ટીવી ઇન્ડસ્ટ્રીના ફેવરિટ અને ડેરડેવિલ એક્ટર અવિનાશ મિશ્રાએ `ખતરોં કે ખિલાડી 15'ની શાનદાર ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ રોમાંચક ગ્રાન્ડ ફિનાલેમાં અવિનાશ સાથે ઋત્વિક ધનજાની ફર્સ્ટ રનર-અપ અને ઓરી સેકન્ડ રનર-અપ રહ્યા હતા. ઋત્વિક જેવા મજબૂત દાવેદારને હરાવીને અવિનાશે 20 લાખ રૂપિયા, એક કાર અને યુરોપ ટ્રિપ પણ જીતી છે.
`ખતરોં કે ખિલાડી 15'ની સમગ્ર સીઝન દરમિયાન અવિનાશ મિશ્રાનું પ્રદર્શન સૌથી અલગ અને ઉત્કૃષ્ટ રહ્યું હતું. શોની શરૂઆતથી લઈને ગ્રાન્ડ ફિનાલે સુધી અવિનાશે દરેક સ્ટંટમાં પોતાની બહાદુરી અને માનસિક મજબૂતીનું પ્રદર્શન કર્યું. સૌથી ખાસ વાત એ હતી કે આ આખી સફરમાં તેણે એક પણ સ્ટંટ અબોટ (Abort) નહોતો કર્યો. પછી તે ઊંચાઈવાળા હવામાં લટકતા હેલિકોપ્ટર સ્ટંટ હોય, ભયાનક પ્રાણીઓ-જંતુઓ વચ્ચેના ટાસ્ક હોય કે અંડરવોટર પાણીની અંદરના પડકારો હોય તેણે દરેક ડરનો સામનો નીડરતાથી કર્યો અને સફળતાપૂર્વક પૂરો કર્યો.
અવિનાશના આ જુસ્સા, શિસ્ત અને ક્યારેય હાર ન માનવાના વલણે શોના હોસ્ટ અને બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર રોહિત શેટ્ટીનું દિલ પણ જીતી લીધું હતું. રોહિત શેટ્ટી દરેક એપિસોડમાં અવિનાશની ફોકસ રહેવાની ક્ષમતા અને સ્ટંટ કરવાની ટેક્નિકના ખુલ્લા મને વખાણ કરતા જોવા મળ્યા હતા. અંડરવોટર સ્ટંટમાં અનુભવી ખેલાડીઓને માત આપીને ફિનાલેની રેસમાં પહોંચવા બદલ પણ રોહિત શેટ્ટીએ અવિનાશની ઘણી પ્રશંસા કરી હતી.
પોતાની જીત બાદ અવિનાશે જણાવ્યું કે આ શો તેના માટે બીજા કોઈને સાબિત કરવા કરતાં, પોતાની જાત પરનો વિશ્વાસ વધારવાની એક અદ્ભુત સફર હતી. તેણે શો દરમિયાન એકવાર ખૂબ જ ભાવુક થઇને કહ્યું હતું કે મારો દેખાવ ચોકલેટી હોવાના કારણે મોટાભાગના શોમાં મને ચોકલેટી બોય છે તો દેખાવ માટે નાનો રોલ આપી દો એમ કરીને જ લેવામાં આવતો હતો. એકાદ બે મોટા રોલ સિવાય મને ખાસ નોંધપાત્ર રોલ મળ્યા નથી. હું છેલ્લાં દસ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું અને એ જ પ્રૂવ કરવા મથી રહ્યો છું કે હું પણ સારા રોલ કરી શકું છું. લોકો આઇ કેન્ડી તરીકે નહીં, પણ ખરેખર મારા ટેલેન્ટને જોઇને મને ચાન્સ આપે. જો મને મારા ટેલેન્ટ થકી ચાન્સ આપશે તો એમને ખબર પડશે કે હું સારો કલાકાર છું. આ વાત કહેતાં કહેતાં તે રડી પણ પડ્યો હતો. એક ચોકલેટી બોયથી લઈને સાચા `ખિલાડી' સુધીની અવિનાશની આ રોમાંચક જર્ની દર્શકો અને તેના ચાહકો માટે પણ ખૂબ જ પ્રેરણાદાયી રહી છે. દર્શકોએ આ શોમાં અવિનાશની બહાદુરીને ખૂબ વખાણી છે અને એ જ શોનો વિનર બને એવા સોશિયલ મીડિયા ઉપર ઓપિનિયન્સ પણ
આપ્યા હતા.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો