આજના સોશિયલ મીડિયા અને ઈન્સ્ટન્ટ ન્યૂઝના જમાનામાં આપણો સમાજ એક બહુ વિચિત્ર માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે. આપણને સતત `ફીલ-ગુડ' સ્ટોરીઝ જોઈએ છે. રસ્તા પર કોઈ ગરીબ માણસ કોઈની મદદ કરતો દેખાઈ જાય, તો આપણે તરત તેનો વીડિયો વાઇરલ કરીને તેને રાતોરાત `હીરો' કે `મસીહા' બનાવી દઈએ છીએ, પણ સમાજની અસલી ક્રૂરતા એના પછી શરૂ થાય છે. જેવો એ `હીરો' કોઈ સામાન્ય માનવીય ભૂલ કરે કે તરત જ આપણે તેને ગાળો ભાંડીને જમીન પર પછાડી દઈએ છીએ. `હીરો' બનાવવો એ આપણી જરૂરિયાત છે અને તેને બરબાદ થતો જોવો એ આપણો વિકૃત આનંદ છે! માણસાઈ, પ્રતિષ્ઠાના ભ્રમ અને સત્યના
ગ્રે-શેડ્સ પર ઈરાની સિનેમાના માસ્ટર ડિરેક્ટર અસઘર ફરહાદીની 2021માં આવેલી ફિલ્મ એટલે `અ હીરો'.
ફરહાદીની ફિલ્મોની સૌથી મોટી તાકાત એ છે કે તેમાં કોઈ `હીરો' કે `વિલન' નથી હોતો, તેમાં માત્ર સંજોગોના માર્યા અને પોતાની મજબૂરીઓ સાચવતા સામાન્ય માણસો જ હોય છે. આ વાર્તાના કેન્દ્રમાં રહીમ નામનો એક અત્યંત સીધો, હસમુખો અને ભોળો લાગતો યુવાન છે. રહીમ કોઈ ગુનેગાર નથી, પણ બિઝનેસમાં દેવું થઈ જવાને કારણે તે જેલની સજા કાપી રહ્યો છે. તેને બે દિવસની પેરોલ મળે છે. રજા દરમિયાન તેની ગર્લફ્રેન્ડને બસસ્ટોપ પરથી સોનાના સિક્કા ભરેલી એક લાવારિસ બેગ મળે છે.
શરૂઆતમાં રહીમ એ સિક્કા વેચીને પોતાનું દેવું ચૂકવવાનું વિચારે છે, પણ બજારમાં સોનાના ભાવ ગગડી જાય છે અને તેને અહેસાસ થાય છે કે આટલા રૂપિયાથી એનું દેવું પૂરું નહીં થાય. હવે તેનો અંતરાત્મા જાગે છે! તે બેગના મૂળ માલિકને શોધીને એ સોનાના સિક્કા પરત કરી દે છે. બસ, આ એક નાનકડી ઘટનાથી વાર્તામાં મોટો વિસ્ફોટ થાય છે.
જેલના સત્તાધીશો આ વાત પકડી લે છે. જેલમાં તાજેતરમાં જ એક કેદીએ આપઘાત કર્યો હોય છે, એટલે જેલનું તંત્ર પોતાની `નેગેટિવ ઈમેજ' સુધારવા માટે રહીમને એક `આદર્શ કેદી' અને `હીરો' તરીકે મીડિયા સમક્ષ રજૂ કરે છે. ટીવી ચેનલો પર રહીમના ઈન્ટરવ્યૂ ગોઠવાઈ જાય છે. એક ચેરિટી સંસ્થા રહીમનું દેવું ચૂકવવા માટે ફંડ ભેગું કરવાનું શરૂ કરી દે છે. રાતોરાત રહીમ આખા શહેરનો મસીહા બની જાય છે.
પણ અહીં ફરહાદી વાર્તામાં એક જબરદસ્ત ફિલોસોફિકલ વળાંક આપે છે. રહીમનો લેણદાર (જેના પૈસા રહીમે ડુબાડ્યા હતા) બહેરામ, આ આખી ઘટનાનો સ્વીકાર નથી કરતો. સમાજની નજરમાં બહેરામ વિલન છે, પણ જો પ્રેક્ટિકલ દૃષ્ટિએ જુઓ તો તેનો સવાલ સો ટકા વાજબી છે. બહેરામ કહે છે : `આ રહીમે મારા મહેનતના લાખો રૂપિયા ડુબાડી દીધા, મારી દીકરીનું ભવિષ્ય બગાડ્યું, ત્યારે એને કોઈ અંતરાત્મા ન નડ્યો? અને આજે એણે પારકા પૈસા પાછા આપી દીધા, એટલે એ સંત બની ગયો? અને આપણે તેને ઈનામ આપવાનું?' બહેરામની આ દલીલ આખી ફિલ્મનો મોરલ કંપાસ (નૈતિકતાનું માપદંડ) હચમચાવી નાખે છે. આપણે `સારા માણસ'ની વ્યાખ્યા ખરેખર કઈ રીતે નક્કી કરીએ છીએ?
જેમ જેમ ફિલ્મ આગળ વધે છે, તેમ તેમ રહીમની `હીરો' તરીકેની ઈમેજ તૂટવા લાગે છે. પોતાની એ પવિત્ર ઈમેજ બચાવવા માટે રહીમ એક નાનકડું જુઠ્ઠું બોલે છે (તે સમાજને નથી કહેતો કે બેગ તેની ગર્લફ્રેન્ડને મળી હતી, કારણ કે એક પરિણીત માણસની ગર્લફ્રેન્ડ હોવી એ ભારતીય કે ઈરાની સમાજમાં સ્વીકાર્ય નથી). એક જૂઠને છુપાવવા તે બીજું જૂઠ બોલે છે. જે ચેરિટી સંસ્થા અને મીડિયાએ તેને માથે બેસાડ્યો હતો, તે જ લોકો હવે તેની પાસે `પ્રામાણિકતાના પુરાવા' માંગવા લાગે છે.
`અ હીરો' એ વાતનું સિનેમેટિક પોસ્ટમોર્ટમ છે કે, `પ્રતિષ્ઠા' કેટલી કાચી અને બોગસ વસ્તુ છે. સમાજ એન્જિનિયર્ડ (બનાવટી) નૈતિકતા પર ચાલે છે. રહીમ ખરાબ માણસ નથી, પણ તે પૂરેપૂરો સારો પણ નથી. તે માત્ર એવો માણસ છે જે સિસ્ટમની જાળમાં ફસાયો છે અને પોતાની આબરૂ બચાવવા હવાતિયાં મારી રહ્યો છે. ફિલ્મનો ક્લાઈમેક્સ અત્યંત ગૂંગળામણભર્યો છે, જ્યાં રહીમે પોતાની જાતને સાચી સાબિત કરવા માટે પોતાના તોતડા બોલતા માસૂમ દીકરાનો ઉપયોગ મીડિયા સામે કરવો પડે છે.
ફિલ્મ પૂરી થાય ત્યારે વાચક તરીકે આપણે ખુદને પૂછવું પડે કે જ્યારે આપણે કોઈને `હીરો' કહીએ છીએ, ત્યારે શું આપણે ખરેખર તેના કામને બિરદાવીએ છીએ કે પછી માત્ર આપણા પોતાના આદર્શોનો ભાર એ બિચારા સામાન્ય માણસના ખભા પર લાદી દઈએ છીએ? અને જ્યારે એ માણસ એ ભાર નીચે દબાઈને ભૂલ કરે છે, ત્યારે આપણે તેના પર પથ્થર મારનારા સૌથી પહેલા માણસ કેમ હોઈએ છીએ?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો