એક્સ્પોર્ટ'ના લાભ આપવાની બાબતે એક્સ્પોર્ટ કોને ગણાય તે બાબતે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અપીલનું તા. 9મી ઓગસ્ટ,2019ના રોજ સર્વોચ્ચ અદાલતમાં થયેલી સુનાવણી દરમિયાન એસ.ઇ.ઝેડ. એકમો દ્વારા કરવામાં આવેલી દલીલો સર્વોચ્ચ અદાલતને પ્રથમ દૃષ્ટિએ વાજબી લાગેલી. દલીલો એ હતી કે સરકાર દ્વારા તા.17 સપ્ટેમ્બર, 2013ના રોજના પરિપત્ર દ્વારા 100% ટર્નઓવરના ફિઝિકલ એક્સ્પોર્ટની શરત કલમ 2(એમ) અને કલમ 30ની વિરુદ્ધની હતી, અને તેથી આવી શરતને એલ.ઓ.પી.માં સમાવી શકાય નહીં.


સર્વોચ્ચ અદાલતે આ સુનાવણી દરમિયાન કરેલાં વચગાળાના હુકમમાં નોંધ્યું છે કે કલમ 30 હેઠળ ઝોનનાં એકમને પોતાના ઉત્પાદનનો અમુક ભાગ ભારત દેશમાં વેચવાની છૂટ છે અને કલમ 2(એમ) હેઠળ ઝોનના અન્ય એકમોને માલ વેચવાને પણ 'એક્સ્પોર્ટ' ગણવાની જોગવા છે, અને વાદગ્રસ્ત શરત (100% ફિઝિકલ એક્સ્પોર્ટની શરત) આ જોગવાઈઓની વિરુદ્ધ છે. આ કારણે સર્વોચ્ચ અદાલતે વચગાળાનો મનાઈહુકમ આપી ઝોનના એકમો વિરુદ્ધ કોઈ પગલાં નહીં લેવાનો હુકમ કરેલ છે. ના. ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચનો ચુકાદો યોગ્ય છે કે અગાઉ અપાયેલ બે સિંગલ જજની બેંચના ચુકાદા યોગ્ય હતા તે હવે સર્વોચ્ચ અદાલત નક્કી કરશે અને 'એક્સ્પોર્ટ' એટલે શું અને ક્યાં વ્યવહારોને એક્સ્પોર્ટ ગણવા તે સર્વોચ્ચ અદાલત હવે ઠરાવશે.

તા.17-09-2013ના પરિપત્રો :

એસ.ઈ.ઝેડ. એક્ટ હેઠળ અનેક પ્રકારના ઉદ્યોગો સ્થપાયેલાં છે, અને આ બધાં જ ઉદ્યોગો એસ.ઇ.ઝેડ. એક્ટની જોગવાઓ અનુસાર વ્યવહારો કરતાં હોવાથી આવા બધાં જ ઉદ્યોગોને અન્ય એસ.ઇ.ઝેડ. એકમને માલ/સેવા પૂરી પાડી પોતાની 'એક્સ્પોર્ટ' કરવાની જવાબદારી અને એક્સ્પોર્ટના ટાર્ગેટ પૂરાં કરવાની છૂટ છે. પરંતુ કોમર્સ વિભાગ દ્વારા તા. 17-9-2013ના રોજ બે પરિપત્રો બહાર પાડી 'પ્લાસ્ટિક રિપ્રોસેસિંગ' અને જૂના વપરાયેલા વસ્ત્રોના રિ-પ્રોસેસિંગ' માટે સ્થપાયેલાં એકમો માટે પોતાના ટર્નઓવરનું 'ફિઝિકલ એક્સ્પોર્ટ' કરવાની શરત લાગુ પાડવામાં આવેલી. આ શરત 2013-14ના વર્ષથી લાગુ પાડી ફેબ્રુઆરી, 2018 સુધી અમલમાં રાખવામાં આવેલી. પરિણામે ઉપરોક્ત બે પ્રકારના ઉદ્યોગો દ્વારા અન્ય એસ.ઇ.ઝેડ. એકમોમાં કરાયેલ માલના સપ્લાયને 'એક્સ્પોર્ટ' ગણવામાં આવેલા નહીં, અને આ બે ઉદ્યોગો પોતાની એક્સ્પોર્ટની જવાબદારી અને એક્સ્પોર્ટના ટાર્ગેટ પૂરાં પાડી શક્યા નહીં. તેથી આ ઉદ્યોગો દ્વારા આ બંને પરિપત્રોને કોર્ટમાં પડકારવામાં આવેલાં.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદા

2014ના વર્ષમાં ના. ગુજરાત હાઇકોર્ટમાં પ્લાસ્ટિક રિપ્રોસેસિંગના કંડલા એસ.ઇ.ઝેડ.ના એકમો દ્વારા રિટ અરજીઓે કરવામાં આવેલી અને જૂનાં વસ્ત્રોના રિપ્રોસેસિંગના એકમો દ્વારા પણ જુદી રિટ અરજીઓ કરવામાં આવેલી. આ બંને ઉદ્યોગો દ્વારા ના. હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવેલી કે પાર્લામેન્ટ દ્વારા કલમ 2(એમ) હેઠળ જે વ્યાખ્યા આપવામાં આવેલી છે તેની વિરુદ્ધ સરકારી અધિકારીઓ દ્વારા પરિપત્રો બહાર પાડી શકાય નહીં, અને આવાં પરિપત્રો દ્વારા થયેલી જોગવાઓ અમલી બનાવી શકાય નહીં. આ ઉદ્યોગો માટે 'ફિઝિકલ એક્સ્પોર્ટ' એટલે કે તેમણે બનાવેલાં માલને દેશની બહાર નિકાસ કરવાની ફરજિયાત શરતોને આ પ્રમાણે પડકારવામાં આવેલી.

તા.24-1-2017 અને 14-2-2017ના ચુકાદા

ના.હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચ દ્વારા પ્લાસ્ટિક રિપ્રોસેસિંગ અને રિસાઇક્લિંગ માટે સ્થપાયેલાં ઉદ્યોગોની અરજીઓ તા. 24-1-2017ના ચુકાદા દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલી, અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રને ગેરકાયદેસર ઠરાવવામાં આવેલ. ત્યારબાદ તા.14-2-2017ના ચુકાદાથી જૂના વસ્ત્રોને રિપ્રોસેસિંગ માટે સ્થપાયેલા ઉદ્યોગોની અરજીઓ પણ બીજી સિંગલ જજ બેન્ચ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલી અને આ ઉદ્યોગો માટે બહાર પાડવામાં આવેલ પરિપત્રને પણ ફગાવી દેવામાં આવ્યો હતો. ના. ગુજરાત હાઇકોર્ટની બે સિંગલ જજ બેન્ચ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે, 'ફિઝિકલ એક્સ્પોર્ટ' ફરજિયાત કરતાં પરિપત્રો ગેરકાયદેસરના હોવાથી આ ઉદ્યોગોને બીજાં એસ.ઈ. ઝેડ. એકમોને માલ પૂરો પાડી આ પ્રકારના 'સપ્લાય'ને એક્સ્પોર્ટ ગણવાની અને આ એક્સ્પોર્ટની ગણતરી પોતાની એક્સ્પોર્ટની જવાબદારી અને ટાર્ગેટ પૂરાં કરવામાં છૂટ છે. આ ચુકાદાઓને આધારે આ જ પ્રકારની ના. અલાહાબાદ હાઇકોર્ટ સમક્ષની રિટ અરજી પણ ગ્રાહ્ય રાખવામાં આવેલી અને ના. કલકત્તા હાઇકોર્ટમાં થયેલી આવી જ રિટ અરજીમાં વચગાળાનો મનાઇહુકમ આપવામાં આવેલો.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદાના સિદ્ધાંત

તા.24-1-2017 અને 14-2-2017ના ચુકાદાઓમાંથી જે સિદ્ધાંતો ફલિત થાય છે, તે આ પ્રમાણે છે. (1) એસ.ઇ.ઝેડ. એક્ટ અને રૂલ્સ દ્વારા ભારત દેશમાં માલ/સેવાના 'સપ્લાય' માટે કોઈ બંધી કે પ્રોહિબિશન નથી અને તેથી પરિપત્રો દ્વારા આ પ્રકારના ડોમેસ્ટિક સપ્લાય પર પ્રતિબંધ મૂકી ન શકાય (2) એસ.ઇ.ઝેડ. એક્ટની કલમ 30 અનુસાર ઝોનમાં સ્થાપિત એકમ માટે ડોમેસ્ટિક સપ્લાય (એટલે કે ભારત દેશનાં અન્ય ભાગમાં) કરવાની છૂટ છે, અને આ જોગવામાં કોઈ ફેરફાર થયો નહીં હોવાથી પરિપત્રો દ્વારા ડોમેસ્ટિક સપ્લાય પર પ્રતિબંધ મૂકી શકાય નહીં (3) ડોમેસ્ટિક સપ્લાય ઉપર લાગુ પડતી કસ્ટમ ડયૂટીની વસૂલાત કરવાની શરત છે, અને એસ.ઇ.ઝેડ.રૂલ્સનાં નિયમ 55ની આ જોગવાઈમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, અને તેથી પરિપત્રો દ્વારા આવી જોગવાઈ પર કોઈ પ્રતિબંધ મૂકી શકાય નહીં અને (4) સૌથી મહત્ત્વની જોગવાઈ એક્ટની કલમ 2 (એમ)ની છે, જે મુજબ એક એકમથી બીજાં એસ.ઇ.ઝેડ. એકમને પૂરાં પાડવામાં આવેલ માલ/સેવાને 'એક્સ્પોર્ટ' ગણવા માટે પાર્લામેન્ટ દ્વારા વ્યાખ્યા આપવામાં આવેલ છે, અને આ વ્યાખ્યા વિરુદ્ધ કોઈ પરિપત્ર અધિકારીઓ દ્વારા જાહેર કરી શકાય નહીં. એસ.ઇ.ઝેડ.ના કાયદાની બધી જ લાગુ પડતી કલમો અને નિયમોની છણાવટ કરી સિંગલ જજ બેન્ચ દ્વારા ઠરાવવામાં આવેલું છે કે એક એકમથી બીજા એકમને થયેલા 'સપ્લાય'ને જો એક્સ્પોર્ટ ગણવાનોે ન હોય અને ઝોનમાં સ્થાપિત થયેલાં એકમ માટે દેશની બહાર નિકાસ કરવાનું ફરજિયાત કરવાનો આશય હોય અને ઝોનમાં સ્થાપિત ઉદ્યોગને પૂરેપૂરું ઉત્પાદનનું 'ફિઝિકલ એક્સ્પોર્ટ' કરવાની શરત લાગુ પાડવાની હોય, તો કાયદાની કલમો અને નિયમોમાં ફેરફાર કરવા જરૂરી છે.


  • Follow us on: