`કાંતારા' ફેમ ઋષભ શેટ્ટી પોતાની આગામી બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ લઇને આવી રહ્યો છે. આ ફિલ્મનું નામ `છત્રપતિ શિવાજી મહારાજ' છે. આ ફિલ્મમાં ઋષભ શેટ્ટી છત્રપતિ શિવાજી મહારાજની મુખ્ય ભૂમિકા ભજવવાનો છે. વધુમાં આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડણેકરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં જ ફિલ્મમેકર્સે ભૂમિ પેડણેકર આ ફિલ્મનો મહત્ત્વનો ભાગ બનવાની છે તેમ જણાવ્યું હતું. ભૂમિ પેડણેકર ફિલ્મમાં વોરિયર ક્વીન બેલવાડી મલ્લમ્મા નામની ભૂમિકા ભજવવાની છે. નોંધનીય છે કે, મલ્લમ્મા એક નીડર યોદ્ધા રાણી હતી અને તેમની બહાદુરીના કિસ્સા ભારતભરમાં જાણીતા છે. અલબત્ત, બેલવાડી મલ્લમ્માએ દેશની પ્રથમ મહિલા સૈનિક ટુકડીની રચના પણ કરી હતી. ઇતિહાસના જણાવ્યા પ્રમાણે બેલવાડી મલ્લમ્માએ પોતાના ચાર મહિનાના બાળકને પોતાના ખોળામાં લઇને જ છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં યુદ્ધ લડી હતી.
રાજેશ ખન્નાનું મ્યુઝિયમ બનાવવાનું સપનું પૂરું ન થયું
એક સમયના બોલિવૂડના સુપર ડુપર સ્ટાર કહેવાતા કાકા એટલે કે રાજેશ ખન્નાનો ભારે દબદબો હતો. તેમની ડ્રેસિંગ સ્ટાઇલ પણ તે સમયે લોકો ઉત્સાહભેર અપનાવતા હતા. રાજેશ ખન્નાએ પોતાના સુવર્ણકાળમાં મુંબઇના બાન્દ્રાસ્થિત કાર્ટર રોડ પર `ડિમ્પલ' નામે એક બંગલો ખરીદ્યો હતો, જે એક સમયના સુપરસ્ટાર રાજેન્દ્ર કુમારનો બંગલો હતો. રાજેન્દ્ર કુમારે તે બંગલો વર્ષ 1960ના શરૂઆતના દશકમાં રૂપિયા 60થી 65000 હજારમાં ખરીદ્યો હતો. તેમણે તે સમયે તે બંગલાનુ નામ `ડિમ્પલ' પોતાની નવજાત દીકરી `ડિમ્પલ' પરથી રાખ્યું હતું. સંજોગવસાત્ રાજેન્દ્ર કુમાર જ્યારે આ બંગલો વેચવાના હતા ત્યારે રાજેશ ખન્નાએ વર્ષ 1969માં રૂપિયા 3.5 લાખમાં તે ખરીદી લીધો હતો. સમય જતાં રાજેશ ખન્ના આ બંગલાને પોતાના ચાહકો માટે ખાસ પ્રકારનું મ્યુઝિયમ બનાવવા માંગતા હતા જેમાં તેમની સંપૂર્ણ યાદો સમાયેલી હોય, પરંતુ તેમનું આ સપનું સાકાર ન થયું. અલબત્ત આ બંગલો રૂપિયા 90 કરોડમાં વેચી નાખવામાં આવ્યો અને તેને જમીનદોસ્ત પણ કરી દેવામાં આવ્યો!
રણબીર કપૂર ફિલ્મ `ધૂમ 4'માં રોલ નથી કરી રહ્યો!
છેલ્લાં ચારેક વર્ષથી રણબીર કપૂર ધૂમ ફ્રેન્ચાઇઝીની ફિલ્મ `ધૂમ 4' કરવાનો છે એવી વાત બોલિવૂડમાં ચાલી રહી હતી. અલબત્ત, જ્યારે રણબીર કપૂરની ફિલ્મ `એનિમલ' આવી હતી અને ત્યારે આ ફિલ્મ બોક્સઓફિસ બ્રેક કરનારી સાબિત થઇ હતી અને ફરીથી તે ધૂમ 4 કરવાનો છે તેવી અફવાએ જોર પકડ્યું હતું. વધુમાં એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આદિત્ય ચોપરાએ પણ જણાવ્યું હતું કે, ધૂમ 4 માટે રણબીર કપૂર પરફેક્ટ છે. જોકે, તેણે માત્ર પરફેક્ટ છે તેમ જ જણાવ્યું હતું, તેને `ધૂમ 4'માં રોલ કરવાનો છે એવું જણાવ્યું ન હતું. થોડા દિવસ પહેલાં જ રણબીર કપૂરે પોતાની આગામી ફિલ્મ `રામાયણ'ના પ્રમોશનમાં હતો તે સમયે મીડિયાને જણાવ્યું હતું કે, તે પોતે ધૂમ ફ્રેન્ચાઇઝીની ફિલ્મ ધૂમ 4 કરવાનો નથી, કારણ કે હજી તે ફિલ્મ `રામાયણ' તેમજ `લવ એન્ડ વોર' નામની પ્રણય ત્રિકોણ ધરાવતી ફિલ્મમાં વ્યસ્ત છે. ટૂંકમાં, રણબીર કપૂર ફિલ્મ `ધૂમ 4' કરવાનો છે તે માત્રને માત્ર એક અફવા સાબિત થઇ છે. જોકે, નજીકના સમયમાં તે આવી કોઇ ફિલ્મ કરે તો નવાઇ નહીં!
72મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં `શ્રીકાંત'ને એવોર્ડ મળ્યો
થોડા સમય પહેલાં જ દિગ્દર્શક તુષાર હિરાનંદાની અને નિર્માતા નિધિ પરમાર હિરાનંદાની માટે ગર્વની ક્ષણ હતી, કારણ કે તેમની ફિલ્મ `શ્રીકાંત' ને 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાના જીવન પર આધારિત આ ફિલ્મમાં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હતો. વર્ષ 2024માં રિલીઝ થયેલી આ ફિલ્મને તેની સરળ વાર્તા, સંવેદનશીલ પ્રસ્તુતિ અને રાજકુમાર રાવના શાનદાર અભિનય માટે દર્શકો અને વિવેચકો તરફથી વ્યાપક પ્રશંસા મળી હતી. આ ફિલ્મે છેલ્લા એક વર્ષમાં અનેક પુરસ્કારો પણ જીત્યા છે. `સાંડ કી આંખ', `સ્કેમ 2003' અને `શ્રીકાંત' જેવા પ્રશંસનીય પ્રોજેક્ટ્સનું દિગ્દર્શન કરનાર તુષાર હિરાનંદાની માટે આ સન્માન ખાસ રહ્યું છે, કારણ કે `શ્રીકાંત' તેમના હૃદયની ખૂબ નજીક છે. તેઓ દિગ્દર્શક તરીકેની શરૂઆત પહેલાં જ શ્રીકાંત બોલાના જીવન પર ફિલ્મ બનાવવા માંગતા હતા અને વાર્તાના અધિકારો મેળવવા માટે વર્ષો વિતાવ્યાં હતાં.
વિવેક ઓબેરોય માત્ર એક્ટર નહીં બિઝનેસમેન પણ છે!
ઘણા લોકો વિવેક ઓબેરોયને એક સ્ટાર તરીકે જાણે છે, તેમ છતાં તેણે ઈન્વેસ્ટની દુનિયામાં સૌથી અલગ રીતે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. એક મીડિયા ઇન્ટરવ્યૂમાં વિવેકે જણાવ્યું હતું કે, તેને બાળપણમાં જ પૈસાના મહત્ત્વને સમજવાથી લઈને વારસા-પેઢીગત સંપત્તિ, અસરકાર ઇન્વેસ્ટ અને મોટા ઉદ્યોગસાહસિકો વિશેથી અવગત કરવામાં આવ્યો હતો. તેણે વધુમાં જણાવ્યું હતું કે, તે પોતે આર્થિક રીતે સમૃદ્ધ પરિવારમાં ઉછરેલા હોવા છતાં, તેને ખૂબ જ નાની ઉંમરે નાણાકીય શિસ્ત શીખવવામાં આવી હતી. અલબત્ત, તેના પિતા સુરેશ ઓબેરોયે તેને માત્ર 11 કે 12 વર્ષની ઉંમરે ડેબિટ અને ક્રેડિટ શીખવ્યું હતું અને આગ્રહ કર્યો હતો કે તે દરેક પ્રકારના પૈસાના મહત્ત્વને સમજવા માટે તેના હિસાબો રાખે. ઉલ્લેખનીય છે કે, આજે એક્ટર વિવેક ઓબેરોયે રિઅલ એસ્ટેટ, સ્ટાર્ટઅપ્સ અને શિક્ષણમાં સ્માર્ટ ઇન્વેસ્ટ દ્વારા ફિલ્મોની સાથે સાથે અંદાજિત 1200 કરોડથી પણ વધુનું દેવામુક્ત વ્યવસાય સામ્રાજ્ય બનાવ્યું છે.
થલાપથી વિજયની ફિલ્મ `જનનાયકન'ને નેટિજન્સે વધાવી
આખરે સેન્સર બોર્ડના નિયમોને લઇને છેલ્લા સાત મહિનાથી અટકી પડેલી થલાપથી વિજયની ફિલ્મ `જનનાયકન' ગત 23 જુલાઇના રોજ થિયેટર્સમાં રિલીઝ કરી દેવાઇ છે. આ ફિલ્મને નેટિજન્સ હોંશે હોંશે વધાવી રહ્યા છે. અલબત, ફિલ્મમાં બોબી દેઓલની ભૂમિકાની પણ નેટિજન્સ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. મૂળ આ ફિલ્મમાં ફિલ્મનો નાયક વીરતાપૂર્વક પોતાના વિસ્તારમાં રાજકીય અને સામાજિક અરાજકતાનો અંત લાવે છે. તે એક દત્તક પુત્રીનો પિતા પણ છે અને જ્યારે પણ તે કોઈ ગરીબ, લાચાર વ્યક્તિના હકો માટે લડે છે અથવા દેશને દુશ્મનોથી બચાવે છે, ત્યારે બેકગ્રાઉન્ડમાં `થલાપથી... થલાપથી...'નો સંવાદ સંભળાય છે. નોંધનીય છે કે, થલાપથીનો અર્થ સેનાપતિ અને નેતા પણ થાય છે. આ ફિલ્મમાં થલાપથી વિજયની સાથે પૂજા હેગડે તેમજ પ્રકાશ રાજે સ્ક્રીન શેર કર્યો છે. આ ફિલ્મમાં અન્ય નામી કલાકારોમાં ગૌતમ વાસુદેવ મેનન, પ્રિયામણિ અને નાસરનો પણ સમાવેશ થાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો