જ્યારે કોઈ જમીન મિલકતના ધારણકર્તા પોતાની જમીન મિલકત તબદીલી યા રજિ. વીલ યાને વસિયત અન્વયે તબદીલ કરવામાં આવે તે સમયે રેવન્યૂ રેકર્ડમાં તેની નોંધ દાખલ કરવામાં આવતી હોય છે તેમજ જ્યારે જમીન/મિલકતના ધારણકર્તાના અવસાન થતાં તેઓના કાયદેસરના સીધીલીટીના વારસદારોની વારસાઈ અન્વયે નામો દાખલ કરતી નોંધો પાડવાની હોય છે.


આવા તબદીલી યા વારસાઈની ફેરફાર નોંધો પાડવા અંગે જ્યારે હિત ધરાવતા પક્ષકારો વતી અરજી સંલગ્ન પુરાવાઓ રજૂ કરવામાં આવે તે અન્વયે મહેસૂલી અધિકારીઓએ નોંધો દાખલ કરવાની હોય છે અને કાયદાનુસાર યોગ્યતા જોઈ તપાસી પ્રમાણિત કરવાની હોય છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિએ મહેસૂલી અધિકારીઓ સમક્ષ ખોટી, અધૂરી અને ગેરકાયદેસરની માહિતી આપી કોઈ નોંધ દાખલ કરાવેલ હોય તો મહેસૂલી અધિકારીઓ સમક્ષ હિત ધરાવતા પક્ષકારની અપીલ-અરજીના કામે જે વ્યક્તિએ દગો કર્યો હોય તે બીજાને તેના અધિકારથી વંચિત કરવામાં સમયમર્યાદાના આ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકે નહીં.

ઉપર મુજબનો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોપટ ખીમા રામાણીના વારસદારો અને બીજા વિરુદ્ધ કલેક્ટર રાજકોટ અને બીજા, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં.3638/2002 ના કામ. તા.18/04/2002ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

પ્રશ્નવાળી જમીનના માલિક લધાભાઈ રત્નાભાઈ ચાલી આવેલા અને તેઓનું અવસાન થતાં પોપટભાઈ લધાભાઈએ તેઓના એકમાત્ર વારસદાર હોવાનું દર્શાવી રેવન્યૂ ઓથોરિટી સમક્ષ અરજી કરી અને તે સમયે તેઓએ રજિ.વીલ યાને વસિયતનામા તેમજ દત્તક વિધાન તેઓની તરફેણમાં થયેલ હોવા બાબતે કોઈ જ માહિતી જણાવી નહોતી. જે તે સમયે પોપટભાઈ લધાભાઈનું નામ સને 1978ની સાલમાં રેવન્યૂ રેકર્ડમાં દાખલ થયેલ. જે કામે લધાભાઈ રત્નાભાઈની એક પુત્રી : જીવતીબેન શિવાભાઈ કેરલિયા તે લધાભાઈ રત્નાભાઈની છોકરી ને લેન્ડ રેવન્યૂ કોડની કલમ-135(ડી) હેઠળની નોટિસની બજવણી પણ કરવામાં આવેલી ન હતી. ત્યારબાદ લધાભાઈ રત્નાભાઈની એક પુત્રી : જીવતીબેન શિવાભાઈ કેરલિયા તે લધાભાઈ રત્નાભાઈની છોકરી એ સને-1997માં મજકૂર નોંધને પડકારતી અપીલ નાયબ કલેક્ટરશ્રી સમક્ષ કરેલ, જે અપીલ નામંજૂર થતાં, કલેક્ટરશ્રી સમક્ષ ફેરતપાસ અરજી દાખલ કરેલ. જે કામે કલેક્ટરશ્રીએ ફેરતપાસ અરજી મંજૂર કરતો હુકમ કરેલ. જે સામે પોપટભાઈ લધાભાઈના વારસોએ રેવન્યૂ ડિપાર્ટમેન્ટ (અપીલ) સમક્ષ પણ અરજી દાખલ કરેલ, જે અરજી પણ નામંજૂર કરવામાં આવેલ. જેથી રેવન્યૂ ડિપાર્ટમેન્ટ (અપીલ) તથા કલેક્ટરશ્રીના હુકમની વિરુદ્ધ હાલની એપ્લિકેશન નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયેલ.

નામદાર હાઇકોર્ટે અરજદારોની દલીલ કરી હતી તે ધ્યાને લેતા કે, જ્યાંં કોઈ સમયગાળો નિર્ધારિત નથી, ત્યાં પણ અદાલતોએ સિદ્ધાંતો આપેલ છે કે કોઈપણ વૈધાનિક સત્તાનો ઉપયોગ વાજબી સમયની અંદર થવો જોેઈએ. 17 વર્ષનો સમયગાળો વાજબી સમયગાળો ન કહી શકાય, કે જ્યારે પ્રશ્નવાળી જમીન પ્લોટમાં વિભાજિત કરવામાં આવી હોય અને તેમાં મોટા ભાગની જમીન વેચાઈ ગઈ હોય અથવા તેના પર બાંધકામો કરવામાં આવ્યા હોય.

નામદાર ગુજરાત હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, સર્વોચ્ચ અદાલત દ્વારા સ્ટેટ ઓફ ઓરિસ્સા વિ. બ્રૂંદાબન શર્મા 1995 SuPP. (3) SCC 29તેમજ આ અદાલત દ્વારા જીવીબેન કલાજી બાપુજી વિ. ગુજરાત રાજય 1998(20) GLH 556 માં સિદ્ધાંત પ્રસ્થાપિત કરેલ કે, જે પોતે મહેસૂલી રેકર્ડમાં એન્ટ્રી પ્રમાણિતતા સંબંધિત બાબતમાં છેતરપિંડી કરી અથવા સાચી/સત્ય હકીકતો છૂપાવી હોય તેવી વ્યક્તિ સમયમર્યાદા દ્વારા બાધિત ન રહીને વાજબી સમયની અંદર કાયદાકીય સત્તાનો ઉપયોગ ગેરકાયદેસર ગણવો જોઈએ તેવો બચાવ એવી વ્યક્તિ માટે ઉપલબ્ધ નથી. હાલના કેસમાં જીવતીબેન તે લધાભાઈ રત્નાભાઈની પુત્રી છે અને પોપટભાઈ લધાભાઈએ પોતાની અરજીમાં દત્તક અને તેમની તરફેણમાં થયેલ વસિયતનામા પર આધાર રાખ્યો નથી તે સ્વીકાર્ય હકીકત

ધ્યાને રાખીને, પોપટભાઈ લધાભાઈએ મૃતક લધાભાઈ રત્નાભાઈના એકમાત્ર વારસદાર તરીકે મહેસૂલી રેકર્ડમાં તેમનું નામ બદલા માટે જે તે વખતે અધિકારીઓને હકીકત જણાવવાની જરૂર હતી.

વધુમાં હાલના ચુકાદામાં પ્રશ્નવાળી જમીન વડીલોપાર્જિત ગણવા યા હોવા અંગે તેમજ રજિ. દસ્તાવેજોેની કાયદેસર અંગે ન્યાયનિર્ણય કરવાની સત્તા સિવિલ કોર્ટમાં નિહિત થયેલ છે તેની વિસ્તૃત ચર્ચા પણ મજકૂર ચુકાદામાં કરવામાં આવેલ છે.

ઉપરોક્ત ચુકાદા ઉપરથી એ બાબત સ્પષ્ટ થાય છે કે, સત્તાનો ઉપયોગ યોગ્ય સમયમર્યાદામાં કરવો જોેઈએ અને યોગ્ય સમયમર્યાદામાં સત્તાનો ઉપયોગ કરવામાં આવેલ ન હોય તો તે ગેરકાયદેસર ઠરે છે પરંતુ જે વ્યક્તિ દગાપૂર્વક અને મહત્ત્વની હકકીતો છુપાવી જો કોઈ હુકમ મેળવ્યો હોય તેવી વ્યક્તિની સામે સત્તાનો ઉપયોગ કરવામાં આવેલ હોય તેવા સંજોેગોમાં દગો કરનાર વ્યક્તિ વાજબી અને યોગ્ય સમયમર્યાદાના સિદ્ધાંતનો વાપરવામાં બચાવ લઈ શકે નહીં. વ્યક્તિ જેણે દગો કર્યો હોય તે બીજાને તેના અધિકારથી વંચિત કરવામાં સમયમર્યાદાના આ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકે નહીં.


  • Follow us on: