જાણીતી બ્રિટિશ ગાયિકા ઓલિવિયા ડીન પોતાના લોકપ્રિય ગીત `I' ve Seen It'ને લઈને કૉપીરાઇટ વિવાદમાં સપડાઈ છે. તેમના પર દિવંગત અમેરિકન સોલ સિંગર બિલ વિધર્સના 1981ના સુપ્રસિદ્ધ આઇકોનિક ગીત `Just the Two of Us'ની મેલોડી અને ધૂન કૉપી કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. બિલ વિધર્સના સંગીત અધિકારો સંભાળતી કંપની `મેટી મ્યુઝિક ગ્રૂપ' (Mattie Music Group) દ્વારા આ અંગે અદાલતમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં એવો ઉલ્લેખ કરાયો છે કે ઓલિવિયાના ગીતના કોરસની રચના અને સૂર સીધા બિલ વિધર્સના ગીત સાથે મેળ ખાય છે. આ કાનૂની કેસમાં ઓલિવિયા ડીન ઉપરાંત તેમના મુખ્ય રેકોર્ડ લેબલ્સ સામે પણ પગલાં લેવા રજૂઆત થઈ છે. પ્રકાશક કંપની અનુસાર પૂર્વ ચેતવણી છતાં ગીતનું વિતરણ અટકાવવામાં આવ્યું નહોતું. હવે તેમણે આ કૉપીરાઇટ ભંગ બદલ થયેલા નુકસાન સામે યોગ્ય નાણાકીય વળતર, ગીતના નફામાં કાયદેસર ભાગીદારી અને યોગ્ય રોયલ્ટી આપવાની માગણી કોર્ટ સમક્ષ કરી છે.

હોલેન્ડની ફ્રેડ એસ્ટેયરની બાયોપિકમાં નવી એન્ટ્રી

હોલિવૂડના સુપ્રસિદ્ધ ડાન્સર અને એક્ટર ફ્રેડ એસ્ટેયરના જીવન પર આધારિત આગામી બાયોપિક ફિલ્મ હાલ ખૂબ ચર્ચામાં છે. `સ્પાઈડર-મેન' ફેમ ટોમ હોલેન્ડ આ ફિલ્મમાં ફ્રેડ એસ્ટેયરની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. હવે આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટમાં બે લોકપ્રિય કલાકારોના જોડાવાથી સિનેપ્રેમીઓનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. સૌપ્રથમ, ગ્લોબલ પોપ સેન્સેશન અને અભિનેત્રી સબરીના કાર્પેન્ટર ફિલ્મમાં એક મહત્ત્વપૂર્ણ રોલ ભજવતી જોવા મળશે. આ સાથે જ પ્રતિભાશાળી અભિનેત્રીની ખાસ એન્ટ્રીએ ફિલ્મની સ્ટારકાસ્ટને વધુ મજબૂત બનાવી છે. આ બંને પાત્રો ફ્રેડ એસ્ટેયરના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન સાથે સંકળાયેલી મહત્ત્વની મહિલાઓની ભૂમિકામાં જોવા મળશે. ફ્રેડ એસ્ટેયરની આઇકોનિક ડાન્સ સ્ટાઇલ અને ગોલ્ડન એરાની હોલિવૂડ જર્નીને પડદા પર જીવંત કરવા માટે કલાકારોએ સઘન પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ટોમ હોલેન્ડ પોતે પ્રશિક્ષિત ડાન્સર હોવાથી દર્શકોને અદ્ભુત ડાન્સ સિક્વન્સ જોવા મળશે. સબરીના કાર્પેન્ટરની મ્યુઝિકલ લોકપ્રિયતા અને આ નવી એન્ટ્રીના કારણે આ મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ માટે અત્યારથી જ ભારે ઉત્સુકતા સર્જાઈ છે.  

રિહાનાના ઘરે ગોળીબાર કેસમાં આરોપી મહિલા સામે ગુનો દાખલ  

પૉપસ્ટાર રિહાનાના લોસ એન્જલસસ્થિત આવાસ બહાર થયેલા ગોળીબારના સનસનાટીભર્યા મામલામાં કાયદાકીય કાર્યવાહી તેજ બની છે. આ કેસમાં ફરિયાદી પક્ષે આરોપી મહિલા સામે હત્યાના પ્રયાસ સહિત કુલ 14 ગંભીર ગુનાહિત આરોપો ઔપચારિક રીતે દાખલ કર્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આરોપી મહિલાએ ગાયિકાના ઘર અને તેની મિલકતને સીધું નિશાન બનાવીને બેફામ ફાયરિંગ કર્યું હતું. આ જીવલેણ હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને રિહાન્ના તેમજ તેમનો પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યો હતો. આ કેસની તપાસ બાદ મહિલા સામે હત્યાનો પ્રયાસ, ઘાતક હથિયારથી હુમલો, રહેણાક મકાન પર ગોળીબાર અને ગેરકાયદેસર હથિયાર રાખવા સહિતની વિવિધ 14 કલમો હેઠળ ગુનો નોંધયો છે. સુનાવણી દરમિયાન અદાલતે આ ઘટનાને અત્યંત ગંભીર અને પૂર્વઆયોજિત કૃત્ય ગણાવ્યું હતું. જાહેર સુરક્ષા જોખમમાં ન મુકાય તે હેતુથી કોર્ટે આરોપીની જામીન રકમ મોટી નક્કી કરી છે, જેથી તેને સરળતાથી રાહત ન મળી શકે. આ ઉપરાંત, રિહાન્ના અને તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોર્ટે આરોપી વિરુદ્ધ કડક સુરક્ષાત્મક આદેશ (પ્રોટેક્ટિવ/રિસ્ટ્રેઇનિંગ ઓર્ડર) પણ જારી કર્યો છે. અદાલતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર હસ્તીઓ અને તેમના પરિસરને જાણીજોઈને જોખમમાં મૂકતા હિંસક કૃત્યો સામે કાયદા હેઠળ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.  

હવે `ગેમ ઓફ થ્રોન્સ'ના ફેન્સ તેની મજા મોટા પડદે માણી શકશે 

વિશ્વભરમાં ભારે લોકપ્રિયતા મેળવનાર ફેન્ટસી ટેલિવિઝન સીરિઝ `ગેમ ઓફ થ્રોન્સ'ના ચાહકો માટે રોમાંચક સમાચાર સામે આવ્યા છે. વોર્નર બ્રધર્સે વેસ્ટેરોસની અદ્ભુત અને રહસ્યમય દુનિયાને સિનેમાઘરોના વિશાળ પડદા પર રજૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. મોટા સ્કેલ પર આકાર લઈ રહેલી આ નવી ફિલ્મનું નામ `ગેમ ઓફ થ્રોન્સ : એગૉન કોન્ક્વેસ્ટ' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા મૂળ સીરિઝના સમયગાળાથી આશરે 300 વર્ષ પહેલાંની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત હશે, જે જ્યોર્જ આર. આર. માર્ટિનના જાણીતા પુસ્તક `ફાયર એન્ડ બ્લડ' પરથી પ્રેરિત છે. તેમાં એગૉન 1 ટારગેરિયન અને તેમની બહેનો દ્વારા ડ્રેગનની અસીમ તાકાતની મદદથી વેસ્ટેરોસનાં છ રાજ્યોને જીતીને એક તાંતણે બાંધવાની અને સુપ્રસિદ્ધ `આયર્ન થ્રોન' સ્થાપવાની મહાકાવ્ય સમાન ગાથા જોવા મળશે. આ ફિલ્મ 1 જૂન, 2029ના રોજ વિશ્વભરનાં થિયેટરોમાં રિલીઝ થશે, જેને લઈને વિશ્વભરના દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો