જંકફૂડના શોખીનો અને દેશ-વિદેશની ખાણીપીણીની આઇટમોના શોખીનો ખાસ કરીને ચીઝ ખાવાના શોખીન વધુ જોવા મળે છે. એટલે કે તેઓ કોઇ પણ ખાણીપીણીની વસ્તુઓમાં કે જંકફૂડમાં એક્સ્ટ્રા ચીઝ ખાવાનું વધુ પસંદ કરે છે.
ગત વર્ષે જ સ્પેનમાં થયેલા એક ઓક્શનમાં દુનિયાનું સૌથી મોંઘું ચીઝ વેચવામાં આવ્યું હતું. વેચવામાં આવેલું ચીઝ કેબ્રાલેસ ચીઝ હતું, જે સ્પેનના ઓસ્ટુરિયસ વિસ્તારમાં બનાવવામાં આવે છે. 2.2 કિગ્રાનું કેબ્રાલેસ ચીઝના 36 લાખ રૂપિયા ઉપજ્યા હતા અને તેને એક ખાનગી રેસ્ટોરાંવાળાએ ખરીદ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, આ કેબ્રાલેસ ચીઝ બનાવવા માટે ગુફાઓનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેનમાં આવેલી ગુફાઓમાં પણ આ ચીઝ બનાવવામાં આવે છે, જે માટે 7°C જેટલું તાપમાન જરૂરી હોય છે અને આ ચીઝ બનતા ઓછામાં ઓછા આઠેક મહિના લાગે છે. આ ચીઝ બનાવવા માટે જે તાપમાન જરૂરી છે તે માટે ગુફા બેસ્ટ વિકલ્પ ગણાય છે. ગુફાનું મોઇશ્ચર (moisture) અને ઠંડક કેબ્રાલેસ ચીઝને વધુ માફક આવે છે. મૂળ આ ચીઝ બનાવવા માટે ગાય અને બકરીના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. કેબ્રાલેસ ચીઝ ખાસ કરીને તેની સુગંધ અને રંગ માટે દુનિયામાં જાણીતું છે.
હવે પ્લાસ્ટિક વેસ્ટમાંથી પેરાસિટામોલ બનશે!
વિશ્વભરનાં બજારોમાં પેરાસિટામોલ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઓવર-ધ-કાઉન્ટર (OTC) દવાઓમાંની એક છે. સામાન્ય રીતે પેરાસિટામોલ બનાવવા માટેની ફેક્ટરીઓમાં કોલસા, ડીઝલ જેવા વગેરેનો ઉપયોગ થતો હોય છે. એક રીતે આ ફેક્ટરીઓ પર્યાવરણને હાનિ પણ પહોંચાડે છે, પરંતુ હવે એક એવી શોધ કરવામાં આવી છે જેમાં પ્લાસ્ટિક વેસ્ટ જેમ કે પ્લાસ્ટિક બોટલ, રેપર કે કોથળીઓમાંથી દુખાવાની દવા એટલે કે પેરાસિટામોલ બની શકે છે. સ્કોટલેન્ડના વૈજ્ઞાનિકોએ પેરાસિટામોલ બનાવવાની અલગ જ રીત શોધી કાઢી છે. જેમાં બેક્ટેરિયાની મદદથી પ્લાસ્ટિકમાંથી દર્દ નિવારક દવા પેરાસિટામોલ બનાવી શકાશે. આ વૈજ્ઞાનિકોએ ઇ.કોલાઇ નામના બેક્ટેરિયાને જેનેટિક એન્જિનિયરિંગ વડે બનાવ્યા છે, જે આ પ્લાસ્ટિક વેસ્ટ ખાઇને પેરાસિટામોલનું મુખ્ય તત્ત્વ (પેરામિનોબેન્જોઇક એસિડ, PABA) બનાવે છે. તે ન માત્ર પેરાસિટામોલ પરંતુ વિટામિન B 9(ફોલિક એસિડ) બનાવવા પણ કામમાં આવે છે. મૂળ આ પ્રક્રિયામાં બેક્ટેરિયા પર્યાવરણમાંથી નાઇટ્રોજનયુક્ત અણુઓને લે છે અને ત્યારબાદ તેને PABAમાં બદલી નાખે છે. જોકે, હજી આ વિશે વધુ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ નજીકના ભવિષ્યમાં દુનિયાભરમાં પ્લાસ્ટિક વેસ્ટથી અને દુખાવાથી પણ રાહત મળી જશે.
`બ્લેક માર્લિન' જેને પાણીનો ચિત્તો કહે છે
દુનિયાનાં પ્રાણીઓમાં સૌથી વધુ ઝડપથી દોડતાં પ્રાણીઓમાં ચિત્તાનું નામ સૌથી મોખરે આવે છે. ચિત્તો 105થી 120 કિમી. પ્રતિ કલાકમાં દોડી શકે છે, પરંતુ પાણીમાં સૌથી ઝડપથી તરતા જળચર પ્રાણી વિશે ઘણા લોકો માહિતગાર નહીં હોય! પાણીમાં સૌથી વધુ ઝડપથી દોડતી માછલીમાં `બ્લેક માર્લિન' સૌથી મોખરે આવે છે. બ્લેક માર્લિન નામની માછલીની સ્પીડ 129 કિમી. પ્રતિ કલાકની માનવામાં આવે છે. બ્લેક માર્લિનને સમુદ્રની સૌથી ઝડપી શિકારી માછલી તરીકે પણ બિરદાવવામાં આવે છે. આ બ્લેક માર્લિન માછલી હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં સૌથી વધુ જોવા મળે છે. આ માછલી 15થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચેના તાપમાનવાળા વિસ્તારોમાં રહેવાનું સૌથી વધુ પસંદ કરે છે. આ માછલીઓ સ્થળાંતર કરનારી પ્રજાતિ છે અને ખોરાક અને પ્રજનન માટે હજારો માઇલનું અંતર એકદમ સરળતાથી કાપી લે છે. આ માછલી દક્ષિણ પૂર્વ એશિયા અને પૂર્વ આફ્રિકામાં પણ જોવા મળે છે. બ્લેક માર્લિન માછલી બાદ બીજા ક્રમાંકમાં `સેઇલ ફિશ' નામની માછલીનું નામ આવે છે જે 110 કિમી. પ્રતિ કલાક ઝડપથી તરી શકે છે.