ઇન્સાન, બ્લેકમેલ, ઝમીર, ટેંગો ચાર્લી, કાલ, મૈં ઐસા હીં હૂ, શિખર અને અપહરણ! આ અજય દેવગનની 2005ના વર્ષમાં બેક ટુ બેક રિલીઝ થયેલી ફ્લોપ ફિલ્મોની યાદી છે. અપહરણ ડિઝાસ્ટર ગ્રેડની ન હતી, પણ બોક્સઓફિસ પર પાવરફુલ સાબિત નહોતી થઈ. એ પહેલાં પણ 2003ના વર્ષમાં ગંગાજલ મોટી હિટ કહી શકાય. અજય દેવગન માટે કપરો કાળ ચાલી રહ્યો હતો. 2003માં તો તેના ભાઈબંધ રોહિત શેટ્ટી સાથે જમીન ફિલ્મમાં કામ કર્યું હતું, પણ સફળતા મળી ન હતી. અજય દેવગનની આઉટ ઓફ ટ્રેક થયેલી ફિલ્મોગ્રાફીમાં ખિલખિલાટ ગોલમાલ ફિલ્મથી પાછો આવ્યો એમ કહી શકાય. રોહિત શેટ્ટીએ મલયાલમ ફિલ્મ કક્કાકુયિલ પરથી આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મથી અજય દેવગન સાથે રિમેકનો ટ્રેન્ડ સેટ થવા લાગ્યો. રિમેક શબ્દ હંમેશાં સફળતાની ખાતરી આપતો નથી. ઓવરઓલ રિમેક ટ્રેન્ડમાં સક્સેસ કરતાં ફ્લોપનો સરવાળો મોટો છે.

પણ અજય દેવગનના ભાગ્યમાં રિમેકથી સફળતા લખાયેલી જોવા મળી. ગોલમાલ પછી તો રોહિત શેટ્ટી સાથે અજય દેવગનની સૌથી મોટી બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈઝી ગોલમાલ બની. અજય દેવગનની કોમિક હીરો કરતાં એક્શન હીરોની ઈમેજ વ્યાપક હતી. અજય દેવગન માટે ગોલમાલ અને કોમેડી સિમ્બોલ બની ગયો. 2010ના વર્ષમાં આવેલી વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈને બાદ કરતાં બીજી ફિલ્મોને ધારી સફળતા ન મળી. ગોલમાલની સીરિઝના ક્રિએટરો એટલે કે રોહિત શેટ્ટી અને અજય દેવગને પ્રયોગ રિમેકનો જ કર્યો, પણ એક્શન ટ્રેકમાં જવાનું નક્કી કર્યું. 2011માં સિલ્વર સ્ક્રીન પર બાજીરાવ સિંઘમની એન્ટ્રી થઈ અને થિયેટરોમાં બાકાયદા સિસોટીઓ વાગવા લાગી હતી. એ વખતે હજુ સિંગલ સ્ક્રીન થિયેટરો પ્રમાણમાં ચાલતાં હતાં. સિંગલ સ્ક્રીનથી મલ્ટિપ્લેક્સમાં અજયનો વટ પડી ગયો. વન્સ અગેઈન અજયને સક્સેસનો ટ્રેક રિમેકથી જ મળ્યો. રોહિત શેટ્ટી સાથે આ ફિલ્મ પણ ફ્રેન્ચાઈઝી સીરિઝ બની.   

ગોલમાલ અને સિંઘમ અજય દેવગન અને રોહિત શેટ્ટી માટે વરદાન સમાન સાબિત થયેલી ફિલ્મો છે. સિંઘમમાંથી તો પછી રોહિત શેટ્ટીએ પોલિસફોર્સ સાથેની કોપ યુનિવર્સ ફિલ્મનો નવો ચીલો ચાતર્યો. અજય દેવગને રિમેક ફિલ્મોને પોતાની સૌથી મોટી તાકાત બનાવી. અજયની ફિલ્મો સો બસ્સો કરોડનો વકરો કરવા લાગી. બોક્સઓફિસ પર તેનો પાવર ઈન્ડેક્સ જાળવી રાખ્યો. આ બંને ફિલ્મોની વચ્ચે અજય દેવગનની સૌથી મોટી તાકાત દૃશ્યમ ફિલ્મ બની.   

અજય દેવગનના કરિયરની સૌથી મોટી હિટ ફ્રેન્ચાઈઝી દૃશ્યમ ફિલ્મની સીરિઝ છે. બાજીરાવ સિંઘમની જેમ વિજય સાલગાંવકરનું કેરેક્ટર સ્ક્રીન પર સોલિડ હિટ થયુ. એ દૃશ્યમ ફિલ્મનો ત્રીજો ભાગ રિલીઝ થતાંની સાથે જ અજય દેવગનના કરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની. અજય દેવગનની ઘણી ફિલ્મોનું લાઈફટાઈમ કલેક્શન માંડ 60 કરોડ જેવું થતું હોય છે, ત્યારે આ ફિલ્મનું ફર્સ્ટ ડે ક્લેકશન 65 કરોડ રૂપિયા જેવું થયું! દૃશ્યમ એ અજય દેવગનની ઓરિજનલ સ્ટાઈલ ફિલ્મ છે. રિમેક છે પણ એ અજયના કિરદારમાં પરફેક્ટ ફિટ થતી કથા છે. મલયાલમ દિગ્દર્શક જીતુ જોસેફની મલયાલમ ફિલ્મ દૃશ્યમથી અજયની આ કથા 2015ના વર્ષમાં શરૂ થઈ હતી અને દસ વર્ષ પછી પણ એટલી જ હિટ છે. મલયાલમ ફિલ્મમાં મોહનલાલ ફિલ્મના નાયક છે અને મલયાલમ સિનેમાની પણ ગ્રેટેસ્ટ ક્રાઈમ થ્રિલર ફિલ્મમાં નામ આવે છે. હિન્દીમાં આ ફિલ્મના દિગ્દર્શક તરીકેની કમાન નિશિકાંત કામતે સંભાળી હતી, પણ હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા. નિશિકાંત કામતની ગેરહાજરીમાં અભિષેક પાઠકને કમાન સોંપવામાં આવી હતી અને પાર્ટ ટુ પણ બ્લોકબસ્ટર હિટ રહ્યો હતો. 2 ઓક્ટોબરે અમે પણજી ગયા હતા, સત્સંગ સાંભળ્યો અને પાઉંભાજી ખાધી'વાળો અલીબાઈ પ્લોટ એટલો આઇકોનિક બની ગયો કે દર વર્ષે ગાંધી જયંતી પર સોશિયલ મીડિયા પર તેના મીમ્સનું પૂર આવે છે. આ વખતે પણ આવ્યું જ હતું. યોગાનુયોગ જુઓ કે બે ઓક્ટોબર વળી ફિલ્મી ફ્રાઈડે હતો અને અજયની દૃશ્યમ 3 રિલીઝ થઈ.   

વિવેચકોએ શબ્દોથી આ ફિલ્મને પોંખી છે, તો દર્શકોએ બોક્સઓફિસ પર ધનવર્ષા કરી દીધી છે. આ વર્ષની બિગેસ્ટ બ્લોકબસ્ટર કેટેગરીની ફિલ્મમાં દૃશ્યમ 3નું નામ ટોપ પર રહેશે. જોકે, અજયનો જૂનો રેકોર્ડ આ ફિલ્મ તોડી નાખે એવી પૂરી શક્યતા છે. અજય દેવગનની ફિલ્મી કરિયરમાં છેલ્લા બે દાયકાનો સરવાળો કરો તો તેની સફળતામાં રોહિત શેટ્ટી અને રિમેક સૌથી મોટી ગેરંટી બની છે. અજય દેવગને માત્ર દક્ષિણ પ્રાંતની જ ફિલ્મોની રિમેક નથી કરી, આપણી ગુજરાતી ફિલ્મ વશ પરથી શેતાનની રિમેક પણ બનાવી છે. શેતાન પણ બોક્સઓફિસ હિટ હતી.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો