અમેરિકાએ 10 જુલાઈથી જાપાન સાથે એક વિશાળ લશ્કરી કવાયત હાથ ધરી છે. 8 ઑગસ્ટ સુધી ચાલુ રહેનારા શક્તિપ્રદર્શનમાં 400થી વધુ લડાકુ વિમાનો અને 12 હજાર સૈનિકો ભાગ લઈ રહ્યા છે.

આ દરમિયાન ચીને પણ જાહેરાત કરી છે કે તે રશિયા સાથે સમુદ્રમાં શક્તિપ્રદર્શન કરશે. ચીનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાનુસાર ચીન અને રશિયા ઑગસ્ટમાં Joint Sea 2025 સંયુક્ત નૌકાદળ કવાયત હાથ ધરશે. આ કવાયત પછી પેસિફિક મહાસાગરમાં છઠ્ઠી સંયુક્ત દરિયાઈ પેટ્રોલિંગ કરાશે. ચીન અને રશિયા વચ્ચેનું આ શક્તિપ્રદર્શન જાપાનના સમુદ્ર પર સ્થિત રશિયાના વ્લાદિવોસ્તોક શહેર નજીક સમુદ્ર અને હવાઈ વિસ્તારમાં કરાશે. આ શક્તિપ્રદર્શન ચીની અને રશિયાની સેના વચ્ચે સંબંધો વધુ મજબૂત બનાવવા માટે છે. આનો હેતુ કોઈ દેશ કે પક્ષને ટાર્ગેટ કરવાનો નથી. અમેરિકાની ટીકા કરતાં ચીનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, `અમેરિકાની દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહીં. અમેરિકા તેની શીતયુદ્ધની માનસિકતાને વળગી રહ્યું છે અને પેસેફિક મહાસાગરમાં સતત શક્તિપ્રદર્શન કરી રહ્યું છે.

વિશ્વમાં ખ્રિસ્તી સમુદાયની બહુમતી ધરાવતા દેશોની સંખ્યામાં થઇ રહેલો ઘટાડો

પ્યુરિસર્ચ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 2010થી 2020ના સમયગાળામાં વિશ્વમાં ખ્રિસ્તી બહુમતી ધરાવતા દેશોની સંખ્યા ઘટી છે. 2010માં વિશ્વમાં ખ્રિસ્તી બહુમતી ધરાવતા દેશોની સંખ્યા 124 હતી, જે 2020માં ઘટીને 120 થઈ ગઈ છે. આનું કારણ એ છે કે ઘણા દેશોમાં ખ્રિસ્તી વસ્તીનું પ્રમાણ ઘટ્યું છે. આનું મુખ્ય કારણ વસ્તીવૃદ્ધિ દરમાં ઘટાડો અને લોકો પોતાનો ધર્મ છોડીને નાસ્તિક બની રહ્યા છે અથવા કોઈ અન્ય ધર્મ સ્વીકારી રહ્યા છે. જે દેશોમાં ખ્રિસ્તી વસ્તી હવે બહુમતીમાં નથી, ત્યાં ઘટાડાનું કારણ એ છે કે મોટી સંખ્યામાં લોકોએ ધર્મ છોડી દીધો છે. આ લોકો હવે પોતાને કોઈ પણ ધર્મ સાથે જોડતા નથી. તેઓ પોતાને નાસ્તિક, અજ્ઞેયવાદી અથવા નાસ્તિક માને છે. એકંદરે 10 વર્ષના ગાળામાં ખ્રિસ્તી દેશોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે અને 4 દેશો નકશામાંથી ગાયબ થઈ ગયા છે. દુનિયામાં કુલ 5 ટકા દેશો એવા છે જ્યાં બહુમતી વસ્તી એવા લોકોની છે જેઓ કોઈ પણ ધર્મમાં માનતા નથી. હવે વાત કરીએ કે એવા કયા દેશો છે જ્યાં બહુમતી વસ્તી હવે ખ્રિસ્તી નથી. આ દેશોમાં યુનાઇટેડ કિંગ્ડમ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને ઉરુગ્વે જેવા મોટા દેશોનો સમાવેશ થાય છે. હવે યુકેમાં ખ્રિસ્તી વસ્તીના ફક્ત 49 ટકા લોકો બચ્યા છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં ફક્ત 47 ટકા, ફ્રાન્સમાં 46 ટકા અને ઉરુગ્વેમાં 44 ટકા ખ્રિસ્તી વસ્તી બાકી છે. ઉરુગ્વેમાં કોઈ પણ ધર્મમાં ન માનનારા લોકોની સંખ્યા 52 ટકા થઈ ગઈ છે.

37 ટકા કિશોરો હાનિકારક કન્ટેન્ટ નિહાળતા હોઈ ઓસ્ટ્રેલિયામાં યુટ્યૂબ પર બેન

ઓસ્ટ્રેલિયા સરકાર બાળકો અને કિશોરો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કડક પગલાં લઈ રહી છે. હાલમાં સરકારે YouTubeને પણ બૅન કરવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે અગાઉ વીડિયો હોસ્ટિંગ પ્લેટફોર્મને છૂટ આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને પણ કિશોરો માટે બૅન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપનીનું કહેવું છે કે તેઓ આ અંગે સરકાર સાથે વધુ વાતચીત કરશે. ઓસ્ટ્રેલિયાના ઇન્ટરનેટ કન્ટેન્ટ પર નજર રાખતી સંસ્થાએ સરકારને You Tube પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. સંસ્થાએ પોતાના સંશોધનના આધારે જણાવ્યું હતું કે, 10થી 15 વર્ષના 37 % બાળકો You Tube પર હાનિકારક કન્ટેન્ટ જોઈ રહ્યાં છે. આ આંકડો અન્ય કોઈ સોશિયલ મીડિયા વેબસાઇટના પ્રમાણમાં સૌથી વધુ જોવા મળ્યો હતો.

15 માળની ઈમારત જેવો લઘુગ્રહ :ચંદ્ર માટે મુસીબતનો પહાડ સર્જી શકે છે

NASAના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક નવા લઘુગ્રહની ઓળખ કરી છે, જે હવે ચંદ્ર માટે સંભવિત ખતરો બની ગયો છે. આ લઘુગ્રહ 2032માં ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં અથડાશે. તેનું કદ 175થી 220 ફૂટની વચ્ચે હોવાનો અંદાજ છે, જે 15 માળની ઇમારતની સમકક્ષ છે. આ અવકાશ પદાર્થનાં ચિત્રો 26 માર્ચ, 2025ના રોજ નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવ્યાં હતાં, જેમાં તેની સપાટી પર પથ્થર જેવા પદાર્થ દેખાય છે. નાસાનો અંદાજ છે કે તે પૃથ્વી સાથે અથડાશે નહીં. તેની ટક્કરની સંભાવના માત્ર 4% છે, પરંતુ જો તે ચંદ્ર સાથે અથડાય છે, તો તે અડધા માઇલથી મોટો ખાડો બનાવી શકે છે. તે છેલ્લાં 5,000 વર્ષમાં સૌથી મોટી ખગોળીય ઘટના સાબિત થઈ શકે છે. આ એસ્ટરોઇડને શરૂઆતમાં પૃથ્વી માટે ખતરો માનવામાં આવતો હતો અને ટોરિનો ઇમ્પેક્ટ હેઝાર્ડ સ્કેલ પર તેને અત્યાર સુધીનું સૌથી વધુ રેટિંગ આપવામાં આવ્યું હતું, પરંતુ ફેબ્રુઆરી, 2025માં નવી ભ્રમણકક્ષા ગણતરીઓ પછી તે સ્પષ્ટ થઈ ગયું કે પૃથ્વી સુરક્ષિત છે, પરંતુ ચંદ્ર જોખમમાં છે.