે તરફ ઉપર નજર કરી તો કરોળિયાનાં જાળાંના જાણે તોરણ લટક્યાં હતાં. એ મનોમન પોતાના નિર્ણયથી ખૂબ પસ્તાવા લાગ્યો. જ્યારે આ ઘર પસંદ કર્યું ત્યારે તો તેના કેટલા બધા ફાયદા દેખાતા હતા. ગામથી દૂર એકદમ અવાવરું વિસ્તારમાં મોટો મહેલ જેવો બંગલો. અહીંયાં છૂટાછવાયા જંગલ ખાતાના માણસો સિવાય કોઈ પસાર ન થાય. વખત જતાં બંગલાની જે હાલત થઈ હતી. સાવ જ પડી રહ્યો હતો. સંજય જંગલ ખાતામાં પહેલી વાર પોસ્ટ પર લાગ્યો ત્યારથી એને આ બંગલો મનમાં વસી ગયો હતો, પણ સાથી લોકોએ એના વિશે એવી એવી વાત કરી હતી કે એ તરફ જવાનું મન થતું, પણ બીક લાગતી હતી.

પણ આખરે છેલ્લા ત્રણ મહિનાથી એ અહીં જ વસ્યો. જિંદગી આખી મુંબઈની ચાલીમાં કાઢ્યા પછી આ જ સ્વર્ગ હતું. કોઈ ચિંતા હતી જ નહીં. બસ આખો દિવસ એક રૂમમાંથી બીજા રૂમમાં ચક્કરો મારવાના. કમ્પાઉન્ડમાં એક કૂવો, એમાં ડોલ નાંખવાની અને કાઢવાની એ એનું ગમતું કામ. બાકી એક સરસ મજાનો પિયાનો, ધૂળના થર જામેલા, પણ હાથ મારો તો વાગે ખરો!

અચાનક દરવાજો ખૂલતાં જામી ગયેલા નકૂચામાંથી અજીબ અવાજ આવ્યો અને સાડીમાં સજ્જ આરતી એની સામે આવીને ઊભી હતી. હરખના માર્યા એને શું બોલવું એ પણ ખબર ન પડી. પહેલી જ વાર એને સાડીમાં જોઈ, છેલ્લી વાર એને જોઈ હતી ત્યારે એ પણ જંગલ ખાતાના ખાખી યુનિફોર્મમાં હતી. આવતાંની સાથે જ બોલી, `શું જોરદાર બંગલો છે સંજયસર! નસીબ છે તમારું હોં બાકી. હું તો હજીયે ત્યાં સોળ નંબરની કેબિન પાસેના ગરનાળે જ છું. જ્યાંથી આપણી જીપ...' સંજયે તેને બોલતાં રોકી. આજે આનંદના દિવસે બીજું કશું યાદ નહોતું કરવું. તેને તો આવો ઢેર ઢેર બળી ગયેલો કાળો ભમ્મર બંગલો આરતીને ગમ્યો એનો આનંદ એવો થયો કે ન પૂછો વાત! સંજયે તેને ઇમ્પ્રેસ કરવા અડધો તૂટી ગયેલો પિયાનો વગાડવાનું શરૂ કર્યું અને એ સાંભળતાંની સાથે જ આરતીએ તીણા અવાજે ગાવાનું ચાલુ કર્યું. વર્ષોથી રહેતાં કબૂતર ઘરની બહાર નાઠાં.

જંગલમાં પોતાની ગાય શોધવા નીકળેલા અમરતે આ સાંભળ્યું અને પોતાની સાઇકલ નાખીને ભાગ્યો. ભાગતી વખતે વચ્ચે એ જગ્યા પણ આવી જ્યાં આજથી ત્રણ મહિના પહેલાં જંગલ ખાતાના એક અધિકારી સંજયભાઇ અને બીટ ક્લાર્ક આરતીબહેનને જીવલેણ અકસ્માત થયો હતો. એ દિવસ પછી શેઠના બંગલામાંથી અને ગરનાળા પાસેથી અજીબ અવાજ આવતા. કારણ વગર કૂવાની ડોલ પાણીમાં પડતાં અમરત જેવા કેટલાયે અનુભવ્યું હતું.