સાઉથ અને બોલિવૂડ સિનેમામાં પોતાની અદ્ભુત એક્ટિંગથી દર્શકોનાં દિલ જીતનારાં એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ હાલના દિવસોમાં ભારે ચર્ચામાં છે. તાજેતરમાં જ નીતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ `રામાયણ' નું ટ્રેલર આઉટ થતાં જ રકુલપ્રીત સિંહ સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થઇ રહ્યાં છે. આ ફિલ્મમાં તેમની ઝલક અને પાત્રની પસંદગી જોઈને ફેન્સ તેમનાં ખૂબ વખાણ કરી રહ્યા છે. જે રીતે તેમની પાસે બેક-ટુ-બેક મોટા બેનરની ફિલ્મો આવી રહી છે, તે જોતાં એ કહેવું જરાય અતિશયોક્તિ નથી કે રકુલપ્રીત સિંહ હવે બોલિવૂડની ટોપ-10 એક્ટ્રેસીસની યાદીમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે પૂરી રીતે તૈયાર છે.

રકુલજી, 2009થી શરૂ થયેલી તમારી સફરમાં ઘણી અલગ-અલગ ફિલ્મો કરી છે. આ ઉતાર-ચઢાવને તમે કેવી 

રીતે જુઓ છો?

જુઓ, હું હંમેશાંથી માનું છું કે સફળતા અને નિષ્ફળતા (Highs and Lows) એ જીવનનો જ એક ભાગ છે. આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ વસ્તુ કાયમી નથી હોતી. જે વસ્તુ આજે ખૂબ ઊંચાઈ પર છે, તે કાલે નીચે પણ આવશે અને નીચે આવ્યા પછી ફરીથી ઉપર ઉછળશે.

કોઈ ફિલ્મ બોક્સઓફિસ પર સારું પ્રદર્શન નથી કરતી, ત્યારે તમે નિરાશાનો સામનો કેવી રીતે કરો છો?

(હસીને) આ બિલકુલ એક બોલ જેવું છે, જેને તમે નીચે પટકો એટલે તે ફરીથી ઉપર આવે છે! મારું માનવું છે કે જ્યારે તમે કારકિર્દીમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવ, ત્યારે તમારે બસ પ્રવાહ સાથે વહેવું જોઈએ. તમારે પોતાની જાત પર પૂરો વિશ્વાસ રાખવો જોઈએ, આંખો પર લક્ષ્યના `બ્લાઇન્ડર્સ' લગાવી દેવા જોઈએ અને આજુબાજુની નકારાત્મકતા પર ધ્યાન આપ્યા વગર બસ કામ કરતા રહેવું જોઈએ. જો તમારું સમર્પણ સાચું હશે, તો તમે ચોક્કસ કમબેક કરશો.

અંગત જીવનમાં અને પ્રોફેશનલ લાઇફમાં આટલી વ્યસ્તતા વચ્ચે તમે સ્ટ્રેસ કેવી રીતે મેનેજ કરો છો?

મારા માટે આનાથી તદ્દન ઊલટું છે! ઘણા લોકોને કામના કારણે સ્ટ્રેસ થાય છે, પણ મારી સાથે એવું નથી. મારા માટે મારો ઉત્સાહ (Passion) એ જ મારું કામ છે. હું જ્યારે સેટ પર હોઉં છું કે કેમેરાનો સામનો કરી રહી હોઉં છું, ત્યારે મને ક્યારેય તણાવ નથી લાગતો. એ સમય મને જીવનમાં એક અલગ જ ઊર્જા અને આનંદ (High) આપે છે. વાસ્તવમાં, જ્યારે હું કામ નથી કરતી હોતી કે નવરી બેસી રહું છું, ત્યારે મને વધારે તણાવ અનુભવાય છે! સવારે ઊઠીને કામ પર જવું એ જ મને જીવંત રાખે છે.

જેકી સાથે લગ્ન કર્યાં પછી એટલાં જ સક્રિય છો. આ સુખી જીવનનો 

મંત્ર શું છે?

મારો મંત્ર બહુ સાદો છે. તમે જે કરો છો તેને પ્રેમ કરો. જ્યારે તમને તમારા કામ પ્રત્યે પ્રેમ હોય છે, ત્યારે પરિવાર અને કામ વચ્ચે સંતુલન બનાવવું અઘરું નથી લાગતું. જેકી પોતે આ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે, એટલે તેઓ મારા કામની ઘેલછાને ખૂબ સારી રીતે સમજે છે.

ભવિષ્યના પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, ફેન્સ તમને આગળ કયાં પાત્રોમાં જોશે?

હાલ તો મારા ફેન્સ મને શૂર્પણખાની દમદાર ભૂમિકામાં જોશે અને અન્ય બે ફિલ્મો છે તે માટે મારા ફેન્સે થોડીક રાહ જોવી પડશે. આ બે ફિલ્મોમાં પણ મારો દમદાર રોલ છે અને સ્મૃતિપટમાં અંકિત થઇ જાય તેવો જ રોલ છે.

નીતેશ તિવારીની `રામાયણ'માં તમારા શૂર્પણખાના પાત્ર વિશે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા છે. ટ્રેલર પછી જે પ્રતિસાદ મળી રહ્યો છે તેના વિશે શું કહેશો?

(સ્મિત સાથે) ફેન્સ તરફથી જે પ્રેમ અને ઉત્સાહ મળી રહ્યો છે તે જોઈને હું ખૂબ જ આભારી છું. એક એક્ટ્રેસ તરીકે હંમેશાં એવાં પાત્રો કરવાની ઇચ્છા હોય છે જે તમને પડકાર આપે. રામાયણનું શૂર્પણખાનું પાત્ર મારા હાથમાં આવ્યું ત્યારે બસ એક જ વિચાર હતો કે આ એક ચેલેન્જ છે જે મારે સ્વિકારી જ લેવાની છે, રોલ નાનો કે મોટો એનાથી ફેર નથી પડતો, મજબૂત હોવો જોઇએ. હું બસ એટલી જ આશા રાખું છું કે હું જે કામ કરું છું તે લાંબા સમય સુધી કરતી રહું અને મારા દર્શકોનું મનોરંજન કરતી રહું. હું હજી પણ મારી આગામી બે-ચાર દમદાર ફિલ્મોમાં આવી રહી છું. હું આ ફિલ્મોથી જૂના ફેન્સનું દિલ તો ખુશ કરીશ, પરંતુ મારા નવા ફેન્સ પણ હું બનાવીશ તે મારો વાયદો છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો