વિકી ડોનરથી બોલિવૂડમાં યાદગાર પદાર્પણ કરનાર યામી ગૌતમ ધરે `ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઈક' , `બાલા', `અ થર્સડે', `ઓહ માય ગોડ 2', `આર્ટિકલ 370' અને `હક' જેવી ફિલ્મોમાં દમદાર અભિનય આપીને હિન્દી સિનેમામાં પોતાની અનોખી ઓળખ બનાવી છે. ક્યારેય લાઇમલાઇટની પાછળ ન દોડતાં તેમણે હંમેશાં દેખાડા કરતાં કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપ્યું છે. નોંધનીય છે કે તાજેતરમાં જ તેમને ‘આર્ટિકલ 370’માં શાનદાર અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે. આ સન્માન તેમની કારકિર્દીની મહત્વપૂર્ણ સિદ્ધિ બની. હાલમાં જ તેઓ હવે તેમની નવી ફિલ્મ `નયી નવેલી'ને લીધે પણ બોલિવૂડમાં ચર્ચામાં છે.  

તમારી બોલિવૂડ સફર શાનદાર છે, પણ એક સમયે તમે આ ગ્લેમરસ દુનિયા છોડવા માગતાં હતાં?

 હા, બિલકુલ. આ મારી કારકિર્દીનો સૌથી મોટો વળાંક હતો. `ઉરી' અને `બાલા' ફિલ્મો આવી તે પહેલાં જ મેં મનોમન આ ઇન્ડસ્ટ્રી કાયમ માટે છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. મને લાગ્યું કે મારે હિમાચલ પાછા ફરી જવું જોઈએ અને ત્યાંથી એક તદ્દન નવી જ જિંદગીની શરૂઆત કરવી જોઈએ. હું એ પરિસ્થિતિ સાથે શાંતિથી સમાધાન કરી ચૂકી હતી.  

તો પછી એવું શું બન્યું કે તમારો દૃષ્ટિકોણ બદલાયો અને તમે આગળ વધ્યાં?

 મને સમજાયું કે મારો સૌથી મોટો દુશ્મન `ડર' છે. વર્ષો સુધી મનમાં એ ડર રહેતો કે જો હું કામ નહીં કરું તો `આઉટ ઓફ સાઇટ, આઉટ ઓફ માઇન્ડ' થઈ જઈશ. જે દિવસે મેં આ ડરના કારણે પ્રોજેક્ટ્સ સ્વીકારવાનું બંધ કર્યું, તે જ દિવસે હું ખરા અર્થમાં મુક્ત થઈ ગઈ. હું જે કામમાં વિશ્વાસ નથી કરતી તે કામ કરવા કરતાં તેનાથી દૂર થઈ જવાનું હું વધુ પસંદ કરું છું અને મેં મારા ડરને જીતી લીધો અને તેને હંફાવી દીધો. અલબત્ત, જો તમે ડરને જીતી લેશો તો તમને કોઇ પણ કામ હરાવી શકતું નથી.  

સફળ કારકિર્દીના નિર્ણયો પાછળ કયો અભિગમ કામ કરે છે?

મારી કારકિર્દીનો ગ્રાફ સીધો જાય છે, ઝિગઝેગ બને છે કે પછી અમીબા જેવો અનિયમિત આકાર લે છે, તે બાબત મારા હાથમાં નથી. મારા નિયંત્રણમાં માત્ર એટલું જ છે કે હું જે ફિલ્મ નિર્માતાઓનું સન્માન કરું છું તેમની સાથે કામ કરું અને જે વાર્તાઓમાં મને દિલથી વિશ્વાસ હોય તે જ સ્ક્રીન પર રજૂ કરું.  

તમે લાઇમલાઇટથી તમારા અંગત જીવનને કેવી રીતે દૂર રાખી શકો છો?

 બહારના ઘોંઘાટને અમારા અંગત જીવનમાં પ્રવેશવા ન દઈને. જ્યારે તમે જાહેર જીવનમાં હો ત્યારે લોકો પોતાના અભિપ્રાય આપવાના જ છે, પરંતુ અમને ક્યારેય સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કે જાહેર કાર્યક્રમોમાં દેખાવ કરીને અમારા સંબંધોને સાબિત કરવાની જરૂર લાગી નથી. જે લોકો અમારા માટે મહત્ત્વના છે, તેઓ અમને સારી રીતે ઓળખે છે.

એક એક્ટ્રેસ તરીકે તમે દરેક પાત્રમાં સંપૂર્ણ પ્રામાણિકતાથી ઊતરી જાઓ છો, એ સમર્પણ પાછળનું રહસ્ય શું છે?

 સાહસ અને વધુ પડતા આત્મવિશ્વાસ વચ્ચે એક બહુ પાતળી ભેદરેખા હોય છે. જ્યારે તમે કોઈ વાર્તા સમજી લો અને તમારું મન તેના પર વિશ્વાસ કરી લે, ત્યારે તમારે તેમાં પૂરેપૂરા સમર્પિત થઈ જવું પડે. વાર્તા પ્રત્યે સંપૂર્ણ પ્રામાણિક રહેવું તમારી ફરજ છે. જો તમારા મનમાં સતત શંકા રહેતી હોય, તો એ કામ તમારે શરૂઆતમાં જ ન સ્વીકારવું જોઈએ.  

તમારી આગામી ફિલ્મ `નયી નવેલી' સાથે જોડાવાનું કારણ?

 `નયી નવેલી'નું શીર્ષક દર્શાવે છે તેમજ આ ફિલ્મની વાર્તામાં એક તદ્દન નવો પરિપ્રેક્ષ્ય અને તાજગી છે. `આર્ટિકલ 370' અને `હક' જેવી મજબૂત અને સંવેદનશીલ ભૂમિકાઓ પછી મારે એક એવી સ્ક્રિપ્ટ જોઈતી હતી જે દિલને સ્પર્શી જાય અને સાથે સાથે દર્શકોના ચહેરા પર સ્મિત પણ લાવે. આ ફિલ્મ એક સ્ત્રીની સફર, તેના જીવનના નવા અધ્યાય અને તેમાં આવતા અનપેક્ષિત વળાંકોની સુંદર અભિવ્યક્તિ છે. 

આજના સમયમાં સેલિબ્રિટીઝ પીઆર અને ઇમેજ મેકિંગ પર ખૂબ ભાર મૂકે છે, જ્યારે તમે તેનાથી અંતર રાખ્યું છે. આવું શા માટે?

મને શરૂઆતમાં જ સમજાઈ ગયું હતું કે હું એવી છબી ઊભી ન કરી શકું જે વાસ્તવમાં મારી અસલિયત નથી. હું ઇચ્છતી હતી કે મારું કામ જ મારી ઓળખ બને. હું પીઆરની વિરોધી નથી; ફિલ્મ રિલીઝ વખતે તે ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ પોતાના કામની યોગ્ય માહિતી પહોંચાડવી અને કૃત્રિમ વ્યક્તિત્વનું નિર્માણ કરવું, આ બંને વચ્ચે આભ-જમીનનો તફાવત છે.  


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો