બોલિવૂડ અને ભારતીય સિનેમાની એક બહુ મોટી કરુણતા છે. તેમને ભારેખમ અને વજનદાર શબ્દો બહુ ગમે છે, પણ એ શબ્દોનું વજન ઝીલવાની તેમની કોઈ તૈયારી હોતી નથી. તાજેતરમાં જ આલિયા ભટ્ટની એક ફિલ્મ આવી છે: `અલ્ફા'. ફિલ્મ જોયા પછી પહેલો વિચાર એ આવે કે ભાઈ, આમાં `અલ્ફા' જેવું હતું શું? માત્ર કાળાં ચશ્માં પહેરી લેવાથી, સ્લો-મોશનમાં ચાલવાથી કે બે-ચાર ગુંડાઓને હવામાં ઉલાળી દેવાથી કોઈ `અલ્ફા' નથી બની જતું. `અલ્ફા' એટલે કોઈ જાસૂસી કે એક્શનનો ફેક `સ્વેગ' કે પીઆર એજન્સીઓએ ઊભો કરેલો ભ્રમ નથી. જીવવિજ્ઞાન અને મનોવિજ્ઞાનમાં `અલ્ફા'નો અર્થ થાય છે - આખા ઝુંડનો સૌથી શક્તિશાળી, સૌથી જવાબદાર અને ક્યારેય હાર ન માનનારો જીવ! જો બોલિવૂડની આ `પ્લાસ્ટિક અલ્ફા'ની દુનિયાથી કંટાળી ગયા હોવ, તો ચાલો આજે સિનેમાના ચોપડે નોંધાયેલા એક અસલી `અલ્ફા'ની વાત કરીએ, જેની રો, ઓરિજિનલ અને અદ્ભુત વાર્તા હોલિવૂડે 2018માં કહી હતી.  

 ડિરેક્ટર આલ્બર્ટ હ્યુજીસની આ 2018ની ફિલ્મ `અલ્ફા' વિશે થોડાં વર્ષો પહેલાં આ જ કોલમમાં લખ્યું હતું, પણ આજે આધુનિક ફિલ્મોના છીછરાપણાને જોતાં આ ફિલ્મને એક સાવ અલગ દૃષ્ટિકોણથી મૂલવવાની જરૂર છે. આલિયા ભટ્ટની `અલ્ફા'માં જ્યાં માત્ર ગ્લેમર અને બિનજરૂરી હીરોગીરી છે, ત્યાં 2018ની `અલ્ફા'માં માત્ર ધૂળ, લોહી, બરફ અને મોતનો ડર છે. વાર્તા 20,000 વર્ષ પહેલાંના હિમયુગની છે. આદિમાનવોના એક કબીલાના સરદારનો દીકરો - કેદા પહેલીવાર શિકાર કરવા જાય છે અને બાયસન (જંગલી ગોધા)ના હુમલામાં ઊંડી ખીણમાં પટકાઈને બેભાન થઈ જાય છે. તેનો કબીલો તેને મરેલો માનીને જતો રહે છે.  

 ખરી વાર્તા અને અસલી `અલ્ફા' બનવાની પ્રક્રિયા અહીંથી શરૂ થાય છે. અસલી `અલ્ફા' કોઈ ડિઝાઇનર કપડાં પહેરીને નથી જન્મતો. જ્યારે કુદરત તમને મરવા માટે એકલા છોડી દે અને તમે મોતની આંખમાં આંખ નાખીને કહો કે, `હું હજુ જીવતો છું અને હું લડીશ', ત્યારે `અલ્ફા'નું સર્જન થાય છે. પગે ફ્રેક્ચર થયેલા અને ભૂખ્યા-તરસ્યા કેદા પર વરુઓનું એક ઝુંડ હુમલો કરે છે. કેદા પોતાના બચાવમાં એક વરુને ઘાયલ કરે છે. બાકીના વરુઓ ડરીને ભાગી જાય છે. હવે એક ઘાયલ માણસ અને એક ઘાયલ જંગલી વરુ આમનેસામને છે.  

 આલિયા ભટ્ટની ફિલ્મની જેમ અહીં કોઈ રેડીમેઇડ તાકાત કે `સ્ટારડમ' નથી. અહીં તાકાત કમાવવી પડે છે. કેદા એ વરુને મારવાને બદલે તેને પોતાની ગુફામાં લઈ જાય છે અને તેની સારવાર કરે છે. એ જંગલી વરુ ખરેખર પોતાના ઝુંડનું `અલ્ફા' (લીડર) હોય છે! આ ફિલ્મ આપણને શીખવે છે કે `અલ્ફા' હોવાનો અર્થ અન્ય પર સત્તા જમાવવી કે ક્રૂરતા આચરવી એવો નથી થતો. `અલ્ફા' હોવું એટલે સૌથી વિષમ પરિસ્થિતિઓમાં પણ ટકી રહેવું અર્થાત્ સર્વાઇવલ. બરફનાં ભયાનક તોફાનો વચ્ચે એક માણસ અને એક જાનવર જ્યારે એકબીજા પર વિશ્વાસ મૂકીને હૂંફ આપે છે, ત્યારે બંને એકબીજામાં રહેલા `અલ્ફા'ને ઓળખે છે. પેલા જંગલી વરુ (જેનું નામ કેદા `અલ્ફા' રાખે છે) પાસે કશું બોલ્યા વિના સ્ક્રીન પર જે ઓરા અને દબદબો છે, તેવો હિન્દી ફિલ્મોમાં જોવા નહિ મળે.   

 આલિયાની `અલ્ફા' તમને એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે હીરો બધું જ કરી શકે છે. જ્યારે 2018ની `અલ્ફા' આપણને એ વાસ્તવિકતાનો અરીસો બતાવે છે કે માણસ એકલો સાવ લાચાર છે. જો આપણે વસુંધરા પર રહેલા અન્ય જીવો સાથે તાદાત્મ્ય ન સાધ્યું હોત, જો એક આદિમાનવે એક જંગલી પ્રાણીને પોતાનો દોસ્ત ન બનાવ્યો હોત, તો માનવજાત ઉત્ક્રાંતિની આ મંજિલ સુધી પહોંચી જ ન શકી હોત. સિનેમેટિક દૃષ્ટિએ 2018ની `અલ્ફા' એક માસ્ટરપીસ છે. તેમાં આખા પિક્ચરમાં અંગ્રેજીનો એક શબ્દ નથી, કારણ કે 20,000 વર્ષ પહેલાં માણસ અંગ્રેજી નહોતો બોલતો! ડિરેક્ટરે ભાષાશાસ્ત્રીઓ પાસે એક નવી જ આદિવાસી ભાષા તૈયાર કરાવી હતી. આને કહેવાય સિનેમા પ્રત્યેની પ્રામાણિકતા અને પોતાના ટાઇટલ પ્રત્યેનો ન્યાય.  

 ટૂંકમાં, જો માત્ર નામની અને પીઆર સ્ટંટવાળી `અલ્ફા' જોવી હોય તો અત્યારે થિયેટરમાં જોઈ શકાય છે, પણ જો અસ્તિત્વ, સંબંધ અને નૈસર્ગિક તાકાતનું એ જબરદસ્ત સિનેમેટિક રૂપ જોવું હોય, જેમાં કોઈ જ દંભ નથી, તો 2018ની `અલ્ફા' ફરીથી એકવાર જોઈ લેજો. ફિલ્મનું શીર્ષક કેવી રીતે સાર્થક કરાય, તે બોલિવૂડે હોલિવૂડના એ વરુ પાસેથી શીખવા જેવું છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો