સુભાષ ઘાઈની સુપરહિટ ફિલ્મોમાં ફિલ્મ `તાલ'નો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ મ્યુઝિકલ હિટ પણ રહી હતી અને સ્ટોરી લેવલમાં પણ હિટ રહી હતી. એક ઈન્ટરવ્યૂમાં આ ફિલ્મના નિર્દેશક સુભાષ ઘાઈએ જણાવ્યું હતું કે, મને આ ફિલ્મ માટે ઐશ્વર્યા રાયની ભલામણ સરોજ ખાને કરી હતી અને એક્ટર માટે વિનોદ ખન્ના ખુદ તેમના દીકરાને લઇને મારી પાસે આવ્યા હતા. મને અક્ષય ખન્નાની ગંભીરતા તે સમયે પસંદ આવી હતી, તેથી મેં બંનેને સાથે જ કાસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે, આ ફિલ્મમાં માધુરી દીક્ષિતની પણ પસંદગી કરવાની હતી, પરંતુ છેલ્લે ઐશ્વર્યા રાયને જ પસંદ કરવામાં આવી. સુભાષ ઘાઇએ ઐશ્વર્યાને આ ફિલ્મ મેકઅપ વિના જ કરવાની કહી હતી, કારણ કે તે કોસ્ટમેટિકની દુનિયામાંથી જ આવી હતી. ટૂંકમાં, સુભાષ ઘાઇ તેની કોસ્મેટિક ઈમેજને બ્રેક કરીને સક્સેસ એક્ટ્રેસીસની દુનિયામાં સામેલ કરવા માંગતા હતા, તેથી જ ફિલ્મમાં મોટાભાગના સીનમાં ઐશ્વર્યાને નેચરલ લુકમાં જ દર્શાવવામાં આવી હતી.  

`કિલ' ફેમ સ્ટાર લક્ષ્યની થ્રિલર ફિલ્મ પાઇપલાઇનમાં છે  

એક્શન સ્ટાર લક્ષ્યની ફિલ્મમાં હવે સાઇકોલોજિકલ થ્રિલર પ્રોજેક્ટનો સમાવેશ થવા જઇ રહ્યો છે. લક્ષ્યએ બોલિવૂડમાં અત્યાર સુધી ફિલ્મ `કિલ', `ચાંદ મેરા દિલ' અને `બેડ્સ ઓફ બોલિવૂડ'માં પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. તેણે ટૂંકા સમયગાળામાં જ બોલિવૂડમાં કાઠું કાઢી લીધું છે. હવે તે ડાયરેક્ટર પ્રોસિત રોયની અનોખી સાઇકોલોજિકલ લવસ્ટોરીમાં લીડ રોલ કરવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષથી જ ચાલુ કરી દેવામાં આવશે અને તેમાં અન્ય નામી સ્ટાર્સનો પણ સમાવેશ થવાનો છે. હવે જોવું રહ્યું કે, આ ફિલ્મમાં કઈ એક્ટ્રેસ તેની સાથે સ્ક્રીન શેર કરવાની છે. ફિલ્મ `કિલ'થી લક્ષ્યએ પોતાનો બહોળો ચાહકવર્ગ ઊભો કરી લીધો છે. તેની ફિલ્મ `ચાંદ મેરા દિલ' ભલે ફ્લોપ રહી, પરંતુ લક્ષ્ય અને બેડ્સ ઓફ બોલિવૂડે તેને નવી ઉડાન આપી છે, જેના ભાગરૂપે તેની પાસે પાઇપલાઇનમાં ત્રણથી ચાર ફિલ્મો છે, જેનાથી તે બોલિવૂડમાં આગામી પાંચ વર્ષ સુધી પોતાનું વર્ચસ્વ જાળવી રાખી શકે છે. 

યુપીની કોમલ રાની સ્વર્ણકારની ડેબ્યૂ ફિલ્મ તૈયાર

છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ ફિલ્મોથી દૂર રહેતા ગોવિંદા પોતાની આગીમી ફિલ્મ `રૂપા'ને લઇને ચર્ચામાં છે. સાથે સાથે આ જ ફિલ્મમાં બોલિવૂડ ડેબ્યૂ કરનાર યુપીની એક્ટ્રેસ કોમલ રાની સ્વર્ણકાર પણ ભારે ચર્ચામાં છે. આ બંનેની ચર્ચાનું કારણ એ છે કે, `રૂપા' ફિલ્મની એક્ટ્રેસ કોમલ રાની 54 વર્ષીય છે, જ્યારે ગોવિંદાની ઉંમર 62 વર્ષની છે. અલબત્ત, બંને વચ્ચે કંઇક રંધાઇ રહ્યું છે તે બાબતે પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાએ વિશેષ જોર પકડ્યુ છે. જોકે, આ બધા વચ્ચે ગોવિંદાની વાઇફ સુનિતાએ જણાવ્યું હતું કે, ગોવિંદાની આ ઉંમરે આવું વર્તન અયોગ્ય છે અને હવે આવી તુચ્છ બાબતો પર ધ્યાન આપવાનો કે અફેરની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. જેના જવાબમાં ગોવિંદાએ જણાવ્યું હતું કે, સુનિતા અવારનવાર આવાં વિવાદાસ્પદ નિવેદનો આપતી રહે છે. અલબત્ત, ગોવિંદાએ તેની પત્ની સુનિતા આહુજાને પોતાની મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી. વધુમાં તેણે એમ પણ જણાવ્યું હતું કે, સુનિતાનાં આવાં નિવેદનો તેમની છબી અને કાર્યને વધારે નુકસાન પહોંચાડી રહ્યાં છે.

યશે એક ફેનના અંતિમ સંસ્કારમાં ન જવાનું કારણ જણાવ્યું

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રોકિંગ સ્ટાર યશે એક ઈન્ટરવ્યૂમાં પોતાના એક ફેનના અંતિમ સંસ્કારમાં ન જવાનું કારણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, `મેં વિચાર્યું કે જો હું તેના અંતિમ સંસ્કારમાં હાજરી આપીશ, તો ઘણા લોકો વિચારશે કે યશ આત્મહત્યા કર્યા પછી તેમની વાત જરૂરથી સાંભળે છે. આ માનસિકતા સાવ ખોટી છે. ફેનના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને મને શું મળશે? જો હું તેને પ્રોત્સાહિત કરું, તો મને ખબર નથી કે તે વિચાર સાચો હતો કે ખોટો, પણ તે મારો વિચાર હતો. હું દુઃખી છું અને મને ખરાબ લાગે છે, પરંતુ જો હું જઈને તે જે ઇચ્છતો હતો તે કરું, તો ઘણા લોકો મૃત્યુ તરફ જવાના પ્રયાસો કરશે અને મૃત્યુ (આત્મહત્યા) પણ પામશે.' નોંધનીય છે કે, વર્ષ 2021માં એક 25 વર્ષીય ફેને પોતાના નિધન (આત્મહત્યા) વખતે કેજીએફ યશ અને અન્ય એક પોલિટિશિયનને પોતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

જેકી શ્રોફે એક્ટ્રેસ વૈજયંતીમાલાને દંડવત પ્રણામ કર્યા

ગત 14 ઓગસ્ટના રોજ વૈજયંતીમાલાએ તેમનો 93મો જન્મદિવસ સરળતા અને સાદગીથી ઊજવ્યો હતો. તેમના બર્થડે પર બોલિવૂડ સ્ટાર જેકી શ્રોફ ઉર્ફે જગ્ગુ દાદાએ સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં જેકી શ્રોફ વૈજયંતીમાલાને દંડવત્ પ્રણામ કરે છે. આ વીડિયો શેર કરીને જેકીએ તેમની સાથેની યાદો વાગોળી હતી અને તેમને અઢળક શુભકામનાઓ પણ પાઠવી હતી. જેકી શ્રોફનો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઇ રહ્યો છે. જેકી શ્રોફ હંમેશાં ફિલ્મ સ્ટાર્સના બર્થડે અને તેમની સાથે વિતાવેલી પળોને સોશિયલ મીડિયા મારફતે પોતાના ફેન્સને શેર કરતા રહે છે. અલબત્ત, તેઓ જે તે ફિલ્મોના દશક કે જે તે સમયે થયેલી રિલીઝ ડેટને ધ્યાનમાં રાખીને પણ તે વિશેની સ્ટોરી પોતાના સોશિયલ મીડિયા પેજ પર ઉત્સાહભેર શેર કરતા રહે છે. નોંધનીય છે કે, જેકી શ્રોફ પાસે પાઇપલાઈનમાં બોલિવૂડ પ્લસ સાઉથની ફિલ્મો છે અને આજે પણ તેમનું ફેન ફોલોઇંગ જબરદસ્ત છે.  

64 વર્ષે પણ અનિતા રાજ પોતાની બોડી મેઇન્ટેઇન રાખે છે

બોલિવૂડમાં 80ના દશકમાં અનિતા રાજની બોલબાલા હતી. બોલિવૂડમાં તે સમયે તેમની જોડી ધર્મેન્દ્ર સાથે જામતી હતી અને તે સમયે બંનેના અફેરની ચર્ચા પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ચાલતી હતી. આશ્ચર્યની વાત એ હતી કે અનિતા રાજ ધર્મેન્દ્ર કરતા અંદાજિત 27 વર્ષ નાની હતી. તેમ છતાં તેમની ફિલ્મો બોક્સ ઓફિસ બ્રેક કરતી હતી. આજે પણ તે સમયની ક્વીન એક્ટ્રેસ અનિતા રાજ ચર્ચામાં છે, પરંતુ તે કોઇ ફિલ્મને લઇને નહીં, પરંતુ પોતાની પરફેક્ટ ફિટનેસને લીધે તેઓ ચર્ચામાં છે. અનિતા રાજે 64 વર્ષે પણ પોતાની બોડી પરફેક્ટલી શેપમાં મેઇન્ટેઇન રાખ્યું છે. નોંધનીય છે કે, ભલે અત્યારે શિલ્પા શેટ્ટી કે મલાઇકા અરોરાના ફિટનેસ વીડિયો વાઇરલ થતા હોય છે, પરંતુ આ બંને એક્ટ્રેસીસ પહેલાં અનિતા રાજ પોતાની ફિટનેસને લઇને તે સમયના અખબાર અને મેગેઝિનમાં લાઇમલાઇટમાં રહ્યાં કરતાં હતાં. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો