આજના સમાજની સૌથી મોટી કરુણતા કઈ છે? એક તરફ એવો વર્ગ છે જેની પાસે એટલો બધો પૈસો છે કે તેમને સમજાતું નથી કે સમય ક્યાં પસાર કરવો. અને બીજી તરફ એવા યુવાનો છે જેઓ રોજગારી, દેવા અને ભવિષ્યની ચિંતામાં પોતાની આખી જુવાની ઓગાળી રહ્યા છે. આ બે વર્ગ વચ્ચે દેખીતી રીતે કોઈ યુદ્ધ નથી ચાલતું, પણ અંદરખાને એક ભયાનક અને ધીમો સળગતો ગુસ્સો ઉકળી રહ્યો છે. સાઉથ કોરિયન ડિરેક્ટર લી ચાંગ-ડોંગની 2018માં આવેલી જોરદાર ફિલ્મ 'બર્નિંગ' આ જ આધુનિક મૂડીવાદના ખાલીપા અને ગરીબ યુવાનોના સળગતા આક્રોશનું અત્યંત શાર્પ સિનેમેટિક પોસ્ટમોર્ટમ કરે છે.

વિખ્યાત જાપાનીઝ લેખક હારુકી મુરાકામીની ટૂંકી વાર્તા પર આધારિત આ ફિલ્મનો પ્લોટ બહુ સીધો પણ મનોવૈજ્ઞાનિક રીતે અત્યંત ગૂંચવાયેલો છે. 

જોંગ-સુ નામનો એક ગરીબ યુવાન કુરિયર બોય તરીકે કામ કરે છે. તેના પિતા જેલમાં છે અને તે એકલો ખેતરમાં રહે છે. તેની મુલાકાત તેની બાળપણની મિત્ર હે-મી સાથે થાય છે. હે-મી દેવામાં ડૂબેલી છે અને એક નાનકડી દુકાન બહાર ડાન્સ કરીને પેટ ગુજારો કરે છે. 

બંને વચ્ચે એક સહજ આકર્ષણ થાય છે. પણ વાર્તામાં અસલી વળાંક ત્યારે આવે છે જ્યારે હે-મી આફ્રિકાના પ્રવાસેથી પાછી ફરે છે અને પોતાની સાથે બેન નામના એક રહસ્યમય અને અત્યંત અમીર યુવાનને લઈને આવે છે.

બેન આજના મોડર્ન સમાજનો ધ ગ્રેટ ગેટ્સબી છે. તે પોર્શે ગાડી ચલાવે છે, આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે, જાતજાતની મોંઘી વાનગીઓ બનાવે છે અને તેને ક્યારેય કોઈ કામ કરતો જોવામાં નથી આવતો. જોંગ-સુ તેને પૂછે છે કે તું શું કામ કરે છે, ત્યારે બેન હસીને કહે છે કે હું બસ રમું છું. આ એક વાક્ય ગરીબ જોંગ-સુના અહંકારને કોતરી ખાય છે. 

બેનની હાજરી જોંગ-સુને સતત પોતાની ગરીબી, નિષ્ફળતા અને લાચારીનો અહેસાસ કરાવે છે. બેન માટે હે-મી માત્ર એક નવું રમકડું છે, જ્યારે જોંગ-સુ માટે તે તેનો એકમાત્ર પ્રેમ છે.

ફિલ્મનો સૌથી ભયાનક અને ફિલોસોફિકલ હિસ્સો ત્યારે આવે છે જ્યારે બેન પોતાનો એક વિચિત્ર શોખ જાહેર કરે છે. તે જોંગ-સુને કહે છે કે દર બે મહિને તેને કોઈ એક જૂના, ખંડેર અને નકામા ગ્રીનહાઉસને સળગાવી દેવાની મજા આવે છે. બેન કહે છે કે આવા નકામા ગ્રીનહાઉસ સળગી જાય તો પોલીસને પણ કોઈ ફરક પડતો નથી, કારણ કે સમાજ માટે એ કચરો જ છે. 

બેનની આ વાત માત્ર ખેતરના ગ્રીનહાઉસ માટે નથી. આ એક ભયાનક રૂપક છે. આ ગ્રીનહાઉસ એટલે હે-મી જેવા ગરીબ અને લાચાર લોકો, જેમના ગાયબ થઈ જવાથી કે મરી જવાથી આ સિસ્ટમને કે અમીર લોકોને કોઈ જ ફરક પડતો નથી.

થોડા દિવસ પછી હે-મી અચાનક ગાયબ થઈ જાય છે. તેનો ફોન બંધ આવે છે અને તેના રૂમમાંથી બધો સામાન પણ ગાયબ છે. જોંગ-સુ પાગલની જેમ તેને શોધે છે. તેને પાક્કી ખાતરી છે કે બેને જ હે-મીને મારી નાખી છે અથવા પોતાના શોખ ખાતર સળગાવી દીધી છે. પણ બેન એકદમ શાંત છે, જાણે કશું બન્યું જ નથી. 

તે હવે કોઈ બીજી નવી ગરીબ છોકરી સાથે ફરે છે. ફિલ્મ ક્યાંય સ્પષ્ટ નથી કરતી કે હે-મીનું ખરેખર શું થયું, પણ જોંગ-સુના મગજમાં વર્ષોથી ભરાયેલો ગરીબીનો, અન્યાયનો અને હારનો ગુસ્સો ધીમે ધીમે ઉકળતો જાય છે.

ફિલ્મનો ક્લાઈમેક્સ કોઈ એક્શન ફિલ્મ જેવો નથી, પણ તે રૂંવાડાં ઊભા કરી દે તેવો છે. જોંગ-સુનો એ મૂંગો આક્રોશ જ્યારે ફાટી નીકળે છે, ત્યારે તે માણસ મટીને એક જાનવર બની જાય છે. સમાજના એ ઉચ્ચ વર્ગ સામે નીચલા વર્ગનો આ એક નિર્વસ્ત્ર અને હિંસક વિસ્ફોટ છે. 

બર્નિંગ કોઈ સામાન્ય મર્ડર મિસ્ટ્રી નથી. આ ફિલ્મ આજના સમાજ પર એક કાળો અરીસો ધરે છે, જ્યાં અમીરોની સંવેદનહીનતા અને યુવાનોની હતાશા વચ્ચેનું અંતર હવે એટલું વધી ગયું છે કે કોઈપણ ક્ષણે ભયાનક ભડકો થઈ શકે છે. 

અલબત્ત આ ફિલ્મ સમાજના દરેક પાસાંઓને ક્યાંક ને ક્યાંક પ્રસ્તુત કરે છે અને તે સૌ કોઇ દર્શકોના આત્માને સ્પર્શી જાય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો