વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુરની રોમેન્ટિક કોમેડી ફિલ્મ હૈ જવાની તો ઈશ્ક હોના હૈનો બોક્સઓફિસ પર પાવરપંચ ન વાગ્યો. મંદ પડેલા બોક્સઓફિસ કાઉન્ટડાઉન મીટરને ધમધમતુ કરવાનું કામ આ ફિલ્મે કર્યું, પણ રોમેન્ટિક કોમેડી જોઈએ એવી હિટ ન નીવડી. જૂન મહિનામાં તો પાર વગરની ફિલ્મો આવી અને દર્શકોએ પણ દરેક ફિલ્મને ટોળાનો ભાગ સમજીને અવગણી હોઈ એવો બોક્સઓફિસ રિપોર્ટ જનરેટ થયો છે. જૂન મહિનામાં શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને ક્રિતિ સેનનની કોકટેલ 2 જેવી રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મને જોનારાએ આવકારી અને વળી સો કરોડની સદી ફટકારવામાં સફળ રહી. એટલે સફળતાનો સંતોષ માનવો હોય તો કોકટેલ 2 ફિલ્મથી ફિલ્મજગત માણી શકે છે. કોકટેલ 2 શાહિદ કપૂર માટે પણ લોટરી સાબિત થઈ. રશ્મિકા પાસે તો હિન્દી જેટલી જ તકો તેલુગુ ઈડસ્ટ્રીમાં છે અને તેના નામનો ત્યાં ડંકો પણ વાગે છે. ક્રિતિ સેનનનું બોક્સઓફિસ પર્ફોર્મન્સ પણ પાવરપેક થતું જાય છે. 2024થી ક્રિતિનું ગુડલક શરૂ થઈ ગયું છે.
કોકટેલ 2 કરતાં બોક્સઓફિસ પર સૌથી વધુ કમાણીની ધારણા અક્ષય કુમારની મલ્ટિસ્ટારર કોમેડી એડવેન્ચર વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ માટે કરવામાં આવી હતી. ભૂત બંગલાની સક્સેસ પછી અક્કીની ચાર્મ ચમકશે એવો આશાવાદ જાગ્યો હતો. ત્રણ ડઝનથી વધુ કલાકારોના મેળાવડાવાળી આ ફિલ્મને સો કરોડે પહોંચતાં ફીણ આવી ગયાં. ડિરેક્ટર અનીઝ બઝમીએ વેલકમ સીરિઝનો ફર્સ્ટ પાર્ટ 2007માં બનાવ્યો હતો અને સોલિડ હિટ થયો હતો. એ વખતના અનીઝ બઝમી અને પ્રિયદર્શનની કોમેડીના દર્શકો આશિક હતા અને આ બંને પાસે ગૂંચવણ ઊભી કરીને દર્શકોને હસાવી હસાવીને લોથપોથ કરી દેવાનું કૌવત પણ જબરૂ છે, પરંતુ વેલકમ ટુ ધ જંગલનું ડિરેક્શન અહમદ ખાને કર્યું અને દાટ વાળી દીધો. કોમેડીના નામે કાળો કેર વર્તાવ્યો એમ કહીએ તો પણ ખોટું નથી. કોરિયોગ્રાફર તરીકે અહમદ ખાનનું નામ વજનવાળું, પણ કેમેરા પાછળ ડિરેક્ટર બનીને તેમણે નિર્માતાઓને ખોટમાં ઉતારવાનો ધંધો વધુ કર્યો છે. વેલકમ ટુ ધ જંગલની નિષ્ફળતા કલાકારો કરતાં ડિરેક્ટરના ખાતામાં વધુ જાય છે. પરેશ રાવલ, રાજપાલ યાદવ, અરશદ વારસી, જ્હોની લીવર જેવા કોમેડી કોમ્બિનેશન એકસાથે હોય. કોમેડીમાં માસ્ટરી હોય એવા સ્ટાર કલાકારો હોય અને સ્ક્રીન પ્લેમાં ગોથા મારો તો એ નિષ્ફળતા માત્ર ને માત્ર ડિરેક્ટરના ખાતામાં જ જાય. વેલકમ ટુ ધ જંગલ એવી એડવેન્ચર કોમેડી ફિલ્મ સાબિત થઈ કે એમાં કોઈ કોમિક રાઈડ જ ન હતી.
