મનોરંજન જગતમાં કલાકારોની પ્રતિભા અને એક્ટિંગ સ્કિલ્સ કરતાં સોશિયલ મીડિયા પર તેમના કેટલા ફોલોઅર્સ છે, તેને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ટેલિવિઝન અને ઓટીટી પ્લેટફોર્મ પર પોતાની ઓળખ બનાવનારી શિવાંગી ખાંડેકરે ઇન્ડસ્ટ્રીના આ કડવા સત્ય પરથી પડદો ઉઠાવ્યો છે અને કાસ્ટિંગ પ્રક્રિયાની પોલ ખોલી દીધી છે. પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું કે, એક પ્રોજેક્ટ માટે ઓડિશન આપ્યાં બાદ અને શોર્ટલિસ્ટ થયા પછી પણ તેને રિજેક્ટ કરવામાં આવી હતી. કાસ્ટિંગ ટીમ દ્વારા તેને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, `તમારી એક્ટિંગ ખૂબ જ સરસ છે, પરંતુ સોશિયલ મીડિયા પર તમારા ફોલોઅર્સ ઓછા છે. જો તમારા ફોલોઅર્સ વધારે હોત, તો આ રોલ તમને જ મળત.' શિવાંગીએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, આજે ઇન્ડસ્ટ્રીમાં ટેલેન્ટ કરતાં ડિજિટલ નંબર્સને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. માત્ર ફોલોઅર્સના આધારે કલાકારોની ક્ષમતા નક્કી કરવી એ મનોરંજન જગતની કમનસીબી છે. શિવાંગી ખાંડેકરના આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર `ટેલેન્ટ વિરુદ્ધ ફોલોઅર્સ'ની ચર્ચાએ જોર પકડ્યું છે.
ડિલીવરીના 12 દિવસ બાદ કામ પર પરત ફરી કનિકા મહેશ્વરી
કનિકા મહેશ્વરી હાલમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના ખુલાસાઓને કારણે ચર્ચામાં છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે જ્યારે તે ગર્ભવતી હતી, ત્યારે `દીયા ઔર બાતી હમ' શોનું શૂટિંગ કરી રહી હતી. શોના મેકર્સ અને તેના પતિ અંકુર ઘઈએ તેને ઘણો સાથ આપ્યો હતો. પતિએ શૂટિંગ સેટથી માત્ર 5 મિનિટ દૂર ભાડે ઘર લીધું હતું, જેથી તેને તકલીફ ન પડે. સેટ પર મળેલા આટલા પ્રેમને કારણે કનિકાએ પણ શો પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી અને તે ડિલીવરીના માત્ર 12 દિવસ બાદ જ કામ પર પાછી ફરી હતી. તેણે કહ્યું કે સેટ નજીક હોવાથી તે બ્રેક દરમિયાન 5 મિનિટમાં ઘરે જઈને દીકરાને મળી આવતી હતી, તેથી તેને ક્યારેય `મૉમ ગિલ્ટ' નથી થયું. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી કનિકાના છૂટાછેડાની અફવાઓ ઊડી રહી હતી. પરંતુ દીકરાના ભવિષ્ય માટે અને તેને માતા-પિતા બંનેનો પ્રેમ મળી રહે તે હેતુથી કપલે લગ્નને વધુ એક તક આપી હતી.
કરણનો ટ્રોલર્સને જડબાતોડ જવાબ
ટીવી ઇન્ડસ્ટ્રીનું લોકપ્રિય કપલ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશે રિઆલિટી શો `ડેસી બ્લિંગ'ના દુબઈ એપિસોડમાં કરણ કુન્દ્રાએ તેજસ્વીને રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. જેમાં કરણ ટ્રોલર્સના નિશાના પર આવ્યો. જેનું મુખ્ય કારણ એ હતું કે કરણે તેજસ્વીને પ્રપોઝ કરતા પહેલાં પોતાનાં માતા-પિતા અને પરિવારની પરવાનગી લીધી હતી. સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સે તેની મજાક ઉડાવતાં કહ્યું કે આમાં માતા-પિતાને પૂછવાની શું જરૂર હતી? હવે કરણે ટ્રોલર્સને કડક શબ્દોમાં વળતો જવાબ આપ્યો છે. કરણે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, જો તમે તમારાં માતા-પિતા કે ભાઇઓને ન પૂછો તો કોને પૂછશો? કોઇના જીવનમાં આવવાથી તમે તમારાં પેરેન્ટ્સનું સ્થાન ભૂલી ન શકો. જે લોકો મને આવી કમેન્ટ્સ કરી રહ્યા છે, તેઓ કઇ દુનિયામાં જીવે છે? જીવનના મહત્ત્વના નિર્ણયોમાં પરિવારને સાથે રાખવો એ ગર્વની વાત છે.
ઋષિકેશમાં ફૂટપાથ પર સાદડી પર સૂતો સુનિલ ગ્રોવર
પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયન સુનિલ ગ્રોવર હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. તેનો એક અત્યંત સાદગીભર્યો વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર વાઇરલ થયો છે, જેને જોઈને ફેન્સ તેની નમ્રતાનાં વખાણ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે સુનિલ ગ્રોવર ઋષિકેશમાં ગંગા નદીના ત્રિવેણી ઘાટ પર અન્ય સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ જ જમીન પર સાદડી પાથરીને ખુલ્લા આકાશ નીચે સૂતો દેખાય છે. આ વીડિયો સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે, `તારે ઝમીન પર' અને બેકગ્રાઉન્ડમાં `જય કાલ મહાકાલ' ભક્તિગીત વાગી રહ્યું છે. માત્ર 21 કલાકમાં આ વીડિયોને 47 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે સુનિલ ગ્રોવર પોતાની આવી સાદગી માટે ચર્ચામાં આવ્યો હોય. આ પહેલાં પણ તે હેન્ડપંપ પર કપડાં ધોતા અને દેશી ચૂલા પર રોટલી બનાવતા વીડિયો શેર કરી ચૂક્યો છે. કરોડો રૂપિયાની કમાણી અને સ્ટારડમ હોવા છતાં સામાન્ય માણસ જેવું જીવન જીવવાની તેની આ રીત ફેન્સનાં દિલ જીતી રહી છે.
`સંવાદ સૌથી મોટું હથિયાર' હિતેન તેજવાનીએ આપ્યો ગુરુમંત્ર
`ક્યોકી સાસ ભી કભી બહૂ થી' જેવા પ્રખ્યાત શોથી જાણીતા બનેલા અભિનેતા હિતેન તેજવાનીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં બાળકોના ઉછેર અને તેમને હેન્ડલ કરવા અંગે મહત્ત્વની વાતો શેર કરી છે. હિતેન અને તેની પત્ની ગૌરી પ્રધાન જોડિયાં બાળકોનાં માતા-પિતા છે. હિતેને જણાવ્યું કે, આજના સમયમાં બાળકોને હેન્ડલ કરવા માટે `સંવાદ એ સૌથી મોટું હથિયાર છે.' તેના મતે જૂનો જમાનો જતો રહ્યો છે જ્યારે બાળકો ભૂલ કરે તો પિતા તરફથી ગુસ્સો, ઠપકો કે થપ્પડ મળતી હતી. આજનાં બાળકો ખૂબ જ જાગૃત અને જિજ્ઞાસુ છે, તેથી તેમને કંટ્રોલ કરવાને બદલે પ્રેમથી વાતચીત કરવી જરૂરી છે. કોઈ વાત સાચી કે ખોટી કેમ છે તે તેમને લોજિકલ રીતે સમજાવવી પડે છે. બાળકો ભણતરમાં કે કરિયરમાં સફળ થાય તેના કરતાં વધુ જરૂરી એ છે કે તેઓ એક સારા, પ્રામાણિક અને સંસ્કારી વ્યક્તિ બને. બાળકો સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખવો એ જ આજના સમયનો સાચો `ગુરુમંત્ર' છે.
8 વર્ષ બાદ કપિલ શર્માની `એક્સ-ગર્લફ્રેન્ડ' સાથેનો વિવાદ થયો પૂરો?
કોમેડિયન કપિલ શર્મા અને પ્રીતિ સિમોસ વચ્ચેના સંબંધો એક સમયે ખૂબ ચર્ચામાં હતા. પ્રીતિ સિમોસ `ધ કપિલ શર્મા શો'ની પૂર્વ ક્રિએટિવ ડિરેક્ટર રહી ચૂકી છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને લાંબા સમય સુધી રિલેશનશિપમાં પણ હતા. જોકે, વર્ષ 2017-18ની આસપાસ તેમની વચ્ચે ભારે વિવાદ થયો હતો, જેના કારણે પ્રીતિએ કપિલનો શો અને સાથ બંને છોડી દીધા હતા. હવે 8 વર્ષ બાદ બંને વચ્ચેના સંબંધો સામાન્ય થઈ રહ્યા હોય તેવા સંકેતો મળી રહ્યા છે. એક ઈન્ટરવ્યૂમાં પ્રીતિ સિમોસે કપિલ શર્મા સાથેના સંબંધો અને જૂના વિવાદો પર ખૂલીને વાત કરી છે. પ્રીતિએ જણાવ્યું કે, `સમય સાથે માણસ પરિપક્વ બને છે. મેં જૂની નકારાત્મક વાતો અને કડવાશને પાછળ છોડી દીધાં છે.' પ્રીતિએ વધુમાં ઉમેર્યું કે, આજે કપિલ પોતાના જીવનમાં ખૂબ ખુશ છે, તેણે લગ્ન કરી લીધાં છે. હું પણ મારા કામમાં વ્યસ્ત અને ખુશ છું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો