ફિલ્મ `ધુરંધર'ના સુપરહિટ આઇટમ નંબર `શરારત' અને `બિગ બોસ 17' ફેમ એક્ટ્રેસ આયશા ખાન પોતાની એક લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે ચર્ચામાં આવી છે. આયશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક રિંગ પહેરેલા હાથ સાથે તસવીર શેર કરી હતી, જેના પછી ફેન્સ અને નેટીઝન્સ એવો દાવો કરવા લાગ્યા કે તેણે ચૂપચાપ સગાઈ કરી લીધી છે. આ પોસ્ટ વાઇરલ થતાં જ સોશિયલ મીડિયા પર ફેન્સે `બિગ બોસ' ફેમ મુનવ્વર ફારુકીનું નામ પણ ટેગ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, આ સગાઈના સમાચાર પાછળનું અસલી સત્ય કંઈક અલગ જ છે. વાસ્તવમાં આ પોસ્ટ કોઈ રિયલ લાઈફ સગાઈની નથી, પરંતુ એક બ્રાન્ડ પ્રમોશન અથવા શૂટિંગનો ભાગ છે. આયશાએ માત્ર જ્વેલરી બ્રાન્ડ કે કમર્શિયલ પ્રોજેક્ટના પ્રમોશન માટે આ વીંટી પહેરીને ફોટો શૂટ કરાવ્યું હતું.
મિની માથુરે પ્રેગ્નન્સીને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો
ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી હોસ્ટ મિની માથુરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાની કરિયર અને પ્રેગ્નન્સી દરમિયાન સામનો કરેલા પડકારો વિશે આઘાતજનક ખુલાસો કર્યો છે. મિનીએ જણાવ્યું કે જ્યારે તે ગર્ભવતી હતી, ત્યારે તેની પાસેથી ઘણા મોટા શૉ અને પ્રોજેક્ટ્સ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. મિનીના જણાવ્યા અનુસાર, તે સમયે તેને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ભારતીય દર્શકો પડદા પર એક ગર્ભવતી સ્ત્રીને જોઈને અસહજ અનુભવે છે અને તેને સ્વીકારી શકશે નહીં. તેણે ખાસ કરીને એમટીવી અને લોકપ્રિય રિયાલિટી શૉ `ઇન્ડિયન આઇડલ' દરમિયાનના પોતાના અનુભવો શેર કર્યા. તે સમયે આ પ્રકારની વિચારસરણી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સામાન્ય હતી, જેના કારણે મહિલા કલાકારોને ગર્ભાવસ્થા દરમિયાન કામ આપવાનું ટાળવામાં આવતું હતું. આ પ્રકારના ભેદભાવ અને રૂઢિચુસ્ત માનસિકતાને કારણે તેને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું.
તારક મહેતા ફેમ એક્ટ્રેસે બોલ્ડ શૂટિંગ અંગે જણાવી હકીકત
`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અને `ગંદી બાત' જેવી સીરિઝથી ફેમસ થયેલી ટીવી અને એડલ્ટ સીરિઝ એક્ટ્રેસ નેહલ વડોલિયાએ એક પોડકાસ્ટમાં બોલ્ડ અને ઇન્ટિમેટ સીન્સના શૂટિંગ દરમિયાન થતી તકલીફો વિશે વાત કરી હતી. નેહલે જણાવ્યું કે લોકોને લાગે છે કે આવા સીન્સના શૂટિંગમાં કલાકારોને મજા આવતી હશે, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ છે. કલાકો સુધી એક જ સીન શૂટ કરવાના કારણે હોઠ પણ સૂજી જાય છે અને શરીર પર ઈજાનાં નિશાન પડી જાય છે. નોર્મલ ડાયલોગવાળા સીન્સ તો ગમે તેટલા રિટેકમાં કરી શકાય છે, પરંતુ ઇન્ટિમેટ સીન્સનું શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આવા સીન્સ માટે ચેનલ કે પ્રોડક્શન દ્વારા સમય નક્કી કરવામાં આવ્યો હોય છે, આ પ્રકારના સીન્સ શૂટ કરતી વખતે કોઈ પણ પ્રકારની ભાવના હોતી નથી, પરંતુ માત્ર ડાયરેક્શન મુજબ કામ કરવાનું હોય છે.
ઓડિશન આપવા ગયેલી અભિનેત્રી સાથે થઈ ગંદી હરકત
`કબૂલ હૈ' જેવા શોમાં નકારાત્મક ભૂમિકાઓ ભજવીને જાણીતી થયેલી ટીવી અભિનેત્રી આમ્રપાલી ગુપ્તાએ હાલમાં જ પોતાની સાથે બનેલી કાસ્ટિંગ કાઉચની એક ઘટનાનો ખુલાસો કર્યો છે. આમ્રપાલીએ જણાવ્યું કે જ્યારે તે મુંબઈ આવી ત્યારે સામાન્ય રીતે જ ઓડિશન આપવા જતી હતી. મિત્રોની સલાહ બાદ તે એક મ્યુઝિક વિડિયોના ઓડિશન માટે ગઈ હતી. ત્યાં એક ખૂબ જ નાનો રૂમ હતો. જ્યારે તે ઓડિશન માટે રૂમની અંદર ગઈ, ત્યારે એક વ્યક્તિએ અચાનક તેનો હાથ પકડી લીધો. આ અણધારી ઘટનાથી તે ખૂબ જ ડરી ગઈ હતી અને તેને સમજાતું નહોતું કે આવી સ્થિતિમાં શું કરવું?
ગભરાઈ ગયેલી આમ્રપાલી તરત જ ત્યાંથી ભાગી નીકળી અને બહાર ઊભેલા તેના મિત્રને ભેટીને રડી પડી હતી. તેણે ઉમેર્યું કે કરિયરના એ તબક્કામાં તેનો એક મિત્ર હંમેશા તેની સાથે ઓડિશનમાં જતો હતો. મિત્રની સાથે હોવાને કારણે જ તે શોષણ કે કાસ્ટિંગ કાઉચનો મોટો ભોગ બનવાથી બચી શકી હતી. આમ્રપાલીએ ટીવી એક્ટર યશ સિંહા સાથે લગ્ન કર્યાં છે.
10 વર્ષ પછી એક્ટરે ખરીદ્યું પોતાના સપનાનું ઘર, કહ્યું હવે ખુશ છું!
ટીવી એક્ટર અને `બિગ બોસ 18' ફેમ અવિનાશ મિશ્રાએ મુંબઈમાં પોતાના સપનાનું ઘર ખરીદી લીધું છે. અવિનાશે જણાવ્યું કે 10 વર્ષ રાહ જોયા પછી મુંબઈ જેવા શહેરમાં પોતાનું ઘર ખરીદવાનું તેનું સપનું પૂરું થયું છે. ફેન્સની માંગણી પર તેણે પોતાના નવા ઘરનો `હોમ ટૂર' વીડિયો શેર કરીને ઘરના ઇન્ટીરિયર અને સજાવટની ઝલક બતાવી હતી. અવિનાશનું આ નવું ઘર મોડર્ન હોવાની સાથે ખૂબ જ આરામદાયક છે અને કૂલ વાતાવરણ પૂરું પાડે છે. તેણે પોતાના આશિયાનાને જરૂરિયાત મુજબ સજાવ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આખા ઘરના ઇન્ટીરિયર માટે તેણે ઇન્ટરનેટ પરથી આઇડિયા લીધા છે. અવિનાશના જણાવ્યા મુજબ ઘર હજુ સંપૂર્ણ રીતે તૈયાર નથી થયું અને ટૂંક સમયમાં જ તે બાકીનું કામ પણ પૂરું કરી દેશે.
બાળકો માટે બોલ્ડ શૉ છોડ્યા, એક વર્ષથી બેરોજગાર છે અભિનેત્રી
અભિનેત્રી અશિતા ધવન, જેણે `સપના બબુલ કા... બિદાઈ' શૉથી ફેમ મેળવી હતી. જોકે, હાલમાં તે પોતાની કરિયરના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને છેલ્લા એક વર્ષથી તેની પાસે કોઈ કામ નથી. ઇન્ટરવ્યૂમાં અશિતાએ ખુલાસો કર્યો કે તે ઘણાં ઓડિશન આપી રહી છે, પરંતુ તેને સફળતા નથી મળી રહી. કેટલાક શૉ પ્રોજેક્ટ્સ તેને ઓફર થાય છે, પરંતુ તેમાં ખૂબ જ ઓછી ફી આપવાની વાત કરવામાં આવે છે. આ ઉપરાંત તેને બોલ્ડ અને અનકમ્ફર્ટેબલ દૃશ્યો ધરાવતી વાર્તાઓ પણ ઓફર થઈ હતી. શરૂઆતમાં તેને સ્વચ્છ વાર્તા બતાવવામાં આવી હતી, પણ પાછળથી બોલ્ડ સીન્સ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને ના પાડવા પર પ્રોડ્યૂસર પાસે જવાની ધમકી આપવામાં આવી હતી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો