કપૂર ખાનદાનમાં રિશિ કપૂર (ચિન્ટુ) અને તેમની નાની બહેન રીમા વચ્ચે ગાઢ પ્રેમ હતો. બાળપણમાં રાજ કપૂરના ઘરે વારંવાર પાર્ટીઓ યોજાતી. રિશિ કપૂર અને રીમા બાળપણમાં ઘરના ટેબલ નીચે સંતાઈ જતાં અને મહેમાનોનું નિરીક્ષણ કરતાં. મહેમાનો જાય એટલે બંનેએ મહેમાનોનું જે નિરીક્ષણ કર્યું હોય એ પ્રમાણે તેમની અને પોતાના પિતા એમની સાથે જે રીતે વાતો કરે તેની નકલ કરતાં.
નૂતન, તનુજા,જયદીપ
હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રીઓ નૂતન અને તનુજા તેમના નાના ભાઇ જયદીપથી ખૂબ ક્લોઝ હતાં. તનુજા બાળપણથી જ ખૂબ તોફાની હતી, જ્યારે નૂતન ગંભીર હતી. તનુજા નાના ભાઈ જયદીપ સાથે મળીને ઘરમાં નવી નવી રમતો શોધતી અને નૂતન મોટી બહેન તરીકે બંને પર નજર રાખતી અને તેમને મસ્તી કરતાં રોકતી. એકવાર તનુજાએ મસ્તી મસ્તીમાં ભાઇને ઘરની બહાર બનાવેલી ટાંકીમાં ધક્કો મારી દીધો હતો, ત્યારે નૂતને ભાઇને એમાંથી બહાર કાઢ્યો હતો.
આમિર ખાન અને નિખત ખાન
આમિર ખાનની બહેન નિખત ખાન પણ ફિલ્મ પ્રોડક્શન અને એક્ટિંગ સાથે જોડાયેલી છે. બાળપણમાં આમિર ખૂબ જ શાંત પરંતુ જિદ્દી સ્વભાવનો હતો. નિખતે એક કિસ્સો શેર કર્યો હતો કે બાળપણમાં ઘરમાં જ્યારે પણ કોઈ રમત રમાતી, ત્યારે આમિર હાર સ્વીકારવા તૈયાર થતો જ નહીં. જો તે હારી જાય તો રમત ફરીથી શરૂ કરાવતો અથવા રમત જ પૂરી કરી દેતો. આમિરનું બાળપણથી જ દરેક કામમાં પરફેક્શન શોધવું અને જીતવાની જીદ આજે પણ તેની ફિલ્મોમાં દેખાય છે.
ઝોયા અખ્તર - ફરહાન અખ્તર
લેખક જાવેદ અખ્તરનાં આ બંને બાળકો બાળપણથી જ કલ્પનાશીલ હતાં. ફરહાન બાળપણમાં ખૂબ જ બદમાશ હતો અને ઝોયા હંમેશાં તેની મોટી બહેન તરીકે તેને બચાવતી. બાળપણમાં બંને ઘરના ડ્રોઈંગ રૂમમાં ફિલ્મી દૃશ્યોની એક્ટિંગ કરતાં.
સૈફ અલી - સોહા અલી ખાન
પટૌડી પરિવારનાં આ ભાઈ-બહેનનું બાળપણ શાહી પણ તોફાની રહ્યું છે. સૈફ નાનપણથી જ ખૂબ જ નટખટ હતો. સોહાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે બાળપણમાં સૈફ તેને ડરાવવા માટે નવી નવી યુક્તિઓ શોધતો. એકવાર સૈફે ઘરમાં અંધારું કરીને ચહેરા પર હોરર માસ્ક પહેરીને સોહાને એટલી ડરાવી દીધી હતી કે સોહા જોરજોરથી રડવા લાગી હતી.
રણબીર -રિદ્ધિમા કપૂર સાહની
કપૂર ખાનદાનનાં આ ભાઈ-બહેનનું બાળપણ ભારે તોફાની રહ્યું છે. રણબીર અને રિદ્ધિમા બાળપણમાં કપડાં અને રમકડાં માટે ખૂબ લડતાં હતાં. રિદ્ધિમાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે રણબીર તેનાં કીમતી કપડાં અને પરફ્યૂમ ચોરીને પોતાની ગર્લફ્રેન્ડ્સને ગિફ્ટ કરી દેતો હતો. જ્યારે રિદ્ધિમાને આ વાતની ખબર પડી ત્યારે એણે ઘરમાં મોટી બબાલ કરી હતી અને પોતાના પિતાને રણબીરને વઢવા કહ્યું હતું, પણ પિતાએ કહ્યું કે ભાઇ તરીકે એ તો એનો હક છે, એમાં એને વઢવા જેવું કશું જ નથી.
હુમા કુરૈશી અને સાકિબ સલીમ
દિલ્હીના એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવેલાં હુમા અને સાકિબનું બોન્ડિંગ ખૂબ મજબૂત છે. બાળપણમાં બંને રમકડાં અને પોકેટ મની માટે ખૂબ લડતાં. સાકિબ નાનો હોવાથી હુમા તેની પર પોતાની દાદાગીરી ચલાવતી. બાળપણમાં ઘરમાં કોઈ વસ્તુ તૂટે કે નુકસાન થાય તો હુમા ખૂબ ચતુરાઈથી બધો વાંક સાકિબ પર નાખી દેતી અને પોતે બચી જતી. હુમા કહે છે કે બાળપણનો એ બદલો સાકિબે ટીનેજમાં લીધો. મારી ઘણી ખરી ફ્રેન્ડ્સ સાકિબને ખૂબ ગમી જતી. પછી સાકિબ ગમે તેમ કરીને મારી ફ્રેન્ડને ડેટ ઉપર લઇ જતો. મને જ્યારે ખબર પડે એટલે હું મારી ફ્રેન્ડને સાકિબ વિશે જેમ તેમ કહીને બંને વચ્ચે અબોલા કરાવી દેતી.
અર્જુન કપૂર અને અંશુલા કપૂર
બાળપણમાં જ્યારે તેમની માતા મોના શૌરીનું અવસાન થયું ત્યારે અર્જુને અંશુલા માટે એક મોટા ભાઈની સાથે પિતાની ભૂમિકા પણ ભજવી. બાળપણમાં અર્જુન શાળામાંથી આવ્યા પછી અંશુલા માટે વીડિયો ગેમ્સ અને ચોકલેટ્સ સંતાડીને રાખતો. અંશુલા આજે પણ અર્જુનને પોતાનો `સુપરહીરો' માને છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
