જીટોલ્સ્ટોયની આત્મકથા : `કબૂલાત'

પ્રકરણ - 24

વનમાં આમેય ઝાઝું કશું દાટ્યું નથી અને ઑવરઓલ જીવતરનો આખો મામલો પીડાદાયક છે તો પછી જીવ્યે જવાનો શો મતલબ?

આ સવાલનો તાર્કિક જવાબ મેળવવાની બધી જ કોશિશો નિષ્ફળ ગયા બાદ રશિયન લેખક ટોલ્સ્ટોયને લાગ્યું કે તર્કને બદલે શ્રદ્ધા પાસેથી કદાચ જવાબ મળી શકે. એટલે એમણે અનેક ધર્મોનો અભ્યાસ શરૂ કર્યો અને ખાસ તો પોતાના જ ખ્રિસ્તી સંપ્રદાયના વિવિધ ફાંટા-ફિરકાના ધર્મપુરુષોને મળવાનું શરૂ કર્યું. એમની સાથેની ચર્ચાઓ દરમિયાન ટોલ્સ્ટોયને લાગ્યું કે આ લોકો તો શ્રદ્ધાનો મામલો સ્પષ્ટ કરવાને બદલે ઊલટાનો વધુ ગૂંચવી નાખતા હતા.

આગળની વાત ટોલ્સ્ટોયના શબ્દોમાં...

(ખ્રિસ્તી પેટાસંપ્રદાયોના) ધર્મપુરુષો જેમ જેમ પોતપોતાના ધર્મનું શિક્ષણ વધુ ને વધુ ઝીણી વિગતો સાથે મને સમજાવતા ગયા તેમ તેમ મને એમની ભૂલો દેખાતી ગઈ.

ખ્રિસ્તી ધર્મના મને બહુ પ્યારા એવાં જે મૂળભૂત સત્યોથી હું પહેલેથી પરિચિત હતો એની વાતો તો તેઓ (ધર્મપુરુષો) કરતા જ હતા, પણ ધાર્મિક સત્યોની સાથોસાથ તેઓ કેટલીક ઉપરછલ્લી અને તર્કવિહોણી વાતોનું પણ મિશ્રણ કરતા હતા.

એમની આ ભેળસેળ પણ મેં ચલાવી લીધી હોત, પરંતુ મને મૂળ તકલીફ એ વાતે થઈ કે એ ધર્મપુરુષોનું જીવન પણ સરવાળે મારા જેવું જ હતું. મારા અને એમના જીવનમાં ફરક એ હતો કે (હું તો જેવું જીવતો હતો એવું જ કહેતો હતો, જ્યારે) તેમનું જીવન તેમના ઉપદેશથી સાવ જુદું હતું. મને તીવ્રપણે એવું લાગ્યું કે આ ધર્મપુરુષો પોતાની જાતને છેતરી રહ્યા હતા અને મારી જેમ એમને પણ જીવનનો અર્થ શો છે એ વિશે કશી ખબર નથી. મારી જેમ એ લોકો પણ જે કંઈ મળે તે બધું વધુ ને વધુ ભેગું કરવામાં જ ડૂબેલા હતા. મને સમજાયું કે એમને જો ગરીબી, પીડા અને મૃત્યુના ભયમાંથી છૂટવાના રસ્તાની જાણ હોત તો તેઓ આ બધી બાબતોથી ડરતા ન હોત, પણ એ લોકો તો ડરતા હતા. એ પણ મારી જ જેમ એશોઆરામનું વૈભવી જીવન જીવતા હતા, પોતાની સંપત્તિ શક્ય તેટલી વધારવાની અને સંપત્તિની સુરક્ષાની પળોજણમાં અટવાયેલા હતા અને ગરીબી, પીડા, મૃત્યુથી ડરતા હતા. મારી જેમ અને મારા જેવા અન્ય નાસ્તિકોની જેમ આ ધર્મપુરુષો પણ છેવટે વાસનાઓની સંતુષ્ટિ માટે જ જીવતા હતા. ઇશ્વરમાં ન માનનારાઓની જે હાલત હતી એમનાથી ખરાબ નહીં તો પણ લગભગ એમના જેટલી જ ખરાબ હાલત આ બધા ધર્મપુરુષોની પણ હતી.

ધર્મપુરુષોની શ્રદ્ધાની મને ખાતરી કરાવી શકે એવી એક જ બાબત આ હતીઃ ગરીબી, બીમારી અને મોતનો જે ભય મને હેરાનપરેશાન કરી રહ્યો હતો એ ભયને દૂર કરનારી ચાવી જેમની પાસે હોય, જીવનના અર્થની સાચી સમજ જેમની પાસે હોય અને એ ચાવી-સમજનો અમલ જેમના વર્તનમાં દેખાતો હોય એને હું સાચો શ્રદ્ધાળુ માનું.

પરંતુ અમારા અમીર-વગદાર વર્ગના (ન કેવળ મોટા ધર્મપુરુષોના, પરંતુ બધા જ) શ્રદ્ધાળુઓના જીવનમાં, એમના વર્તનમાં મને એવી કોઈ સાબિતી ન જોવા મળી. ઊલટાનું અમારા વર્ગના નાસ્તિકોમાં તો હજુ પણ આવો કોઈ (ભયમુક્ત) માઈનો લાલ જોવા મળી જતો, પરંતુ સંપન્ન આસ્તિકોમાં મને સાચી શ્રદ્ધાની સાબિતી આપતું વર્તન કરનારો એક પણ માણસ જોવા ન મળ્યો.

પછી મને સમજાયું કે અમારા સંપન્ન વર્ગના લોકોમાં એ શ્રદ્ધા નહોતી, જેની મને તલાશ હતી. અમારા વર્ગની શ્રદ્ધા મોજવાદી-ભોગવાદી હતી. અમારી શ્રદ્ધા અમને મહાન સોલોમનને મરણપથારી પર જે અફસોસ થયેલો એનાથી (છેવટે તો બધું મિથ્યા છે એવા બિહામણા સત્યબોધ અને પસ્તાવાથી) બચાવનારી, છટકબારી જેવી શ્રદ્ધા હતી. અમારી આ શ્રદ્ધા જગતના કરોડો સામાન્ય, ગરીબ, મજૂર, ખેડૂત વર્ગના લોકોને કામની નહોતી. એ અમારી જેમ બીજાની મહેનતનો લાભ લઈને તાગડધિન્ના કરનારા નહોતા. અમારાવાળી શ્રદ્ધાથી એમનું ગાડું ગબડે તેમ નહોતું. એમને જુદી શ્રદ્ધા જોઈએ. એમને એવી શ્રદ્ધા જોઈએ જે નક્કર હોય, જીવવાનું બળ પૂરું પાડનારી હોય.

સોલોમન અને મારા જેવા લોકો (સુખી-સફળ હોવા છતાં જીવનની નિરર્થકતા સમજીને) આપઘાત નહોતા કરી લેતા એ કારણે હું શ્રદ્ધા તરફ નહોતો દોરવાયો, પરંતુ પૃથ્વી પરના કરોડો લોકો (અત્યંત કપરા જીવન છતાં) જીવન ત્યજી દેવાને બદલે જીવી રહ્યા હતા અને સોલોમન તથા મારા જેવા લોકો આ બધા સામાન્ય લોકોના જીવનપ્રવાહના વહેણ પર તરી રહ્યા હતા, એ જોઈને મને શ્રદ્ધાના અસ્તિત્વની ખાતરી થઈ હતી.

એટલે પછી હું સરળ, અભણ, પછાત લોકો સાથે, સામાન્ય યાત્રાળુઓ અને સાધુઓ સાથે હળતોભળતો થયો. એ લોકો પણ અમારા સંપન્ન વર્ગના લોકોની જેમ જ ખ્રિસ્તી હતા અને એમનામાં પણ ખ્રિસ્તી ધર્મના સત્યોની સાથે જાતજાતની અંધશ્રદ્ધાઓ ભળેલી હતી. ફેર એ હતો કે અમારી અંધશ્રદ્ધાઓ ભોગવિલાસના બહાના જેવી, બિનજરૂરી-અમસ્તા ફાંટા જેવી હતી, જ્યારે ગરીબ વર્ગની જે કાલીઘેલી ધાર્મિક માન્યતાઓ હતી તે એમના જીવન સાથે એટલી હદે વણાયેલી હતી કે એના વિનાનું એમનું જીવન કલ્પી પણ ન શકાય. એમની આગવી ધાર્મિક માન્યતાઓ એમના જીવન માટેની જાણે એક આવશ્યક શરત હતી. તેઓ એમની ધબકતી શ્રદ્ધામાંથી જીવવાનો અર્થ અને બળ મેળવતા હતા.

આ જોઈને મેં આ (ગરીબ, અભણ, પછાત) વર્ગના લોકોના જીવનનો અને એમના ધર્મશિક્ષણનો અભ્યાસ આદર્યો. (ક્રમશઃ)

***

અંધશ્રદ્ધાનો આમ તો કોઈ બચાવ હોઈ ન શકે, પરંતુ અહીં જગવિખ્યાત મહાન લેખક-વિચારક ટોલ્સ્ટોય જાણે ગરીબોની અંધશ્રદ્ધાનો બચાવ કરી રહ્યા હોય એવી છાપ ઊપસી શકે તેમ છે. ખેર, આ મામલે તારણ કાઢવાની ઉતાવળ કરવા જેવી નથી, કારણ કે છેવટે તો ટોલ્સ્ટોયનું આ આખું પુસ્તક કોઈ પણ ધર્મમાં જે કંઈ પણ અયોગ્ય છે એને ઓળખીને દૂર કરવા માટે પ્રેરનારું છે. પુસ્તકનો મૂળ મુદ્દો જ આ છેઃ ધર્મશુદ્ધિ