અર્થશાસ્ત્રમાં `ટ્રિકલ-ડાઉન ઈકોનોમિક્સ' નામનો એક બહુ પ્રખ્યાત અને રૂપેરી સિદ્ધાંત છે. આ સિદ્ધાંત એવું કહે છે કે સમાજમાં જે લોકો ટોચ પર બેઠા છે, એટલે કે જેઓ સૌથી વધુ અમીર છે, તેમને વધુ અમીર થવા દો. તેમની પાસે જ્યારે સંપત્તિ અને સંસાધનો છલકાશે, ત્યારે તે સંપત્તિ ધીમે ધીમે ઝરણાની જેમ નીચેના વર્ગ સુધી પહોંચશે અને છેવાડાના ગરીબ માણસનું પણ ભલું થશે. સાંભળવામાં આ વાત કેટલી આદર્શ લાગે છે! પણ વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા એ છે કે ટોચ પર બેઠેલો માણસ એટલો સ્વાર્થી અને લાલચુ છે કે તે પોતાની થાળી છલકાયા પછી પણ એ છલકાયેલું અન્ન નીચે જવા દેવાને બદલે તેને કચરાપેટીમાં ફેંકવાનું કે બગાડવાનું પસંદ કરે છે. પૃથ્વી પર બધાના પેટ ભરી શકાય તેટલું અન્ન મોજૂદ છે, પણ બધાની `લાલચ' સંતોષી શકાય તેટલાં સંસાધનો ક્યારેય પેદા નથી થવાનાં. આ જ મૂડીવાદ અને વર્ગભેદના ભયાનક વરવા સત્યને રૂપેરી પડદે એક અત્યંત ડિસ્ટર્બિંગ, હિંસક અને ફિલોસોફિકલ રૂપક તરીકે રજૂ કરતી સ્પેનિશ ફિલ્મ એટલે 2019માં આવેલી: ધ પ્લેટફોર્મ.
સ્પેનિશ ડિરેક્ટર ગાલ્ડર ગાઝટેલુ-ઉરુટિયાની આ ફિલ્મ કોઈ સામાન્ય સાઇકોલોજિકલ થ્રિલર નથી. ફિલ્મની વાર્તા એક વિચિત્ર એવી ઊભી જેલમાં આકાર લે છે, જેને `ધ પિટ' કહેવામાં આવે છે. આ જેલનું માળખું સમજી લો. આ જેલમાં સેંકડો માળ છે. દરેક માળ પર માત્ર એક જ નાનકડો રૂમ છે અને દરેક રૂમમાં બે કેદીઓ રહે છે. આખી બિલ્ડિંગની બરાબર વચ્ચે એક મોટો લંબચોરસ ખાડો છે. દરરોજ લેવલ `0' (સૌથી ઉપરના માળ)થી એક પ્લેટફોર્મ નીચે ઊતરે છે. આ પ્લેટફોર્મ પર દુનિયાભરની સૌથી શાનદાર અને સ્વાદિષ્ટ વાનગીઓનો ઢગલો હોય છે -એક શાહી મહેફિલ જેવું ભોજન. આ પ્લેટફોર્મ દરેક માળ પર માત્ર બે મિનિટ માટે રોકાય છે. માળ નંબર 1ના કેદીઓ મનફાવે તેટલું, ગળા સુધી ભરાઈ જાય તેટલું ખાય છે. પછી એ પ્લેટફોર્મ માળ નંબર 2 પર જાય છે, પછી 3 પર.
જો દરેક માળના લોકો માત્ર પોતાની `જરૂરિયાત' જેટલું જ ખાય અને ખોરાક ન બગાડે, તો સૌથી નીચેના માળ સુધી ભોજન પહોંચી શકે તેમ છે, પણ માણસની જાત ક્યાં એવી છે? ઉપરના માળના લોકો એટલું બધું ખાઈ લે છે અને બાકીના ખોરાક પર એંઠવાડ કે થૂંક ફેંકી દે છે કે 50મા માળ સુધી પહોંચતા પ્લેટફોર્મ પર માત્ર હાડકાં અને કચરો જ બચે છે. 100મા માળ પછી તો પ્લેટફોર્મ સાવ ખાલીખમ જ નીચે ઊતરે છે. ભૂખે મરતા નીચેના માળના કેદીઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના જ રૂમ-પાર્ટનરને મારીને ખાવા માટે (નરભક્ષી બનવા માટે) મજબૂર થઈ જાય છે. અહીં સુધી તો આ એક ક્લાસિક વર્ગભેદની વાર્તા લાગે, પણ ડિરેક્ટરે જે સૌથી ભયાનક સાઇકોલોજિકલ ટ્વિસ્ટ આપ્યો છે, તે માણસાઈના લીરેલીરા ઉડાડી દે છે. ટ્વિસ્ટ એ છે કે આ જેલમાં કેદીઓનું સ્થાન કાયમી નથી! દર મહિને કેદીઓને બેહોશ કરીને એક નવા માળ પર શિફ્ટ કરી દેવામાં આવે છે. જે કેદી આજે 12મા માળ પર બેસીને શાહી ભોજન ઉડાવી રહ્યો છે, તે કદાચ ગયા મહિને 180મા માળ પર ભૂખથી તરફડતો હતો. તો શું 12મા માળે આવ્યા પછી તેને 180મા માળવાળા પ્રત્યે દયા આવે છે? શું તે ખોરાક બચાવે છે? બિલકુલ નહીં! ઊલટાનું, તે વધુ રાક્ષસી રીતે ખાય છે. તેના મનમાં બે જ વસ્તુ છે : ભૂતકાળમાં પોતે ભોગવેલી ભૂખનો બદલો અને આવતા મહિને કદાચ ફરીથી નીચે ફેંકાઈ જવાનો ડર.
આ છે માનવ મનોવિજ્ઞાનની સૌથી વરવી વાસ્તવિકતા. `જે માણસ શોષિત છે, જ્યારે તેના હાથમાં સત્તા આવે છે, ત્યારે તે સૌથી મોટો શોષણકર્તા બની જાય છે.' સિસ્ટમ માણસને ખરાબ નથી બનાવતી, સિસ્ટમ માત્ર માણસની અંદર પહેલેથી પડેલા રાક્ષસને બહાર આવવાની તક આપે છે.
ફિલ્મના નાયક ગોરેંગની એન્ટ્રી આ જેલમાં થાય છે. ગોરેંગ એક આદર્શવાદી માણસ છે, જે પોતાની સાથે વાંચવા માટે `ડોન કિહોટે' નામનું પુસ્તક લઈને આવ્યો છે. ગોરેંગ આ સિસ્ટમને બદલવા માંગે છે. તે ઉપર અને નીચેવાળાને બૂમો પાડીને સમજાવવાનો પ્રયાસ કરે છે કે જો આપણે `સ્વયંભૂ એકતા' દેખાડીએ, તો બધા બચી શકે, પણ કોઈ સાંભળતું નથી. અંતે ગોરેંગને સમજાય છે કે ક્રાંતિ માત્ર આદર્શવાદી વાતોથી નથી આવતી. તેણે હથિયાર ઉઠાવવું પડે છે અને લોકોને ડરાવી-ધમકાવીને રેશનિંગ (ખોરાકની વહેંચણી) શરૂ કરાવવી પડે છે. એક આદર્શવાદી માણસનું ક્રાંતિકારી અને પછી એક હિંસક જલ્લાદમાં થતું આ રૂપાંતરણ સિનેમેટિક દૃષ્ટિએ માસ્ટરક્લાસ છે.
ફિલ્મના ક્લાઈમેક્સમાં એક નાનકડી બાળકી અને `પન્ના કોટા'(એક પ્રકારની સ્વીટ ડિશ)નો જે મેટાફર વાપરવામાં આવ્યો છે, તે ઘણાને કન્ફ્યૂઝ કરી શકે છે. ગોરેંગ એ ડિશને બચાવીને લેવલ `0' (એડમિનિસ્ટ્રેશન) સુધી પાછી મોકલવા માંગે છે, એ દર્શાવવા માટે કે નીચેના લોકો હવે જાનવર નથી રહ્યા, તેમને મેસેજ સમજાઈ ગયો છે, પણ શું ઉપર બેઠેલી સિસ્ટમ(કે ભગવાન)ને આ મેસેજની કોઈ પડી છે ખરી?
`ધ પ્લેટફોર્મ' પૂરી થાય છે ત્યારે તમને એક ઊંડો નિસાસો નાખવાનું મન થશે. આ માત્ર એક સ્પેનિશ જેલની વાર્તા નથી, આ પૃથ્વી નામના ગ્રહની વાર્તા છે. આજે આપણે એ.સી. રૂમમાં બેસીને જે મબલખ ભોજન અને સુવિધાઓ ભોગવી રહ્યા છીએ, તે કદાચ કોઈ નીચેના માળવાળા(ગરીબ દેશો કે મજૂરો)ના હિસ્સાનું જ પડાવી લીધેલું પ્લેટફોર્મ છે! ફિલ્મ એક જ સવાલ પૂછે છે : જો આવતા મહિને તમારું લેવલ બદલાઈ જાય, તો તમે કોને ખાઈ જશો?