ખેતીની આવકની વ્યાખ્યા આવકવેરાના કાયદાની કલમ 2(1એ) હેઠળ આપવામાં આવી છે.


આ વ્યાખ્યાની જોગવાઈઓ અનુસાર કોઈ પણ આવક ખેતીની આવક ગણાય તે માટે નીચે જણાવેલી શરતોનું પાલન થવું જોઈએઃ

 આવી આવક જમીનમાંથી મળેલી હોવી જોઈએ;

 આવી જમીન ભારતમાં આવેલી હોવી જોઈએ;

 આવી જમીનનો ઉપયોગ ખેતીવિષયક હેતુઓ માટે થતો હોવો જોઈએ.

ઉપરોક્ત શરતોને આધીન નીચે મુજબની આવકોને ખેતીની આવક તરીકે ગણવામાં આવે છે :

ખેતીના ઉપયોગ માટે વાપરવામાં આવતી જમીનમાંથી મળતું ભાડું (Rent) અથવા મહેસૂલ (Revenue). અહીં મહત્ત્વની બાબત એ જોવાની રહે છે કે આવી જમીન, એ તેમાંથી મળતા ભાડા કે મહેસૂલનું સીધુ અને અસરકારક સાધન છે કે નહીં. જો આવી જમીન તેમાંથી મળતા ભાડા કે મહેસૂલનું દૂરગામી સાધન હોય તો તે ભાડા કે મહેસૂલની રકમ ખેતીની આવક તરીકે ગણાશે નહીં.

જમીનની ખેતીમાંથી મળેલી આવક. જમીન ખેડવી, વાવણી કરવી, પાણી સિંચવું વગેરે જેવી ખેતીની મૂળભૂત પ્રક્રિયાઓ ((Basic Agricultural Operations) કરવાથી જમીનમાંથી મળતી આવક કે ઉત્પાદનને ખેતીની આવક ગણવામાં આવે છે. 'રાજા મુસ્તફા અલિખાન વિરુદ્ધ કમિશનર ઑફ ઈન્કમટેક્સ, ઉત્તરપ્રદેશ' 16 ITR 330 (PC)ના કેસમાં વર્ષો પહેલાં પ્રિવી કાઉન્સિલે આપેલા ચુકાદા દ્વારા એ મુદ્દો સ્પષ્ટ કરવામાં આવ્યો કે જ્યાં સુધી જમીન ઉપર થોડાક પ્રમાણમાં પણ ખેતીની પ્રક્રિયા થઈ ન હોય, તેના ઉપર માનવ-શ્રામનો ઉપયોગ થયો ન હોય, ત્યાં સુધી તે જમીનનો ખેતીવિષયક હેતુઓ માટે ઉપયોગ થયો છે તેમ કહી શકાય નહીં. આમ, જંગલમાં આપમેળે ઊગી નીકળેલા ઝાડો, ફળો કે ફૂલોના વેચાણમાંથી થતી આવકને ખેતીની આવક ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે 'કમિશનર ઑફ ઈન્કમટેક્સ, વેસ્ટ બેંગોલ વિરુદ્ધ રામ બીનૉય કુમાર સુહાસ રોય' 32 ITR 466 (SC)ના કેસમાં પ્રસ્થાપિત કરેલા માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર, જો ખેતીની મૂળભૂત પ્રક્રિયાઓ પછીની ક્રિયાઓ, જેવી કે છોડ ઉખેડવા, છોડની જાળવણી કરવી, ખોદકામ કરવું, વાડ કરવી વગેરે મૂળભૂત પ્રક્રિયાઓના અનુસંધાનમાં કરવામાં આવી ન હોય તો આવી પછીની ક્રિયાઓને ખેતી ગણી શકાય નહીં. આ જ પ્રમાણે જે પ્રવૃત્તિઓમાં ખેતીની જમીન ઉપર કરવી પડતી જરૂરી પ્રક્રિયાઓનો સમાવેશ થતો ન હોય, તો માત્ર તેને જમીન સાથે કાંઇક સંબંધ છે એટલા જ કારણસર તેને ખેતીની પ્રક્રિયાઓ ગણી શકાય નહીં અને માટે તેમાંથી ઉદ્ભવતી આવકને ખેતીની આવક ગણી શકાય નહીં. દા. ત. ઢોરઉછેર, ડેરી ફાર્મિંગ વગેરેની આવકને ખેતીની આવક તરીકે ગણી શકાય નહીં.

ખેતીની ઊપજ બજારમાં વેચવા યોગ્ય બનાવવા માટે ખેડૂત (Cultivator) અથવા ઊપજ સ્વરૂપે ભાડું મેળવનાર વ્યક્તિ (Recelver of rent-in-kind) એ સામાન્ય રીતે કરેલી કોઈપણ પ્રક્રિયામાંથી ઉદ્ભવતી આવક. દા. ત. તમાકુનું શુદ્ધિકરણ, કપાસની પિંજણ વગેરે પ્રક્રિયાઓમાંથી થતી આવકને ખેતીની આવક તરીકે ગણવામાં આવે છે.

ખેડૂત અથવા ઊપજ-સ્વરૂપે ભાડું મેળવનાર વ્યક્તિએ ખેતીની ઊપજના કરેલા સીધા વેચાણમાંથી ઉદ્ભવતી આવક. જો કોઈ વેપારી ખેડૂત પાસેથી માલ ખરીદીને તેનું વેચાણ કરે તો આ સંજોગોમાં વેપારીની આવકને ખેતીની આવક ગણી શકાય નહીં.

ખેતીની જમીનનું ભાડું કે મહેસૂલ મેળવનાર ખેડૂત અથવા ઊપજ-સ્વરૂપે ભાડું મેળવનાર વ્યક્તિની માલિકી કે કબજા હેઠળની મકાન-મિલકતમાંથી ઉદ્ભવતી આવક, જો આવી મકાન-મિલકત ખેતીની જમીન ઉપર કે તેની નજીકમાં આવેલી હોય અને રહેઠાણ કે સ્ટોર-હાઉસ તરીકે તેનો ઉપયોગ જરૂરી હોય, તેમજ આવી ખેતીની જમીન, જમીન મહેસૂલની આકારણીને પાત્ર હોય અથવા 'શહેરી વિસ્તાર' (urban area)ની સીમા બહાર આવેલી હોય.

નર્સરીમાંથી ઉદ્ભવતી આવક પણ ખેતીની આવક તરીકે કરમુક્ત!

ખેતીની જમીનમાં 'નર્સરી ફાર્મ'નો વિકાસ કરીને તેમાં ઉગાડવામાં આવતા ફૂલ, ફળ, શાકભાજી વગેરેના છોડ ઉગાડી તેમજ બિયારણ તૈયાર કરીને, તેનું કુંડા તેમજ પેકેટોમાં વેચાણ કરવામાં આવે, તો આવી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી આવક કરદાતાની ખેતીની આવક તરીકે કરમુક્ત ગણી શકાય કે કેમ, તે મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થાય. આ જ મુદ્દા ઉપર વિસ્તૃત વિશ્લેષણ કરીને કરદાતાની તરફેણમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો, મદ્રાસ હાઇકોર્ટે 'કમિશનર ઑફ ઈન્કમટેક્સ વિરુદ્ધ સૌંદર્ય નર્સરી' 241 ITR 530 (MAD.) ના કેસમાં આપ્યો છે.

આ સંબંધી સ્પષ્ટતા કરવાના હેતુસર, 2008ના નાણાકીય ધારા અન્વયે કલમ 2(1એ) હેઠળ દાખલ કરાયેલ સમજૂતી હેઠળ એવો ખુલાસો કરાયો છે કે નર્સરીમાં ઉગાડાતા છોડ અથવા બીજમાંથી ઉદ્ભવતી આવકને પણ ખેતીની જ આવક માની લેવામાં આવશે. ઉપરોક્ત સુધારો આકારણી વર્ષ 2009-10થી અમલી બન્યો છે.

ખેતીની આવક તરીકે ન ગણાતી આવક

 ઉપરોક્ત શરતો અને જોગવાઈઓના અર્થઘટનના સંદર્ભમાં, વિવિધ કાનૂની ચુકાદાઓ દ્વારા ઠરાવવામાં આવ્યા મુજબ નીચેની આવકોને ખેતીની આવક તરીકે ગણવામાં આવતી નથી :

 સિંચાઈના હેતુ માટે પૂરા પાડવામાં આવેલા પાણી સંબંધી થતી આવક.

 ઇંટો બનાવવા માટે માટીના વેચાણમાંથી થતી આવક.

 માછલાં પકડવાની પ્રક્રિયા દ્વારા થતી આવક.

 પથ્થરની ખાણમાંથી થતી આવક.

 ખેતીવાડીના ફાર્મના મેનેજર તરીકે મળતું મહેનતાણું.

 ખેતીની જમીનની ભાડાની બાકી રકમ ઉપર મળેલું વ્યાજ.

 ખેતીની આવકમાંથી કંપનીએ તેના શૅરહોલ્ડરોને ચૂકવેલું ડિવિડન્ડ.

 ભારત બહાર આવેલી ખેતીની જમીનમાંથી મળતી ખેતીની આવક.

ખેતી સિવાયના ઉપયોગ માટે વપરાતા જમીન-મકાનમાંથી ઉદ્ભવતી આવક ખેતીની આવક ગણાશે નહીં

2000ના નાણાકીય ધારા અન્વયે કલમ 2(1એ) હેઠળ 'ખેતીની આવક'ની વ્યાખ્યામાં સુધારો કરીને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખેતીની જમીન કે તેના ઉપર આવેલા મકાનનો ઉપયોગ જો ખેતી સિવાયના કોઈ હેતુઓ માટે (દા.ત. રેસિડેન્શિયલ કે કૉમર્શિયલ હેતુસર ભાડે આપવા માટે અથવા કોઈ ધંધા-વ્યવસાય માટે) થતો હોય.


  • Follow us on: