રેવન્યૂ રેકર્ડમાં જમીન અંગેના રજિસ્ટર્ડ અથવા અનરજિસ્ટર્ડ લખાણો દ્વારા મેળવાયેલા તથા અન્ય કાયદેસરના હક્કોની નોંધ રાખવામાં આવે છે. આ ઉપરાંત જમીન પરત્વેના હક્કોમાં તથા એન્ટ્રીમાં મોટે ભાગે બક્ષિસ વેચાણ, રિલીઝ, ગીરો, શાનગીરો, શરતી વેચાણના રજિસ્ટર્ડ દસ્તાવેજ, વારસાઈ વિગેરે મુજબના ફેરફારો અંગે નોંધ દાખલ કરવામાં આવતી હોય છે. આવી નોંધ બાબતે અને જમીન બાબતે પક્ષકારો વચ્ચે તકરારો શરૂ થાય અને વાદ-વિવાદ થવાના કિસ્સાઓ પણ ઘણાં બનતા હોય છે.
જેના કારણે પક્ષકારો વચ્ચે રેવન્યૂ રાહે તથા દીવાની રાહે પ્રકરણો પણ થતાં હોય છે. પરંતુ માત્ર નામફેરની નોંધના સંબંધમાં તપાસ પડતર હોવા માત્રથી કબજેદારનું ટાઇટલ વિવાદી કહી શકાય નહીં. તે મુજબનો સિદ્ધાંત નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ફતેહજી એન્ડ. અને બીજા વિરુદ્ધ એલ. એમ. નાગપાલ અને બીજા, સિવિલ અપીલ નં.3912/2015 ના કામે તા.24/04/2015 ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. (લેન્ડ લોઝ જજમેન્ટસ(LLJ), વોલ્યુમ-2, ઇશ્યૂ-9, સપ્ટેમ્બર-2015, પાના નં.713) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
વિવાદવાળી મિલકત, મૂળે શ્રી અમારુલ્લા શરીફની માલિકીની છે, કે જેઓએ તે તા.19/03/1994 ના રોજના રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ હેઠળ મૂળ દાવાના વાદીને વેચાણે આપી હતી. તેવી તબદીલી આધારે ખાતામાં વાદીની તરફેણમાં નામફેર કરવામાં આવ્યો હતો, કે જેઓ ખરીદી બાદથી તેના કબજામાં હોવાનો દાવો કરે છે. તે મુજબ વાદીએ કંપાઉન્ડ વોલ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો અને તે તબક્કે પ્રથમ પ્રતિવાદીએ દખલગીરી કરી હતી અને જણાવ્યું હતુ કે, બીજા પ્રતિવાદી પાસેથી લાઇસન્સ મેળવ્યા વિના તેનું બાંધકામ થઈ શકે નહીં, તેમ છતાં, વાદીએ જણાવ્યું હતુ કે, કંપાઉન્ડ વોલ બાંધવા માટેની આવી કોઈ મંજૂરી જરૂરી નથી પરંતુ, કારણ કે, સતત દખલગીરી તેમના થઈ હતી, વાદીએ મનાઈ હુકમ માંગતો દાવો દાખલ કર્યો હતો. જે દાવાના કામે પ્રતિવાદીએ લેખિત જવાબ દાખલ કર્યો હતો અને વાદીની રજૂઆત અંગે વિવાદ કર્યો હતો. પંચાયત વિરુદ્ધના દાવાની ચાલવાપાત્રતા ઉપરાંત જણાવવામાં આવ્યું હતંુ કે, દાવાના પરિશિષ્ટવાળી મિલકતને સંબંધિત ખાતાની નોંધ બનાવટી છે. વધુમાં પ્રતિવાદી દ્વારા જણાવવામાં આવેલ કે, હીકલ ગામે, ગ્રામથાણાની જગ્યાઓની ગેરકાયદે તબદીલી કરવામાં આવી હતી અને તેવા ગેરકાયદે વ્યવહારની સરકાર દ્વારા તપાસ થઈ રહી છે. ડેપ્યુટી કમિશનરે તમામ નોંધો જપ્ત કરેલ છે. અને માલિકી હક્કની તબદીલી તેમજ ખાતા ફેરફારના સંબંધમાં તપાસ ચાલી રહે છે. જ્યાં સુધી તે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી, વાદીનું પોતાનું ટાઇટલ વિવાદમાં છે. વધુમાં પ્રતિવાદીએ રજૂઆત કરેલ કે, વાદી કબજામાં છે તે બાબતે વિવાદ છે કે, બીજા પ્રતિવાદીએ તે મુજબ મિલકતને સુરક્ષિત કરવી જોઈએ, કે જે પંચાયતની માલિકીની છે. વાદીને બાંધકામ કરવાનો કોઈ અધિકાર નથી અને તેમ હોઈ, બીજા પ્રતિવાદી દ્વારા કરવામાં આવેલ વિરોધ કાનૂની રીતે યોગ્ય છે. એવું પણ જણાવવામાં આવેલ છે કે, દાવાના પરિશિષ્ટ વાળી મિલકત હજી પણ ખેતીલાયક જમીન છે અને તેનું હજી સુધી સ્વત્વાર્પણ કરવામાં આવેલ નથી. વાદીને બાંધકામ ઊભું કરવાનો કોઈ અધિકાર ન હોઈ, દાવાનું કારણ ઉપસ્થિત થતું નથી એવી રજૂઆત છે. તેથી, પ્રતિવાદીએ દાવો રદ કરવાની માગણી કરેલી.
રેકર્ડ ઉપર ઉપલબ્ધ પુરાવાના વિશ્લેષણ ઉપર ટ્રાયલ કોર્ટે દાવામાં હુકમનામું કર્યુ હતુ, તે પ્રતિવાદીઓ અને તેના અધિકારીઓને દખલગીરી કરતાં અટકાવવા સુધીનો મર્યાદિત મનાઈ હુકમ મંજૂર કરીને, પરંતુ કાયદાના અનુસંધાનમાં વાદીની વિરુદ્ધ પગલાં લેવાની સ્વતંત્રતા અનામત રાખીને, પ્રથમ પ્રતિવાદીશ્રી પાપન્નાએ એકલાએ જ આર. એ. નં.517/2010 વાળી અપીલ દાખલ કરીને ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. વાદી દ્વારા મિલકતનો કબજો ધરાવવાનું ચાલુ છે, એવું પ્રસ્થાપિત થયેલ નથી, એવું ઠરાવીને નીચલી એપેલેટ કોર્ટે અપીલ મંજૂર કરેલ છે. તેમજ ટ્રાયલ કોર્ટના ચુકાદાને સેટ-એસાઈડ કરેલ છે અને પરિણામે દાવો રદ કરેલ છે. નીચલી એપેલટ કોર્ટે તા.23/04/2011 ના રોજના તેના ચુકાદા વડે અપીલ મંજૂર કરેલ છે અને દાવો રદ કર્યો છે. તેથી, વાદી નીચલી એપેલેટ કોર્ટ દ્વારા વ્યકત કરાયેલ અલગ મંતવ્યથી નારાજ થઈને આ બીજી અપીલમાં કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ કેસ ઉપસ્થિત થયેલ છે.
કર્ણાટક હાઇકોર્ટે, પહેલાં તબક્કે તા. 12/08/2011 ના રોજના ચુકાદા વડે અપીલ મંજૂર કરી હતી. ત્યારબાદ બચાવકર્તાએ આર. પી. નં.403/2011 માં પુનઃસમીક્ષા અરજી દાખલ કરી હતી તે કર્ણાટક હાઇકોર્ટનું ધ્યાન, તે મુદ્દા ઉપર લાવીને કે, દાવાના વિષય વસ્તુવાળી મિલકત તા.06/12/2006 ના રોજના દસ્તાવેજ હેઠળ બક્ષિસ આપવામાં આવી હતી અને તેમ હોઈ, વાદીને મિલકતમાં કોઈ હિત નથી. આ કોર્ટે તા.07/03/2013 ના રોજના હુકમ વડે પુનઃ સમીક્ષા અરજી મંજૂર કરી હતી અને તા.12/08/2011 ના રોજના ચુકાદાને પરત મંગાવીને પુનઃવિચારણા માટે આ અપીલ પુનઃ સ્થાપિત કરી હતી. તે પરિપેક્ષમાં, વિચારણા માટે એક વખત ફરીથી કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ કેસ ઉપસ્થિત થયેલ છે.
જેમાં નામદાર કર્ણાટક હાઇકોર્ટે એવું જણાવેલ કે, આ કોર્ટ દ્વારા અગાઉ પસાર ચુકાદાને તે હકીકતના પરિપેક્ષમાં પરત મંગાવવામાં આવેલ છે કે, અપીલકર્તાએ અક્ષય પાત્ર ફાઉન્ડેશનની તરફેણમાં તા.06/12/2006 ના રોજ બક્ષિસખત કર્યો હતો, અને તે મુજબ જે રાહે વિચારણા કરવાની છે, તેની ઉપર ધ્યાન આપવું જરૂરી છે. કથિત દસ્તાવેજ હેઠળ વાદીએ માત્ર દાવાના પરિશિષ્ટ-2 અને 3 વાળી જ મિલકત બક્ષિસમાં આપેલ છે, એવી હકીકત અંગે કોઈ વિવાદ નથી. તેથી વાદી દાવાના પરિશિષ્ટ-1 વાળી મિલકતના સંબંધમાં હક્ક, ટાઇટલ અને હિતનો દાવો કરવાનું ચાલુ રાખે છે.
નામદાર કર્ણાટક હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે, ખાતાના નામફેરના સંબંધમાં તપાસ પરિશિષ્ટવાળી મિલકતના કબજા અને ભોગવટામાં નથી. તેથી, કાયદાના મહત્ત્વના પ્રશ્નનો જવાબ વાદી, કે જેઓ હાલના અપીલકર્તા છે તેમની તરફેણમાં આપવામાં આવે છે. જો કે, તેનો લાભ માત્ર દાવાના પરિશિષ્ટ-1 વાળી મિલકતનાં સંબંધમાં જ વાદીને ઉપલબ્ધ થશે, કારણ કે, વાદીએ દાવાના પરિશિષ્ટ-2 અને 3 વાળી મિલકતોમાંથી ટાઈટલ, હિત ગુમાવેલ છે અને હાલમાં તેઓ તેના કબજામાં નથી. નામફેરની નોંધના સંબંધમાં તપાસ પડતર હોવા માત્રથી કબજેદારનું ટાઈટલ વિવાદી કહી શકાય નહીં. આથી નામદાર કર્ણાટક હાઇકોર્ટે અપીલ અંશતઃ મંજૂર કરેલ અને એપેલેટ કોર્ટનો તા.23/04/2011 ના રોજનો ચુકાદો સેટ-એસાઈડ કરેલ. અને ટ્રાયલ કોર્ટનો તા.31/08/2006 ના રોજનો ચુકાદો પુનઃ સ્થાપિત કરેલ.
ઉપરોક્ત કેસ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, રેવન્યૂ રેકર્ડમાં જમીન અંગેના ફેરફાર નોંધ બાબતે અને જમીન બાબતે પક્ષકારો વચ્ચે તકરારો શરૂ થાય અને વાદ-વિવાદ થવાના કિસ્સાઓ પણ ઘણાં બનતા હોય છે. જેના કારણે પક્ષકારો વચ્ચે રેવન્યૂ રાહે તથા દીવાની રાહે પ્રકરણો પણ થતાં હોય છે. પરંતુ માત્ર નામફેરની નોંધના સંબંધમાં તપાસ પડતર હોવા માત્રથી કબજેદારનું ટાઇટલ વિવાદી કહી શકાય નહીં. તેમજ રેવન્યૂ કોઈ વ્યકિતનું નામ ન હોવા માત્રથી તેવી વ્યક્તિના માલિકી હક્કો છીનવાઈ જતાં નથી કે ડૂબી જતાં નથી. રેવન્યૂ રેકર્ડની ફિસ્કલ વેલ્યૂ છે. જે તે જમીનની મહેસૂલની રકમ ભરવા જવાબદાર વ્યક્તિ નક્કી કરવા બાબત માત્ર રેવન્યૂ રેકર્ડમાં નામ ફેરફારની કાર્યવાહી કરવામાં આવે છે, આમ, જમીન/મિલકત પરના માલિકીહક્ક ટાઇટલ્સ નક્કી કરવા માટે રેવન્યૂ રેકર્ડ આખરી કે નિર્ણાયક પુરાવો ગણી શકાય નહીં.
(સંદર્ભઃ લેન્ડ લોઝ જજમેન્ટસ (LLJ), વોલ્યુમ-2, ઇશ્યૂ-9, સપ્ટેમ્બર-2015, પાના નં.713)