એક્શન-કોમેડી ફિલ્મ છે, `વેલકમ' ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, અરશદ વારસી, રવિના ટંડન, દિશા પટણી, જેક્લિન ફર્નાન્ડિઝ, લારા દત્તા, જેકી શ્રોફ અને જોની લીવર જેવા દિગ્ગજ કલાકારોની વિશાળ સ્ટારકાસ્ટ છે. આ વાર્તા એક શ્રીમંત ઉદ્યોગપતિની આસપાસ ફરે છે, જે કરચોરી કરવા અને કાળાં નાણાંને સફેદ કરવા માટે ₹ 2,000 કરોડના બજેટવાળી એક બનાવટી ફિલ્મ બનાવવાનું આયોજન કરે છે. આ બનાવટી પ્રોજેક્ટ માટે કલાકારો અને ગેંગસ્ટરોની બનેલી એક મોટી ટીમ શૂટિંગ કરવા માટે જંગલમાં જાય છે. અસલી નાટ્યાત્મક વળાંક ત્યારે આવે છે જ્યારે આતંકવાદીઓ હુમલો કરે છે અને તે બનાવટી મિશન એક વાસ્તવિક સંકટમાં ફેરવાઈ જાય છે. આ ફિલ્મ 21 ઓગસ્ટના રોજ ફક્ત JioHotstar પર સ્ટ્રીમિંગ થશે. જ્યારે કોઈ ફિલ્મમાં 30-35 જેટલા દિગ્ગજ કલાકારો હોય, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે આટલી મોટી સંખ્યામાં સ્ટાર્સની હાજરી હોય તો કોના ભાગે કેટલો સ્ક્રીન ટાઈમ આવ્યો હશે?

પ્રેમનાં પારખાં ન હોય તે બેબીને ખબર નથી કોકટેલ 2 ફિલ્મ 

જેમ ઝેરનાં પારખાં ન થાય તેમ પ્રેમનાં પારખાં પણ જોખમી જ હોય! આ વાત ફિલ્મી બેબી દીયાને જાણમાં નહોતી. પ્રીમિયર 14 ઓગસ્ટના રોજ Netflix પર ડિજિટલી થવાનું છે. હોમી અડાજાનિયા દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક કોમેડી-ડ્રામા ફિલ્મ શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના અભિનીત છે, જે 19 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. ફિલ્મ 2012ની હિટ ફિલ્મ `કોકટેલ'ની આધ્યાત્મિક ઉત્તરાધિકારી છે. લાંબા સમયથી `લિવ-ઇન રિલેશનશિપ'માં રહેતા કુણાલ અને દીયા લગ્ન કરવાના દબાણથી બચવા માટે સિસિલી જાય છે. ત્યાં તેઓ દીયાની જૂની મિત્ર એલીને મળે છે. દીયા તેની મુક્ત-વિચારી મિત્ર એલીને કહે છે કે તે કુણાલ સાથે ફ્લર્ટ કરીને તેની વફાદારીની કસોટી કરે અને એલીના મનમાં જ કુણાલ માટે સાચી લાગણીઓ જાગે છે. એક જટિલ `લવ ટ્રાયેંગલ' રચાય છે. આ ફિલ્મ ડેટિંગ, `સિચ્યુએશનશિપ્સ' (situationships) અને કમિટમેન્ટના ડર અંગે આજના યુવાનોની માનસિકતાને પ્રતિબિંબિત કરે છે.

અદ્ભુત કલાકારોનો સંગમ થઈ રહ્યો છે : ચુંબક

કોમેડી, ડ્રામા સીરિઝ Netflix પર 28 ઓગસ્ટના રોજ પ્રીમિયર થઈ રહી છે. આ `ચુંબક કોલોની'ના પાંચ અલગ-અલગ અને અનોખા પાડોશીઓની એક રમૂજી વાર્તા છે, જ્યાં રોજિંદા જીવનની મજેદાર અને મૂંઝવણભરી પરિસ્થિતિઓ સર્જાય છે. કલાકારોનાં નામ તો જુઓ નીના ગુપ્તા, માનસી પારેખ, હેલી શાહ, સુમિત રાઘવન, દેવેન ભોજાણી જેવાં દિગ્ગજ કલાકરો આ સીરિઝને લીડ કરી રહ્યાં છે. નિર્માતા છે, આતિશ કાપડિયા અને જેડી મજેઠિયા (સારાભાઈ વિ સારાભાઈ ફેમ). આધુનિક શહેરી ભારતીય સમુદાય, જ્યાં રોજિંદા જીવનમાં ધામધૂમભર્યા ઉત્સવો, સહિયારી મુશ્કેલીઓ અને પાડોશીઓનું પરિવારમાં પરિવર્તિત થવું જોવા મળે છે. પાડોશી પરિવારો વચ્ચેના પારિવારિક અને આત્મીય સંબંધોને રજૂ કરશે. તે એ વાતની રસપ્રદ ઝલક પૂરી પાડશે કે પાડોશીઓ સુખ અને દુઃખ બંને સમયે એકબીજાની પડખે કેવી રીતે ઊભા રહે છે અને તેમની વચ્ચે વસ્તુઓની આપ-લે કરવાની પ્રથા કેવી રીતે ચાલે છે!

સ્વતંત્રતા દિવસની ભેટ 108 બેઝ હોસ્પિટલ : ઉરી

ઉરી નામ આવે એટલે સ્વાભાવિક રીતે જ આપણા સૈનિકોના શૌર્યની ગાથા સર્જિકલ સ્ટ્રાઇક દેશભક્તોના દિલોદિમાગમાં વ્યાપી જાય અને દેશદ્રોહીના શરીરમાંથી લખલખું પસાર થઇ જાય. હિન્દી ભાષાની આગામી મેડિકલ અને મિલિટરી ડ્રામા શ્રેણી છે. આ શો સંઘર્ષગ્રસ્ત વિસ્તાર `ઉરી'માં આવેલી એક સૈન્ય હોસ્પિટલના ડોક્ટરોના જીવન, તેમના સાહસ તેમજ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક સંઘર્ષો પર આધારિત છે. તે 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે. `સેવા', `સાહસ' અને `સમર્પણ'ના સૂત્ર પર કેન્દ્રિત `લાઇન ઓફ કંટ્રોલ' નજીક સંઘર્ષગ્રસ્ત ઉરી વિસ્તારમાં આવેલું ભારતીય સેનાનું ઉચ્ચ-દબાણવાળું (અત્યંત વ્યસ્ત) ફ્રન્ટલાઇન ટ્રોમા યુનિટ જ્યાં જટિલ વ્યક્તિગત ઇતિહાસ, વ્યાવસાયિક દુશ્મનાવટ અને ભાવનાત્મક તાણને પાર કરતી વખતે ઘાયલ સૈનિકોની સારવાર માટે સમય સામે દોડતા મજબૂત સૈન્ય ડોક્ટરો અને અધિકારીઓને અનુસરે છે. જોકે, આ ટીવી વીકએન્ડ (શનિ-રવિ) ટેલિવિઝન શ્રેણી છે, જે JioHotstar પર ડિજિટલી સ્ટ્રીમ થશે.

બહાદુરી તબીબી વર્ગમાં પણ હોય છે : ભારત ભાગ્ય વિધાતા

આ વાત હોસ્પિટલની જ છે, પરંતુ આ ફિલ્મની વાર્તા આતંકી હુમલાની ઘટના દરમિયાનની સાચી ઘટનાઓ પર આધારિત આ ફિલ્મ કામા હોસ્પિટલની અંદર દર્દીઓની રક્ષા કરનાર નર્સો અને હોસ્પિટલના સ્ટાફની હિંમતને ઉજાગર કરે છે. 2008માં 26 નવેમ્બરના રોજ જેને 26/11 ઘટના તરીકે યાદ કરાય છે, તે મુંબઈ હુમલા પાકિસ્તાનથી આવેલા 10 લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા કરાયેલા શ્રેણીબદ્ધ ઘાતક હુમલા હતા. આ હુમલામાં 166 લોકોનાં મૃત્યુ થયાં અને 300થી વધુ ઘાયલ થયા હતા. આ ઘટના ચાર દિવસ સુધી ચાલી હતી. ફિલ્મનું નિર્દેશન મનોજ તાપડિયાએ કર્યું છે અને કંગના રનૌતે તેનું સહનિર્માણ કર્યું છે. 26/11ની રાત્રે કામા હોસ્પિટલના પરિવેશમાં આ વાર્તા એવા સામાન્ય તબીબી કર્મચારીઓ પર કેન્દ્રિત છે, જેઓ બહાર આતંકનું તાંડવ ચાલતું હોવા છતાં ડર અને જોખમનો સામનો કરીને સેંકડો લોકોના જીવ બચાવે છે. Z5 પર 14 ઓગસ્ટના રોજ આ ફિલ્મ જોવા મળશે.


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો