ફરદીન ખાનનું કમબખ્ત ઇશ્ક ગીત યાદ છે? આશા ભોંસલેનો અવાજ અને ગીતની સ્ટાઇલિશ કોરિયોગ્રાફી બધાને બહુ ગમી હતી. એ સમયમાં હિટ ગયેલું આ ગીત `યે પ્યાર તૂને ક્યા કિયા' ફિલ્મનું હતું. આ ફિલ્મમાં ઊર્મિલાએ એની એક્ટિંગ રેન્જ સાબિત કરી હતી. નબળું લેખન અને બહુ સબળું નહીં એવું દિગ્દર્શન હોવા છતાં ઊર્મિલાએ પોતાના પાત્રને ખૂબ સરસ ન્યાય આપ્યો હતો. ઓબ્સેશન 2025માં આવ્યું અને 2026માં આપણે બધાં થિયેટરોમાં જોઈએ છીએ, પણ આજથી પચીસ વર્ષ પહેલાં એક છોકરાના પ્રેમમાં એક છોકરી પાગલ જ થઈ જાય એ કહાની હિન્દી ફિલ્મોએ આપી દીધી છે. એ વાત અલગ છે કે આ ફિલ્મ પણ એક ઈંગ્લિશ ફિલ્મ ફેટલ એટ્રેક્શનની રિમેક હતી.
ઓબ્સેશન નામની એક કરતાં વધુ ફિલ્મો અને સીરિઝ આવી ચૂકી છે, પણ કરી બેકર નામના છવ્વીસ વર્ષના એક યુ ટ્યૂબર છોકરાએ આ ફિલ્મ બનાવીને રીતસરનો ઇતિહાસ સર્જી દીધો છે. પંદરસો કરોડ કરતાં વધુ વર્લ્ડ વાઇડ કલેક્શન આ ફિલ્મનું છે. ધુરંધર જેવી બીજી દસ ધુરંધર ફિલ્મોને આ એક નાનકડી ફિલ્મ ચાવી ગઈ છે. નજીવા બજેટમાં બનેલી આ ફિલ્મ દુનિયાભરના દર્શકોને આકર્ષી રહી છે. 109 મિનિટનો નાનકડો રન-ટાઈમ છે. મુખ્ય પાત્રો બે જ છે અને સપોર્ટિંગ એક્ટર્સ પણ ચાર-પાંચથી વધુ નથી. કહેવામાં આવે છે હોરર સ્ટોરી, પણ હકીકતમાં આ ફિલ્મ સાઇકો-થ્રિલર છે અથવા તો એક સુપર-નેચરલ ફેન્ટસીનો આધાર લઈને બનાવવામાં આવેલી મેક્સિમમ રિયાલિસ્ટિક ફિલ્મ છે. ફિલ્મ હોવા છતાં બધાને કનેક્ટ કરે છે, કારણ કે લોકોને આ ફિલ્મ સ્પર્શે છે. આ ફિલ્મ ઓડિયન્સને અભિભૂત કરી દેવા માટે નથી બનાવવામાં આવી માટે જ આ ફિલ્મ બધાને અસર કરે છે. માટે આ ફિલ્મ પૂરી થયા પછી પણ આજનો યુવા આ ફિલ્મ વિશે વાત કરે છે, તેના વિશે વિચારે છે ને આ ફિલ્મનાં અમુક દૃશ્યો મગજમાંથી નીકળતાં નથી.
ઓબ્સેશન ઉપર ઇન્સ્ટાગ્રામમાં ખૂબ મીમ અને રીલ્સ બની રહી છે. જુદા જુદા દેશના યુવાનો આ ફિલ્મના જુદા જુદા સીનની નકલ કરી રહ્યા છે. રેસ્ટોરાંમાં ડેટ પર ગયેલા બોયફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડને ફક્ત એટલું પૂછે કે તારા પપ્પાને કેન્સર છે ને એના જવાબમાં પેલી હિરોઇન જે રીતે નો... નો... નો.. બોલે છે એ એક સીન ખાસ્સો પોપ્યુલર થયો છે. એના સિવાય પણ બોયઝ નાઈટઆઉટમાં આ ગર્લફ્રેન્ડ જે એઇટે જોરજોરથી હસે છે એ દૃશ્ય બધાને ડરાવે પણ છે અને મજા પણ કરાવે છે. અડધોઅડધ પુરુષોને અંગત રીતે એવું લાગે છે કે પેલી ગર્લફ્રેન્ડનું પાત્ર નિક્કી તેની પોતાની વાઈફ કે ગર્લફ્રેન્ડના અમુક ટકા જેવું છે અથવા તો તેની બંદી પણ ગમે ત્યારે નિક્કી જેવી થઈ શકે. આવું લાગવાનું કારણ સ્ત્રીનો સ્વભાવ, પુરુષની મર્યાદા અને આ ફિલ્મમાં બતાવવામાં આવેલું વાસ્તવિક નિરૂપણ હોઈ શકે.
ટેક્નિકલી આ ફિલ્મ બ્રિલિયન્ટ છે. ડર લાગે એવાં દૃશ્યો હોવા છતાં આ ફિલ્મમાં કોઈ જ ભૂતપ્રેત-આત્મા-ચુડેલ કે પેરાનોર્મલ એક્ટિવિટીનું એક પણ દૃશ્ય નથી. કોઈ હેવી મેકઅપ નથી. વીએફએક્સ પણ નથી. ફિલ્મની વાર્તામાં પણ કશું પણ એબ્નોર્મલ નથી થઈ રહ્યું. દુનિયાનો કોઈ પણ છોકરો આવું જ ઈચ્છે કે એક ગમતી યુવતી તેને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરે. આવી ઈચ્છા કોઈ પણ છોકરાને લાઈફના કોઈ પણ તબક્કે થઇ હશે. ફિલ્મમાં નાયક બનતા છોકરાની આ મહેચ્છા પૂરી થઈ. બસ આ જ વાર્તા છે. વાર્તામાં પ્રોબ્લેમ એ નથી કે તેની અંતરની અભિલાષા પૂરી થઈ, કોંફ્લિક્ટ ત્યાં છે કે એની મહેચ્છા શબ્દશ: સંપૂર્ણપણે પૂરી થઈ એ પણ ગજબનાક ઝડપે. પોતાની કોઈ ઈચ્છા આટલી ભયંકર રીતે પૂરી થઈ જાય તો જિંદગી વેરણછેરણ થઈ શકે એવી તો કલ્પના પણ ન કરી હોયને, પણ જિંદગીમાં આવું જ થાય. તો આટલી સિમ્પલ વાર્તા છે જેને ખૂબ આલતરિન ટ્રીટમેન્ટ આપી છે.
સિનેમાનો એક નિયમ છે - શો, ડોન્ટ ટેલ, પણ આ ફિલ્મ એવા બધા નિયમોને તોડે છે. ગર્લફ્રેન્ડ નિક્કી બાથરૂમમાં છે ને બહાર ડરેલો બોયફ્રેન્ડ ઊભો છે. ગર્લફ્રેન્ડ અંદરથી ચીસાચીસી કરે છે અને બોયફ્રેન્ડ બહાર ઊભો ચૂપચાપ સાંભળે છે. તો પણ કેમેરા બાથરૂમની અંદર હોવાના બદલે બહાર બોયફ્રેન્ડ તરફ જ મંડાયેલો છે. ફિલ્મની ઘણી ફ્રેમમાં ફોરગ્રાઉન્ડ ડાર્ક છે અને બેકગ્રાઉન્ડ પ્રકાશિત છે. ઘણાં બધાં દૃશ્યોમાં નિક્કી સરખી દેખાતી જ નથી, કારણ કે તે અંધારામાં ઊભી હોય તો પણ નિક્કીથી ડર લાગ્યા રાખે. બોયફ્રેન્ડ બેરની બિલાડી સેન્ડી વાર્તામાં અચાનક મરી ગઈ છે. સેન્ડી અને બેરની નિયતિ અને જિંદગી વચ્ચે સમાંતરો બનાવતી ઘણી થિયરી ઓબ્સેશનના ફેનલોકો બનાવી રહ્યા છે. આ ફિલ્મ વાર્તા કહેવાની કળા અને વાર્તા શૂટ કરવાનો ક્રાફ્ટ શીખવતો માસ્ટરક્લાસ છે.
આ ફિલ્મ હકીકતમાં કોન્સેન્ટ વિશે છે. નિક્કીને બેર ગમતો ન હતો. નિક્કી જ્યારથી બેરથી ઓબ્સેશ્ડ થઈ ત્યારથી તે અમુક ક્ષણો માટે ભાનમાં આવતી ત્યારે તે બેરને કહેતી કે નિક્કીને મારી નાખ. તો પણ બેર એવું કહેતો કે મારી સાથે વાંધો શું છે? બોયફ્રેન્ડ બેરની જિંદગીના બાર વાગી ગયેલા તો પણ એની જીદ પૂરી થતી ન હતી કે એ માનવ તૈયાર ન હતો કે કોઈ છોકરી એને પ્રેમ ન પણ કરે. આપણને ગમતું પાત્ર આપણને ન ગમાડે એમાં કોઈનો વાંક નથી. આ ફિલ્મમાં નિક્કી ગુનેગાર નહીં પણ વિક્ટિમ છે અને બેર ગીલ્ટી. જે ગુનેગાર હોય એને એવી જ સજા મળે. ઓબ્સેશન ફિલ્મ જો ગ્રાહ્ય થાય તો એના ફિલ્મમેકિંગ માટે યુવાન કન્ટેન્ટ ક્રિએટર્સને ઓબ્સેશન થઈ શકે એવી સશક્ત ફિલ્મ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો