આજે બોબી દેઓલ સફળતાના શિખરે છે અને પોતાના દમ પર ફિલ્મો હિટ કરાવવાની તાકાત ધરાવે છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમના સિતારા મુશ્કેલીમાં હતા અને તેઓ એક હિટ ફિલ્મ માટે તરસતા હતા. કરિયરના એવા જ એક મુશ્કેલ તબક્કામાં બોબી દેઓલને એક બ્લોકબસ્ટર ફિલ્મમાંથી રાતોરાત બહારનો રસ્તો બતાવી દેવાયો હતો, જેનો વસવસો તેમણે તાજેતરમાં જ વ્યક્ત કર્યો છે. સૌથી નવાઈની વાત એ છે કે, જે ફિલ્મ માટે બોબી દેઓલ પોતે જ ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી અને અભિનેત્રી કરીના કપૂરને સાથે લાવ્યા હતા, તે જ પ્રોજેક્ટમાંથી ખરાબ માર્કેટ વેલ્યૂનું બહાનું ધરીને મેકર્સે તેમને હટાવી દીધા હતા. આ દગાથી બોબીનું દિલ બહુ ખરાબ રીતે તૂટી ગયું હતું, કારણ કે તે સમયે તેમને પોતાની કરિયરને બચાવવા માટે એક મોટી હિટ ફિલ્મની સખત જરૂર હતી.


`જબ વી મેટ'માં રાતોરાત રિપ્લેસમેન્ટની કહાની

એક ટીવી શોમાં બોબી દેઓલે પોતાના દિલનું દર્દ બયાન કરતાં જણાવ્યું કે, વર્ષ 2007માં આવેલી સુપરહિટ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ `જબ વી મેટ'માં પહેલા તેઓ મુખ્ય ભૂમિકા ભજવવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ મેકર્સે તેમને હટાવીને શાહિદ કપૂરને કાસ્ટ કરી લીધો. બોબી વાસ્તવમાં ઇમ્તિયાઝ અલીની પ્રથમ ફિલ્મ `સોચા ના થા' (જેમાં તેમના કઝિન અભય દેઓલે કામ કર્યું હતું)થી ખૂબ પ્રભાવિત હતા અને તેમની સાથે કામ કરવા આતુર હતા. બોબીએ જૂની યાદો તાજી કરતાં કહ્યું: `અમે બંનેએ સાથે મળીને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં તમારી માર્કેટ વેલ્યૂ સારી નથી હોતી, ત્યારે કોઈ તમારો સાથ નથી આપતું.' તેમણે ઉમેર્યું કે ફિલ્મ શરૂ થવામાં ઘણો સમય લાગી રહ્યો હતો. તેઓ જે પ્રોડક્શન હાઉસ પાસે આ પ્રોજેક્ટ લઈને ગયા હતા, તેણે પહેલાં એવું કહીને ના પાડી દીધી કે ઇમ્તિયાઝ ખૂબ મોંઘા ડાયરેક્ટર છે, પરંતુ કિસ્મતની રમત જુઓ, પાછળથી એ જ પ્રોડક્શન હાઉસે ઇમ્તિયાઝ અલી સાથે એ જ ફિલ્મ બનાવી. હિરોઈન પણ કરીના કપૂર જ રહી, બસ હીરો તરીકે બોબીની જગ્યાએ શાહિદ કપૂરની એન્ટ્રી થઈ ગઈ. આ કપટે બોબીને અંદરથી નિરાશ કરી દીધા હતા.

દર્દને તાકાત બનાવી ધમાકેદાર કમબેક

બોબી દેઓલે સ્વીકાર્યું કે આ કડવા અનુભવમાંથી બહાર આવતાં તેમને ઘણો સમય લાગ્યો, પરંતુ તેમણે આ નકારાત્મક ઊર્જા અને ગુસ્સાને ડિપ્રેશનમાં બદલવા ન દીધો. તેમણે ઇન્ડસ્ટ્રીની આ કડવી સચ્ચાઈનો સ્વીકાર કર્યો અને પોતાની જાતને એક બહેતર માણસ અને અભિનેતા તરીકે ઘડવા માટે રાત-દિવસ એક કરી દીધા. આજે બોબીના મનમાં ઇમ્તિયાઝ અલી કે અન્ય કોઈ માટે કોઈ કડવાશ કે ફરિયાદ નથી. તેઓ આજે પણ સારા મિત્રો છે. બોબી આ ખરાબ અનુભવને પસ્તાવો નહીં, પણ જિંદગીના એક મહત્ત્વના પાઠ તરીકે જુએ છે, જેણે આજે તેમને આ સફળ મુકામ પર પહોંચાડ્યા છે.

આજે દરેક ફિલ્મમેકર તેમને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવા બેતાબ છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: