2024ના વર્ષમાં રિલીઝ થયેલી ભારતીય ફિલ્મોની શ્રેષ્ઠતા પર મહોર મારવાનું કામ તાજેતરમાં નેશનલ એવોર્ડ કમિટી દ્વારા કરવામાં આવ્યું. ભારતમાં ખાનગી એવોર્ડ્સની સંખ્યા પાનના ગલ્લાની લારીની જેમ છે. ફિલ્મફેર અને આઈફા એવોર્ડ્સનો દબદબો કલાકારોની ઝાકમઝોળના લીધે હજુ જળવાયેલો છે. નેશનલ એવોર્ડ્સમાં પક્ષપાત થતો હશે અને ક્યારેક શ્રેષ્ઠતાની સરખામણીએ સાધારણ કૃતિને પણ સન્માનિત કરી દેવામાં આવે છે, પરંતુ ખાનગી એવોર્ડ્સની તુલનાએ નેશનલ એવોર્ડ્સની ગરિમા આજે પણ સર્વોપરી છે. ભારત સરકારના નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વિભાગ આ એવોર્ડ આપવાનું કામ કરે છે. આ વિભાગ મિનિસ્ટ્રી ઓફ ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ અંતર્ગત કામ કરે છે.
ભારતમાં ફિલ્મોને પોંખવાનું કામ ફિલ્મફેર એવોર્ડ દ્વારા સૌપ્રથમ કરવામાં આવ્યું હતું. 1954ના માર્ચ મહિનામાં ફિલ્મફેરની શરૂઆત થઈ હતી અને ઓક્ટોબર, 1954માં નેશનલ એવોર્ડ આપવાની પરંપરા શરૂ થઈ હતી. નેશનલ અવોર્ડ્સ ભાષા કે પ્રાંતની મર્યાદામાં બંધાયેલ નથી. ભારતના કોઈ પણ ખૂણે થયેલા શ્રેષ્ઠ સર્જનને ભારતની શ્રેષ્ઠ ફિલ્મ છે તેમ કહે છે, જ્યારે ફિલ્મફેર એવોર્ડ્સની શરૂઆત માત્ર હિન્દી ફિલ્મોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી હતી. ફિલ્મફેર દ્વારા હવે પ્રાંતીય જુદા જુદા અલગથી એવોર્ડ્સ આપવામાં આવે છે, પણ આખાય ભારતને એકસૂત્રતાના તાંતણે બાંધવાનું કામ નેશનલ એવોર્ડ્સ કરે છે. અને એટલે જ તેનું મહત્ત્વ વિશેષ છે.
આ વર્ષે એટલે કે 2026ના વર્ષમાં જે એવોર્ડ્સ આપવામાં આવ્યા છે એ તમામ ફિલ્મો 2024ના વર્ષ સાથે જોડાયેલી છે. આમ તો બીજા જ વર્ષે એવોર્ડ્સ આપી દેવાની પરંપરા રહી છે, પણ કોરોનાકાળ પછી અંતર વધી ગયું અને એકની જગ્યાએ બે વર્ષનો ગાળો પડી ગયો. નેશનલ એવોર્ડ્સ આપવા માટે કુલ છ સમિતિઓની રચના કરવામાં આવી હતી. પૂર્વ ક્ષેત્ર, પશ્ચિમ ક્ષેત્ર, ઉત્તર ક્ષેત્ર અને દક્ષિણ ક્ષેત્રની બે સમિતિ અને એક મુખ્ય એટલે કે સેન્ટ્રલ જ્યૂરી કમિટી હતી. આ તમામ કમિટીના ચેરમેન જુદી જુદી કેટેગરીમાં સાત વખત નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મકાર જયરાજ હતા. તેમણે નવરસ પર એક એક વિષયને લઈને નવ ફિલ્મો બનાવી છે. જયરાજની સાથે જ્યૂરી મેમ્બર તરીકે વી. એન. આદિત્ય, અસીમ બજાજ, મીરાં ચોપરા, ઓમ રાઉત, રાકેશ રંજન કુમાર, અર્ચના ઉડુપા, કલા માસ્ટર, નેપોલિઅન થંગા, પ્રિયા ક્રિષ્નાસ્વામી અને શ્રીલેખા મુખર્જી આ કમિટીમાં હતાં.
ફિલ્મફેર એવોર્ડ્સ જ્યૂરી મોટાભાગે બોક્સઓફિસ અને તેના કલાકારોની લોકપ્રિયતા જોઈને એવોર્ડ્સ આપે છે અને છેલ્લાં વર્ષોનો ઈતિહાસ જોઈએ તો એમાં આક્ષેપ કરનારા લોકો ખોટા નથી એ જાણવા પણ મળે છે. 2024ના એવોર્ડ્સની વાત કરીએ તો નેશનલ એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસ માટે યામી ગૌતમની પસંદગી એ સૌથી પ્રબળ અને જીતવા માટેની હકદાર અભિનેત્રી હતી. ફિલ્મફેર એવોર્ડ્સમાં યામીને નામાંકન મળ્યું હતું, પણ એવોર્ડ્સ આલિયા ભટ્ટના ખાતામાં ગયો હતો. આલિયાને જીગરા ફિલ્મ માટે ફિલ્મફેર મળ્યો હતો. એ વર્ષે ખાસ એવી સ્પર્ધા પણ ન હતી. ટક્કર હતી અને વિજેતા બની શકે એવું બિનહરીફ નામ યામી ગૌતમનું હતું એમ કહી શકાય. 2024ના વર્ષમાં કરીના કપૂરની ક્રુ, ક્રિતિ સેનનની તેરી બાતોં મેં ઉલજા હુઆ અને શ્રદ્ધા કપૂરની સ્ત્રી પાર્ટ 2 આવી હતી. પોપ્યુલારિટીના પ્લસ પોઈન્ટમાં શ્રદ્ધા કપૂરને એવોર્ડ્સ મળવો જોઈએ, પણ ફાઈનલી એ આલિયાને જ આપવામાં આવ્યો.
72મા નેશનલ એવોર્ડ્સ માટે 400થી વધુ ફીચર ફિલ્મની કેટેગરી માટે અને 161 જેટલી નોન ફીચર કેટેગરી માટે ફિલ્મોની એન્ટ્રી આવી હતી. 38 જેટલી બુક અને 24 ક્રિટિક્સના સબમિશન આવ્યાં હતાં. તેલુગુ અને તમિલ સિનેમાનો પ્રભાવ હંમેશાંથી રહ્યો છે અને મલયાલમ સિનેમાનું કદ પણ વધતું જાય છે. બેસ્ટ ફિલ્મ આર્ટિકલ 370 બની તો બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ તેલુગુ ફિલ્મ કલગીના ખાતામાં ગયો. કાર્તિક આર્યનને લોટરી લાગી. ચંદુ ચેમ્પિયન બોક્સઓફિસ પર ચેમ્પિયન ન થઈ, પણ કાર્તિકની ફિલ્મોગ્રાફીમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયનની જેમ ટ્રોફી સાથે ચમકતી રહેશે. રાજકુમાર પેરીસ્વામીને તમિલ બાયોગ્રાફિકલ ફિલ્મ આમરણ ફિલ્મ માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો. કાર્તિકની સાથે મલયાલમ ફિલ્મ બ્રહ્મયુગમ માટે મમૂટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે. બેસ્ટ ચિલ્ડ્રન્સ ફિલ્મનો એવોર્ડ તેલુગુ ફિલ્મ 35 ચિન્ના કથા કાડુના ખાતામાં ગયો હતો અને બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર માટે રણદીપ હૂડાની સ્વાતંત્ર્ય વીર સાવરકર ફિલ્મની પસંદગી કરવામાં આવી હતી. બેસ્ટ ગુજરાતી ફિલ્મ માટે મારણ ફિલ્મની પસંદગી કરવામાં આવી હતી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો