તમન્ના ભાટિયાએ સાઉથ પ્લસ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અભિનય ક્ષમતા અને અદ્ભુત ડાન્સ પ્લસ સ્પેશિયલ ડાન્સ નંબર્સથી દર્શકોનાં દિલ જીત્યાં છે. માત્ર 15 વર્ષની નાની ઉંમરે બોલિવૂડ ફિલ્મ `ચાંદ સા રોશન ચેહરા'થી કરિયરની શરૂઆત કરનાર તમન્નાને અસલી ઓળખ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જ મળી હતી. તમિલ અને તેલુગુ સિનેમામાં `હેપ્પી ડેઝ' અને `અયાન' જેવી ફિલ્મો દ્વારા બ્લોકબસ્ટર સફળતા મેળવી તેઓ ટોપ ટેન એક્ટ્રેસીસમાં ચોક્કસપણે સ્થાન પામ્યાં છે. નોંધનીય છે કે, ફિલ્મ `બાહુબલી' ફ્રેન્ચાઇઝીએ તેમને વૈશ્વિક સ્તરે અવિસ્મરણીય લોકચાહના અપાવી છે.
તમન્નાએ એક્ટિંગ ઉપરાંત ફિલ્મોમાં આઇટમ સોંગ્સ દ્વારા અલગ જ મુકામ હાસિલ કર્યો છે. થોડા સમય પહેલાં જ તેમનું બ્લોકબસ્ટર ગીત `કાવાલા' તથા `આજ કી રાત'માં તેમના કાતિલ ડાન્સ સ્ટેપ્સ અને એનર્જીએ નેટિજન્સને ઘેલા કરી દીધા હતા.
ભાષાની જાણકારી ન હોવા છતા સાઉથ ઇન્ડિયન સિનેમાની મલ્ટિપલ લેંગ્વેજીસમાં પોતાનું સ્થાન બનાવવું અને 85થી વધુ ફિલ્મો કરવી, આ સફર તમારા માટે કેવી રહી?
સાચું કહું તો આ સફર જરાય સરળ નહોતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને જ્યાં પુરુષોનું વર્ચસ્વ વધુ હોય, ત્યાં પોતાની ઓળખ બનાવવી એક મોટો પડકાર છે, પણ મેં હંમેશાં મારી ક્ષમતા પર ભરોસો રાખ્યો છે. આજે જ્યારે હું આ સ્થાન પર પહોંચી છું, ત્યારે ગર્વ થાય છે કે હું એ કરી શકી જે ઘણા લોકો માટે આજે પણ એક સપનું છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડાયનેમિક્સ વિશે તમારું શું કહેવું છે?
એક આઉટસાઇડર તરીકે અહીં ટકી રહેવા માટે શું જરૂરી છે?
જુઓ, હું બહુ સ્પષ્ટ માનું છું કે તમે બહુ સારા માણસ છો એટલે કોઈ તમને કામ નથી આપતું. લોકો તમને કામ ત્યારે જ આપે છે જ્યારે તમે ટેબલ પર કંઈક નવું અને કીમતી લઈને આવો છો. લાંબા ગાળે એ જ સારું રહે છે કે તમારા મનમાં જે આઈડિયા હોય તે તમે લોકો સામે ખુલ્લેઆમ મૂકો. જ્યારે લોકો જુએ છે કે તમારો આઈડિયા સ્ક્રિપ્ટ કે સ્ટોરી માટે કામ કરી રહ્યો છે, ત્યારે પરિણામ તમારી ફેવરમાં આવે છે. લોકો શું વિચારશે એની બહુ ચિંતા કરવાથી તમારી ક્ષમતા દબાઈ જાય છે, જે નુકસાનકારક છે.
તમારી ફિલ્મ `રાગિની 3'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે? આ ફિલ્મ વિશે ટૂંકમાં જણાવશો?
- હા, મેં સત્તાવાર રીતે `રાગિની 3' નું શૂટિંગ શરૂ કરી દીધું છે. મેં સેટ પરથી ક્લિપબોર્ડ સાથેની જે તસવીર શેર કરી હતી, તે શૂટિંગના પહેલા જ દિવસની હતી. અત્યારે આ હોરર-એન્ટરટેઇનર ફિલ્મનું શૂટિંગ લંડનમાં ચાલી રહ્યું છે.આ ફિલ્મને શશાંક ઘોષ ડાયરેક્ટ કરી રહ્યા છે. `રાગિની' એક ખૂબ જ પોપ્યુલર ઇન્ડિયન હોરર ફ્રેન્ચાઇઝી છે. મને વિશ્વાસ છે કે આ ફિલ્મ ચોક્કસ બોક્સઓફિસ રેકોર્ડ બ્રેક કરશે જ
તમારી વેબ સીરિઝ `ડુ યુ વોન્ના પાર્ટનર' ફ્લોપ રહી હતી, તેના વિશે તમને દુઃખ થયું હતું ખરું?
આ સીરિઝમાં મેં શીખા નામની યુવતીનું પાત્ર ભજવ્યું હતું. ભલે આ સીરિઝ ફ્લોપ સાબિત થઇ હતી, પરંતુ મારા ફેન્સે મને વેબ સીરિઝમાં પણ વખાણી છે અને ચાહી છે. મારી ઘણી ફિલ્મો ફ્લોપ રહી હતી ત્યારે પણ હું નાસીપાસ નહોતી થતી તો આ તો વેબ સીરિઝ છે, તો તેમાં દુઃખી થવાની વાત જ નથી. આજે પણ મારા ફેન ફોલોઇંગમાં ક્રમશઃ વધારો થઇ રહ્યો છે તે મને ગમે છે.
હાલમાં તમારી બેક ટુ બેક ફિલ્મો પાઇપલાઇનમાં છે, તેના વિશે શું કહેશો?
હા, અત્યારે ઘણું સારું કામ મળી રહ્યું છે. મારી પાસે પાઇપલાઈનમાં ઘણી ફિલ્મો છે. અલબત્ત, હું આ ફેઝને ખૂબ એન્જોય કરી રહી છું. આ વર્ષે મારી ફિલ્મ `VVAN' રિલીઝ થવાની છે, જેમાં હું સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળીશ. આ સિવાય અજય દેવગન સર સાથેની ફિલ્મ `રેન્જર' પણ આ વર્ષના અંત સુધીમાં એટલે કે સંભવતઃ 4 ડિસેમ્બર સુધીમાં સિનેમાઘરોમાં આવી શકે છે. હું આ બંને પ્રોજેક્ટ્સ માટે ખૂબ જ ઉત્સાહિત છું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો