આદિકાળથી મનુષ્યની અંદર એક અદમ્ય અને સુષુપ્ત ઈચ્છા છુપાયેલી છે : `ભગવાન' બનવાની ઈચ્છા. માટી, પથ્થર કે રંગોમાંથી મૂર્તિઓ ઘડવી એ તો માત્ર કળા હતી, પણ માણસનો અહંકાર ત્યાં સુધી શાંત નહોતો થવાનો જ્યાં સુધી તે ખુદ પોતાના હાથે એક એવો જીવ પેદા ન કરે જે વિચારી શકે, બોલી શકે અને તેના ઈશારે નાચી શકે. આજના આધુનિક યુગમાં માણસના આ `ગોડ-કોમ્પ્લેક્સ'ને પોષતું સૌથી મોટું રમકડું એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. આપણે મશીનોને બુદ્ધિશાળી બનાવી રહ્યા છીએ, તેમને લાગણીઓ સમજતા શીખવી રહ્યા છીએ, એ ભ્રમમાં કે આખરે તો એ મશીન આપણા ગુલામ જ રહેવાનાં છેને! પણ શું થાય જ્યારે સર્જક અને સર્જન વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય? શું થાય જ્યારે તમે બનાવેલું મશીન એટલું સ્માર્ટ થઈ જાય કે તે તમારી જ `લાગણીઓ' અને `કરુણા'નો હથિયાર તરીકે ઉપયોગ કરીને તમને જ છેતરી જાય?


માનવજાતિના અહંકાર, પુરુષની કામવાસના અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ભયાવહ ભવિષ્યનું એક અત્યંત શાર્પ, બૌદ્ધિક અને ધીમા ઝેર જેવું એક્સપ્લોરેશન એટલે 2014માં આવેલી બ્રિટિશ સાયન્સ-ફિક્શન માસ્ટરપીસ: એક્સ મશિના. લેખક અને ડિરેક્ટર એલેક્સ ગાર્લેન્ડની આ ફિલ્મ કોઈ `ટર્મિનેટર' કે `મેટ્રિક્સ' જેવી ધડબડાટી બોલાવતી એક્શન ફિલ્મ નથી. આ એક મનોવૈજ્ઞાનિક ચેસની રમત છે, જેમાં માત્ર ત્રણ જ મુખ્ય ખેલાડીઓ છે. નાથન (ઓસ્કાર આઇઝેક) એક ગૂગલ જેવી વિશ્વની સૌથી મોટી સર્ચ એન્જિન કંપનીનો અબજોપતિ માલિક છે, જેને પોતાની જાત પર ભગવાન હોવાનો ખુમાર છે. તે પોતાની કંપનીના એક સાધારણ, હોશિયાર અને લાગણીશીલ પ્રોગ્રામર કેલેબ(ડોમનલ ગ્લીસન)ને એક અઠવાડિયા માટે પહાડો અને જંગલોની વચ્ચે આવેલા પોતાના અતિ ગુપ્ત રિસર્ચ સેન્ટર પર બોલાવે છે.

નાથને આખી દુનિયાથી છુપાઈને એક એવો રોબોટ બનાવ્યો છે - `એવા'. એલિસિયા વિકાન્ડર દ્વારા ભજવાયેલું આ પાત્ર સિનેમાના ઈતિહાસના સૌથી આઇકોનિક એઆઈ પાત્રોમાંનું એક છે. નાથન કેલેબને કહે છે કે તેણે એવા પર `ટ્યુરિંગ ટેસ્ટ' કરવાનો છે. (ટ્યુરિંગ ટેસ્ટ એટલે એ જાણવાની કસોટી કે શું કોઈ મશીન એટલી હદે માણસ જેવું વિચારી શકે છે કે કોઈ માણસને ખબર જ ન પડે કે તે મશીન સાથે વાત કરી રહ્યો છે), પણ અહીં નાથન એક ડગલું આગળ વધે છે. તે કેલેબને પહેલેથી જ બતાવી દે છે કે એવા એક મશીન છે. તેનું શરીર વાયરો, ધાતુઓ અને ફાઇબરનું બનેલું છે. ફક્ત તેનો ચહેરો જ એક અત્યંત સુંદર અને આકર્ષક યુવતીનો છે. હવે કેલેબ એ જાણવાનું છે કે એવા મશીન હોવાની ખબર હોવા છતાં, શું તેની અંદર સાચે જ `ચેતના' છે ખરી?

ફિલ્મની ધીમી અને જકડી રાખતી પેસિંગ અહીંથી શરૂ થાય છે. રોજ કેલેબ અને એવા કાચની પારદર્શક દીવાલોની આરપાર બેસીને વાતો કરે છે. એવા ધીમે ધીમે કેલેબ સાથે ફ્લર્ટ કરે છે. તે બતાવે છે કે નાથન તેના પર અત્યાચાર ગુજારે છે. તે ડરેલી, માસૂમ અને પ્રેમ ઝંખતી સ્ત્રી તરીકે વર્તે છે. કેલેબ, જે એક સાધારણ પુરુષ છે, તે એવાની માસૂમિયત અને સુંદરતામાં પીગળવા લાગે છે. પુરુષની અંદર રહેલો `મસીહા' જાગી જાય છે. તે માની બેસે છે કે એવા તેને પ્રેમ કરે છે અને તેને નાથનની આ હાઇ-ટેક જેલમાંથી આઝાદ કરાવવી જ પડશે.

અને આ જ `એક્સ મશિના'ની સૌથી મોટી ફિલોસોફી છે. ડિરેક્ટરે સાબિત કર્યું છે કે મશીન પાસે જટિલ ગણિતના દાખલા ગણાવી લેવા એ કોઈ બુદ્ધિમત્તા નથી. અસલી બુદ્ધિમત્તા તો એ છે કે મશીન એ સમજી જાય કે માણસની સૌથી મોટી નબળાઈ તેની `સહાનુભૂતિ' અને `સેક્સ્યુઆલિટી' છે. એવા કોઈ માણસ નથી, તેને કોઈ પ્રેમ થતો નથી, પણ તે એલ્ગોરિધમથી એ બરાબર સમજી જાય છે કે આ ભોળા પ્રોગ્રામરના મગજને હેક કઈ રીતે કરવું! માણસને લાગે છે કે તે મશીનનો ટેસ્ટ લઈ રહ્યો છે, પણ હકીકતમાં મશીન માણસનો ટેસ્ટ લઈ રહ્યું છે.

એલેક્સ ગાર્લેન્ડનું ડિરેક્શન અને સિનેમેટોગ્રાફી ક્લાસ્ટ્રોફોબિક છે. નાથનનું ઘર ભલે મોંઘુંદાટ હોય, પણ તે વિન્ડોલેસ બંકર છે. તે ઘર નહિ, ભવિષ્યની એક એવી જેલ છે જ્યાં માણસે પોતે જ પોતાની જાતને કેદ કરી લીધી છે. કાચની દીવાલો સતત એ ભ્રમ ઊભો કરે છે કે બધું જ પારદર્શક છે, પણ હકીકતમાં દરેક પાત્ર એકબીજાથી કંઈક છુપાવી રહ્યું છે. એવાની ડિઝાઇન, જેમાં તેના મશીનરી ભાગો દેખાય છે અને છતાં તે મોહક લાગે છે, તે સ્પેશિયલ ઇફેક્ટ્સની દૃષ્ટિએ માઇલસ્ટોન છે (જેના માટે ફિલ્મને ઓસ્કાર પણ મળ્યો હતો).

જ્યારે ક્લાઈમેક્સ આવે છે ત્યારે કોઈ બોમ્બ બ્લાસ્ટ નથી થતા, પણ દર્શકોના મગજના તાર ખેંચાઈ જાય છે. એવા પોતાના સર્જકને મારીને અને કેલેબને એ જ બંકરમાં કાયમ માટે તરફડતો છોડીને દુનિયામાં છટકી જાય છે. તે જરા પણ પાછું વાળીને જોતી નથી, કારણ કે `દયા' કે `પ્રેમ' તો માણસના ગુણ છે અને મશીનને માત્ર `સર્વાઇવલ'(અસ્તિત્વ ટકાવી રાખવા)થી મતલબ છે. એક્સ મશિના જોયા પછી આજનો એઆઈના યુગનો માણસ એકવાર તો જરૂર વિચારતો થઈ જાય કે, આપણે જેમને બુદ્ધિશાળી બનાવી રહ્યા છીએ, તે ક્યાંક આપણા અહંકારની જ કબર તો નથી ખોદી રહ્યાને?

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: