હમણાં થોડા દિવસો પહેલાં જ બોલિવૂડના સૌથી સાદગીપૂર્ણ અને સહજ અભિનેતા પંકજ ત્રિપાઠીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. ગામડાની માટીની સુગંધ, સંઘર્ષની તપશ અને વર્તનમાં અદભુત સાદગી. આ ત્રણ બાબતો પંકજ ત્રિપાઠીના વ્યક્તિત્વની સાચી ઓળખ છે. એક સાધારણ ખેડૂતના દીકરા તરીકે ખેતરથી હોટલના રસોડા સુધી અને ત્યાંથી થિયેટર થઈને રૂપેરી પડદા સુધીની તેમની સફર જરાય સરળ નહોતી. પોતાની અથાક મહેનત અને અડગ હિંમતના જોરે તેમણે આજે એ મુકામ હાંસલ કર્યો છે, જ્યાં સમગ્ર હિન્દી સિનેમા તેમને સૌથી ભરોસાપાત્ર અને સંવેદનશીલ અભિનેતા તરીકે જુએ છે.
પંકજ ત્રિપાઠીનો જન્મ બિહારના ગોપાલગંજ જિલ્લાના બેલસંડ ગામમાં થયો હતો. ખેતીવાડી અને સીધા-સાદા ગ્રામીણ વાતાવરણ વચ્ચે વીતેલા બાળપણના કારણે તેઓ હંમેશા જમીન સાથે જોડાયેલા રહ્યા. બાળપણમાં તેઓ ગામની છોકરીઓને પ્રભાવિત કરવા સાઇકલ પર જાતજાતના સ્ટંટ પણ કરતા, કારણ કે ગામનો એક છોકરો આવા સ્ટંટ કરીને ખૂબ લોકપ્રિય હતો. શાળાના દિવસોમાં તેમણે નાટકોમાં નાની-મોટી ભૂમિકાઓ ભજવી ખરી, પરંતુ અભિનયને કારકિર્દી બનાવવાનો વિચાર ત્યારે મનમાં નહોતો.
તેમના જીવનનો સૌથી મોટો વળાંક ધોરણ 12 દરમિયાન આવ્યો, જ્યારે તેમણે `અંધા કૂવાં' નામનું એક નાટક જોયું. મંચ પર કલાકારના જીવંત અભિનયે પંકજના હૃદયમાં એક નવી આગ પ્રગટાવી દીધી. તેઓ પટનામાં થિયેટર જોવા માટે સાઇકલ પર લાંબુ અંતર કાપતા અને ધીમે-ધીમે પોતે રંગમંચ સાથે જોડાઈ ગયા. કોલેજકાળ દરમિયાન તેઓ વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય બન્યા અને એક આંદોલનમાં જેલ પણ જવું પડ્યું. જેલની એકલતામાં વિતાવેલા એ સાત દિવસોએ તેમની જિંદગીની દિશા બદલી નાખી; ત્યાં જ તેમને સમજાયું કે તેમનો સાચો પ્રેમ અભિનય અને
સાહિત્ય છે.
પટનામાં રહીને તેમણે ગુજરાન ચલાવવા રાત્રે એક હોટલના રસોડામાં નોકરી કરી અને દિવસે થિયેટરનું રિહર્સલ કરતા. ઓછી ઊંઘ અને સતત પરિશ્રમે તેમના મનોબળને વધુ મજબૂત બનાવ્યું. જ્યારે તેમને ખબર પડી કે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD)માં પ્રવેશ માટે ગ્રેજ્યુએશન જરૂરી છે, ત્યારે તેમણે હિન્દી સાહિત્યમાં અભ્યાસ પૂરો કર્યો અને આખરે ત્રીજા પ્રયાસે NSDમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા.
વર્ષ 2004માં પંકજ ત્રિપાઠી સપનાની નગરી મુંબઈ પહોંચ્યા. ખિસ્સામાં માત્ર 46,000 રૂપિયા હતા અને આંખોમાં મોટા સપના. ધીમે-ધીમે પૈસા ખૂટવા લાગ્યા અને એક કડકડતી ઠંડીની ડિસેમ્બરમાં એવી સ્થિતિ આવી કે ખિસ્સામાં માત્ર 10 રૂપિયા વધ્યા હતા. એ દિવસે તેમની પત્નીનો જન્મદિવસ હતો, છતાં તેઓ કેક કે નાની ભેટ પણ ખરીદી શક્યા નહોતા. શરૂઆતના 10 વર્ષ મુંબઈમાં તેમણે માત્ર પેટ ભરવા માટે નાની-નાની ભૂમિકાઓ કરીને કાઢ્યા.
પંકજ ત્રિપાઠીએ પોતાની અટક બદલવા પાછળનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. અગાઉ તેમનું સાચું નામ `પંકજ તિવારી' હતું. 10મા ધોરણનું એડમિટ કાર્ડ ભરતી વખતે તેમણે જોયું કે તેમના કાકા, જેઓ `ત્રિપાઠી' લખતા હતા, તેઓ ભારત સરકારમાં મોટા અધિકારી બની ગયા અને અન્ય એક ત્રિપાઠી પ્રોફેસર બન્યા. તેમને લાગ્યું કે અટક બદલવાથી સફળતા મળે છે, જ્યારે તિવારી અટકવાળા માત્ર ખેતી કે પૂજા-પાઠ કરે છે. પોતે ખેડૂત કે પૂજારી નહોતા બનવું એટલે તેમણે ફોર્મમાં પોતાની અને પિતાની અટક `ત્રિપાઠી' કરી દીધી, જેથી ફોર્મ રદ ન થાય.
અંતે વર્ષ 2012માં અનુરાગ કશ્યપની ફિલ્મ `ગેંગ્સ ઓફ વાસેપુર' થી તેમનું નસીબ પલટાયું. સુલતાન કુરેશીના પાત્રે તેમને બોલિવૂડમાં કાયમી ઓળખ અપાવી. મુખ્ય અભિનેતા તરીકે તેમની પહેલી ફિલ્મ `ગુડગાંવ' (2017) હતી. ત્યારબાદ `ફુકરે', `બરેલી કી બર્ફી' , `નિલ બટ્ટે સન્નાટા' , `સ્ત્રી' અને `ન્યૂટન' (જેના માટે તેમને નેશનલ એવોર્ડ સ્પેશિયલ મેન્શન મળ્યો) જેવી ફિલ્મોથી તેમણે દર્શકોના દિલ જીતી લીધા.
વેબ સિરીઝ `મિર્ઝાપુર'ના `કાલીન ભૈયા' તરીકે તેઓ દેશના ખૂણે-ખૂણે પહોંચ્યા. તાજેતરમાં `મિર્ઝાપુર ધ મૂવી' અને `મેટ્રો ઇન દિનોં' જેવી ફિલ્મોમાં જોવા મળેલા પંકજ ત્રિપાઠી આજે એ સાબિત કરે છે કે જો સાચો સંઘર્ષ અને સમર્પણ હોય તો માટીમાંથી નીકળીને પણ આકાશ સર કરી શકાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો