વ્યસન શબ્દ સાંભળીએ એટલે તરત જ આપણા મગજમાં દારૂ, સિગારેટ કે ડ્રગ્સના રવાડે ચડેલા કોઈ બેફામ યુવાનનું ચિત્ર ઊભું થાય. આપણે માનીએ છીએ કે વ્યસન માત્ર કોઈ કેમિકલ પદાર્થનું જ હોય છે, પણ શું વાસ્તવિકતા ખરેખર આટલી સીધી છે? માણસને માત્ર કેમિકલનું જ નહીં, પણ `સપનાઓ'નું, `પ્રતિષ્ઠા'નું, `અટેન્શન'નું અને રાતોરાત `સફળ' થઈ જવાનું પણ અત્યંત જીવલેણ વ્યસન હોય છે. આધુનિક દુનિયાની કહેવાતી આંધળી દોટ પાછળ માણસ કઈ રીતે પોતાનું અસ્તિત્વ, પોતાની નૈતિકતા અને પોતાનું મગજ ગુમાવી બેસે છે, તેનું સિનેમાના ઈતિહાસમાં સૌથી ડિસ્ટર્બિંગ, ડાર્ક અને હચમચાવી નાખતું ચિત્રણ એટલે વર્ષ 2000માં આવેલી માસ્ટરપીસ ફિલ્મ : રિક્વિયમ ફોર અ ડ્રીમ.   

 ડિરેક્ટર ડેરેન એરોનોફ્સ્કીની આ ફિલ્મ કોઈ સામાન્ય ફિલ્મ નથી જે સાધારણ મનોરંજન આપે. આ ફિલ્મને `જોવી' નથી પડતી, આ ફિલ્મને `સહન' કરવી પડે છે. 

આખી ફિલ્મ કોઈ ડરામણા સપના જેવી છે, જે શરૂઆતમાં તમને `બધું બરાબર થઈ જશે' એવા ભ્રમમાં રાખે છે અને પછી ધીમે ધીમે સ્પીડ પકડીને સીધી ખાઈમાં ખાબકે છે. ફિલ્મના કેન્દ્રમાં ચાર પાત્રો છે અને ચારેય કોઈ ને કોઈ `સપના'ના ગુલામ છે.   

ફિલ્મનું સૌથી કરુણ અને હૃદયદ્રાવક પાત્ર છે સારા ગોલ્ડફાર્બ (એલન બર્સ્ટિન). સારા કોઈ ગલીની ડ્રગ-એડિક્ટ નથી. તે એક સામાન્ય, એકલવાયું જીવન જીવતી અને ટીવી સીરિયલોની દીવાની વૃદ્ધ વિધવા છે. તેને એક દિવસ કોઈ ટીવી શોમાંથી ફોન આવે છે કે તેને શોમાં મહેમાન તરીકે બોલાવવામાં આવશે. બસ, આ એક ફોન કોલ તેની જિંદગી બરબાદ કરી નાખે છે. 

ટીવી પર સુંદર દેખાવા માટે અને પોતાનો જૂનો `લાલ ડ્રેસ' પહેરવા માટે તે વજન ઘટાડવાની ગોળીઓ ખાવાનું શરૂ કરે છે (જેમાં ખરેખર એમ્ફેટામાઈન નામનું ડ્રગ છે). 

એકલતા દૂર કરવા માટે અને લોકોની નજરમાં `કંઈક' બનવાની ભૂખ તેને કઈ હદે માનસિક રીતે પાગલ કરી દે છે, તે જોવું કોઈ પણ કઠણ કાળજાના માણસ માટે પણ અસહ્ય છે. 

આ પાત્ર આપણને એ વિચારવા મજબૂર કરે છે કે ટેલિવિઝન અને સોશિયલ મીડિયા પર દેખાડાનું વ્યસન કોઈ હેરોઈન કે કોકેઈન કરતાં જરાય કમ નથી!   

બીજી તરફ તેનો દીકરો હેરી (જેરેડ લેટો), તેની ગર્લફ્રેન્ડ મેરિયન (જેનિફર કોનેલી) અને મિત્ર ટાયરોન છે. આ ત્રણેય પાસે મોટાં સપનાંઓ છે. મેરિયનને પોતાનું ફેશન બુટિક ખોલવું છે, પણ આ સપનાંઓ પૂરાં કરવા માટે તેઓ શોર્ટકટ અપનાવે છે - ડ્રગ્સ વેચવાનો અને પછી ખુદ ડ્રગ્સ લેવાનો. તેઓ માને છે કે બધું તેમના `કંટ્રોલ'માં છે. 

માણસની સૌથી મોટી કરુણતા જ એ છે કે જ્યારે તે પતનની ખાઈમાં પડતો હોય છે, ત્યારે તેને લાગે છે કે તે ઊડી રહ્યો છે! 

જ્યારે નશો તૂટે છે ત્યારે પૈસા માટે મેરિયન પોતાની જાતને વેચી દે છે અને હેરી પોતાનો હાથ ગુમાવે છે.   

ફિલ્મમેકિંગની દૃષ્ટિએ ડેરેન એરોનોફ્સ્કીએ આ ફિલ્મમાં `હિપ-હોપ મોન્ટેજ' નામની એડિટિંગ ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. 

    આંખની કીકી પહોળી થવી, લાઈટર સળગવું, નોટો ગણાવી, ગોળી ગળવી. આ બધું અત્યંત ઝડપી કટ્સ અને ક્લોઝ-અપ શૉટ્સમાં બતાવાયું છે. 

જેમ જેમ પાત્રોનું વ્યસન વધે છે, તેમ તેમ ફિલ્મના કટ્સ અને કેમેરાની સ્પીડ એટલી પાગલ થઈ જાય છે કે દર્શક તરીકે આપણને પણ શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે. 

ક્લિન્ટ મેન્સેલનું આઇકોનિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક જાણે માનવજાતની તમામ આશાઓની અંતિમ યાત્રાનું સંગીત હોય તેવું ભયાનક લાગે છે.   

ફિલ્મનો ક્લાઈમેક્સ સિનેમાના ચોપડે નોંધાયેલો સૌથી ક્રૂર ક્લાઈમેક્સ છે. ચારેય પાત્રો પોતાનાં સપનાંઓથી સાવ વિપરીત, ગર્ભસ્થ શિશુની મુદ્રામાં અલગ અલગ જગ્યાએ પડ્યાં છે સાવ એકલાં અને બરબાદ. 

`રિક્વિયમ ફોર અ ડ્રીમ' માત્ર કોઈ એન્ટિ-ડ્રગ કેમ્પેનની જાહેરાત નથી. આ આધુનિક મૂડીવાદ અને કન્ઝ્યુમરિઝમ પરનો એવો તમાચો છે જે કહે છે કે : જ્યારે તમારી પાસે જીવનનું કોઈ વાસ્તવિક લક્ષ્ય ન હોય, ત્યારે `ટીવી', `પૈસા' કે `દેખાડો' જ તમારો ભગવાન બની જાય છે અને એ જ ભગવાન આખરે તમારો ભોગ લે છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો