મહાત્મા ગાંધી; વિશ્વના તમામ સિનેમા, નાટક, વાર્તાઓ, નવલકથાઓ, ચિત્રકલા, કાર્ટૂન, કવિતા, શિલ્પકલા અને વિવિધ પ્રકારની અભિવ્યક્તિ સાથે સંકળાયેલા લોકોએ વિવિધ માધ્યમો દ્વારા તેમના વિશે પોતાની અભિવ્યક્તિ રજૂ કરી છે. ભારતની ઓળખ ગાંધીજીના દેશ તરીકે થતી હોવાથી, આપણા દેશના તમામ પ્રકારના કલાકારો માટે તેમની કળા દ્વારા ગાંધીજી વિશે અભિવ્યક્તિ કરવી સ્વાભાવિક છે, પરંતુ રિચાર્ડ એટનબરોનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો. પોતાની અહિંસક પદ્ધતિઓનો ઉપયોગ કરીને મહાત્મા ગાંધીએ અંગ્રેજોને 15મી ઓગસ્ટ, 1947ના રોજ ભારત છોડવાની ફરજ પાડી અને ભારતમાં તેમના પૂર્વજોની સત્તાનો અંત આણ્યો. રિચાર્ડ એટનબરોએ આ જ વિષય પર એક ફિલ્મ બનાવે છે `ગાંધી'. ફિલ્મ ભારતમાં 30 નવેમ્બર, 1982ના રોજ રિલીઝ થઈ હતી. રિચાર્ડ એટનબરો દ્વારા નિર્દેશિત અને બેન કિંગ્સલે અભિનીત જીવનચરિત્રાત્મક ફિલ્મ `ગાંધી'ને તેની રજૂઆત પૂર્વે તેમજ તેના ઐતિહાસિક અર્થઘટનને લઈને નોંધપાત્ર વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.
પહેલો વિરોધ ભારતમાં પ્રિ-પ્રોડક્શન અને ફંડિંગ બાબતે થયો હતો. તત્કાલીન ભારત સરકારે ફિલ્મના બજેટના લગભગ ત્રીજા ભાગનું ભંડોળ રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ (NFDC) દ્વારા આપ્યું હતું. આનાથી સ્થાનિક ભારતીય ફિલ્મ નિર્માતાઓ અને રાજકારણીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો, જેમણે દલીલ કરી હતી કે કરદાતાઓના પૈસાથી ભારતીય રાષ્ટ્રીય નાયક વિશે બ્રિટિશ-દિગ્દર્શિત ફિલ્મને ભંડોળ પૂરું પાડવું જોઈએ નહીં. બીજો વિરોધ `ગાંધી વિરોધી ફિલ્મ સમિતિ' દ્વારા કરવામાં આવ્યો હતો. ના, આ સમિતિ ગાંધીજી વિરોધી ન હતી, `ફિલ્મ ગાંધી' વિરોધી હતી; આ પ્રોજેક્ટની નિંદા કરવા માટે બોમ્બે(મુંબઈ)માં રચાયેલી સમિતિ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ 1981માં સ્ક્રિપ્ટમાં ફેરફાર અંગે પરંપરાગત ગાંધી-શૈલીની ભૂખ હડતાળની ધમકી આપી હતી. જોકે, તેમણે પાછળથી ધમકી પાછી ખેંચી લીધી. ટીકાકારોને ડર હતો કે કોઈ વિદેશી વ્યક્તિ ગાંધીના વારસાને ખોટી રીતે રજૂ કરશે અથવા કલંકિત કરશે.
