દુનિયાભરની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક સમયથી કોરિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી સૌથી આગળ નીકળી રહી છે. અલબત્ત, કોરિયન ફિલ્મ, વેબ સીરિઝ કે ડોક્યુમેન્ટરી જોનારો વિશેષ બહોળો વર્ગ ઊભો થયો છે. આ બધા વચ્ચે એક્ટ્રેસ અનુષ્કા સેન પહેલી એવી ઈન્ડિયન એક્ટ્રેસ છે, જે કોરિયન ફિલ્મમાં સ્ક્રીન શેર કરવાની છે. 23 વર્ષીય અનુષ્કા મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ `જેજૂ ઓલે'માં લીડ રોલમાં છે. આ ફિલ્મ ઈન્ડિયા અને સાઉથ કોરિયાની વચ્ચે એક સાંસ્કૃતિક સહયોગ છે. આ ફિલ્મમાં અનુષ્કાએ અલીશા નામની ભૂમિકા ભજવી છે, જે પોતાની બહેનના ગુમ થયાના સદમામાંથી બહાર આવવાની કોશિશ કરે છે. આ દરમિયાન તે સાઉથ કોરિયાના જેજૂ નામના આઇલેન્ડ પર પહોંચી જાય છે. આગળ જતાં તે સિંગર-સોન્ગ રાઇટર સુનવુના સંપર્કમાં આવે છે અને આ સંપર્ક આગળ જતાં ગાઢ સંબંધમાં ફેરવાય છે. અનુષ્કાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મને સાઉથ કોરિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની ખૂબ જ મજા આવી હતી.
ટોમ ક્રૂઝ આગામી ફિલ્મ `ડિગર'માં અલગ અવતારમાં જ જોવા મળશે
હોલિવૂડ હેન્ડસમ હંક સ્ટાર ટોમ ક્રૂઝ પોતાના એક્શન અવતારને ત્યજીને નવી જ ભૂમિકા કરવા જઇ રહ્યો છે. તે પોતાની આગામી ફિલ્મ `ડિગર'માં અલગ પ્રકારની જ ભૂમિકામાં જોવા મળવાનો છે. ગત સપ્તાહે જ ઓસ્કાર વિજેતા ફિલ્મમેકર એલેજાન્દ્રો ગોન્જાલેજ ઇનારિતુની નવી બ્લેક કોમેડી ફિલ્મ `ડિગર'થી જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. અલબત્ત, વોર્નર બ્રધર્સે ટોમ ક્રૂઝની શાનદાર-દમદાર કરિયરને એન્જોય કરતા વીડિયો પ્રસ્તુત કર્યા હતા, જે દરમિયાન ટોમ ક્રૂઝના ફેન્સને તેમનો નવો અવતાર જોવા મળ્યો હતો. જોકે, પ્રસ્તુત વીડિયોના ફૂટેજ ખૂબ જ નાના નાના જોવા મળ્યા હતા, પરંતુ તે દરમિયાન ફેન્સે ટોમ ક્રૂઝને `ડિગર રોકવેલ'ની ભૂમિકામાં સ્પષ્ટપણે દર્શાવ્યો હતો. વધુમાં ટોમ ક્રૂઝે પણ પોતાના સોશિયલ મીડિયા પેજ પર જણાવ્યું હતું કે, `છેલ્લાં 46 વર્ષથી આપ સૌ માટે સ્ટોરી અને ફિલ્મો બનાવવા માટે તેમજ અગણિત ટેલેન્ટેડ કલાકારો સાથે કામ કરવું મારા માટે સૌભાગ્યની વાત છે. આપ સૌને મળવા બેતાબ છું, ડિગર ઓક્ટોબરમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.'
ઓસ્કાર નોમિનેટેડ એન બ્લિથનું જૈફ વયે નિધન
થોડા દિવસ પહેલાં જ હોલિવૂડમાંથી દુઃખદ સમાચાર આવ્યા હતા. જેમાં લોકપ્રિય એક્ટ્રેસ એન બ્લિથનું 95 વર્ષની જૈફ વયે આકસ્મિક નિધન થયું હતું. તેમના નિધનથી સમગ્ર હોલિવૂડ ગમગીન છે. તેમના સાથી મિત્રોએ સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવીને તેમને યાદ કર્યાં હતાં. તો તેમના અન્ય કેટલાક સાથીએ તેમની સાથે વિતાવેલી પળોને પણ વાગોળી હતી. વર્ષ 1945માં ફિલ્મ `મિલડર્ડ પિયર્સડ' આવી હતી. આ ફિલ્મે તે સમયે બોક્સઓફિસ બ્રેક કરી હતી. અલબત્ત, આ ફિલ્મમાં એન બ્લિથે `વેદા' નામની પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા માટે જ તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે ઓસ્કારમાં નોમિનેશન મળ્યું હતું. નોંધનીય છે કે, એન બ્લિથની કરિયર ખૂબ જ શાનદાર રહી હતી. તેમણે પોતાની કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. તેમણે અત્યાર સુધી ફિલ્મો ઉપરાંત મ્યુઝિકલ્સ આલ્બમ, ટીવી, રેડિયો ઉપરાંત ઓપેરામાં પણ કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, એન બ્લિથને હોલિવૂડ તેમના શાનદાર અભિનય, મ્યુઝિક અને લાંબી કરિયર માટે હંમેશાં યાદ રાખશે. હોલિવૂડમાં તેમણે પોતાની જે ઉમદા છાપ છોડી છે તે અવિસ્મરણીય છે.
સુપર મોડલ ગીગી હદીદની માતા યોલાન્ડાએ 62 વર્ષે સગાઈ કરી
સુપર મોડલ ગીગી હદીદ પ્લસ કેમિયો એક્ટ્રેસ અને તેમની માતા યોલાન્ડા અત્યારે એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત ચર્ચામાં છે, કારણ કે યોલાન્ડાએ 62 વર્ષની વયે સગાઇ કરી છે અને તેઓ ત્રીજી વાર પોતાનું ઘર વસાવવા જઇ રહ્યાં છે. નોંધનીય છે કે, યોલાન્ડા પણ એક સમયના સુપર મોડલ હતાં અને તેઓ તેમના યંગ એજમાં પણ સતત ચર્ચામાં રહેતાં હતાં. જોકે, આજે પણ તેઓ છાસવારે કોઇને કોઇ રીતે સોશિયલ મીડિયામાં છવાયેલા તો રહે જ છે. નોંધનીય છે કે, અત્યાર સુધી યોલાન્ડાએ તેમના સંબંધને ગુપ્ત રાખ્યો હતો, પરંતુ હવે તેમની સગાઇએ વિશેષ જોર પકડ્યું છે. યોલાન્ડાએ બિઝનેસમેન રેન્ડી કેન્ડ્રિક સાથે સગાઇ કરી લીધી છે. આ પહેલાં તેમણે જોસેફ જિંગોલી સાથે સગાઇ કરી હતી, જે થોડા સમય બાદ જ તૂટી ગઇ હતી. એક રીતે રેન્ડી કેન્ડ્રિક યોલાન્ડા હદીદના ચોથા પાર્ટનર છે. એ પહેલાં તેમનું નામ જોસેફ જિંગોલી, મોહમ્મદ હદીદી તેમજ પ્રોડ્યૂસર ડેવિડ ફોસ્ટર સાથે જોડાયેલું હતું. અલબત્ત, યોલાન્ડા તેમના સંબંધોમાં ક્યારેય સ્થિર રહી શક્યાં નથી. હવે આ સંબંધ સ્થિર રહેશે કે કેમ જોવું રહ્યું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો