થોડા દિવસ પહેલાં જ સારા અલી ખાને પોતાનો 31મો જન્મદિવસ ઊજવ્યો હતો. જેમાં તેમની મમ્મી, ભાઈ અને મિત્રો સામેલ થયા હતા. સારા અલી ખાને આ જન્મદિવસ માટે ફિલ્મી થીમ રાખી હતી અને કેક અને બેકગ્રાઉન્ડ પોસ્ટર પણ ફિલ્મી રાખ્યાં હતાં. તેમણે પોતાના બર્થડેની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કરી હતી. તેમની આ તસવીરો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ પણ થઇ હતી. વર્ષ 2027ના અંતમાં અને વર્ષ 2028ના શરૂઆતના મહિનાઓમાં સારા અલી ખાનની બેથી ત્રણ ફિલ્મો આવી રહી છે. જોકે, હજી સુધી તેમની રિલીઝ ડેટ નક્કી નથી, પરંતુ આ ફિલ્મો તેમને ફરીથી લાઇમલાઇટમાં લાવી શકે છે.

બોલિવૂડમાં ગ્લેમર સાથે અપેક્ષાઓ અને સતત સ્પર્ધાનો માહોલ હોય છે. આ તણાવભર્યા માહોલમાં તમે તમારી માનસિક શાંતિ કેવી રીતે જાળવી રાખો છો?  

 સાચું કહું તો, ફિલ્મજગતમાં કામ કરતી વખતે `હું બધું જ જાતે સંભાળી લઈશ' એવો દેખાવ કરવાનો કોઈ અર્થ નથી હોતો. અહીંનું દબાણ ઘણું તીવ્ર હોઈ શકે છે. મારી શરૂઆતની સફરથી જ મને એ વાત સમજાઈ ગઈ હતી કે શરીરની કાળજી લેવી જેટલી જરૂરી છે, તેટલી જ મનની સંભાળ લેવી પણ અનિવાર્ય છે. હું માનું છું કે સાચી તાકાત પોતાની લાગણીઓને અંદર દબાવી રાખવામાં નથી, પણ તેને સ્વીકારવાની હિંમત દાખવવામાં છે. જ્યારે જરૂર પડે ત્યારે મદદ માંગવી કે થોડી ક્ષણો માટે થોભી જવું, એમાં કંઈ જ ખોટું નથી.  

માનસિક રીતે બધું જ એકસાથે માથે આવે, ત્યારે આ તણાવમાંથી બહાર કેવી રીતે આવો છો? તમારો સહારો કોણ બને છે?  

 મારા જીવનમાં પણ એવો સમય આવ્યો છે જ્યારે હું ભાવનાત્મક રીતે ખૂબ જ અસ્વસ્થ અને તણાવમાં હતી. ક્યાં જવું, શું કરવું અને કેમ કરવું એ સમજાતું જ નહોતું એ મુશ્કેલ તબક્કામાં મને સમજાયું કે જીવનના નાના-નાના આનંદ કેટલા મોટા સાબિત થાય છે. આવા સમયે હું મારી મમ્મી સાથે સમય પસાર કરું છું. તેમની સાથે બેસીને વાત કરવી અથવા કોઈ હળવો કોમેડી શો જોઈને ખડખડાટ હસવું મને ફરીથી મારી સામાન્ય સ્થિતિમાં લાવી દે છે. મારા માટે સેલ્ફ કેર કોઈ ભપકાદાર બાબત નથી. ક્યારેક ઊંડો શ્વાસ લેવો, શરીરને થોડી ગતિ આપવી, મન હળવું કરવા માટે રડી લેવું કે પછી કોઈ પણ પ્રકારના અપરાધભાવ વિના આરામ કરવો - આ નાની બાબતો જ મને મારી આંતરિક શક્તિની યાદ અપાવે છે. હું મન હળવું કરવા પહાડોમાં ફરી આવું છું. આ મારી બેસ્ટ થેરાપી છે, મને પડાડોમાં અઢળક શાંતિ મળે છે.   

લોકો માનસિક સ્વાસ્થ્ય માટે થેરાપી કે કાઉન્સેલિંગ લેતા ખચકાટ અનુભવે છે. આ માનસિકતા વિશે તમારું શું માનવું છે?  

આજે પણ સમાજમાં થેરાપીને લઈને એક મોટો સંકોચ અને ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. ઘણા લોકો એવું માને છે કે માનસિક મદદ માંગવી એ નબળાઈની નિશાની છે, પરંતુ વાસ્તવમાં સહાય માંગવી એ અદ્ભુત આંતરિક હિંમતનું પ્રતીક છે. થેરાપી માત્ર કોઈ ગંભીર સમસ્યા વખતે જ નહીં, પણ જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હોય ત્યારે પણ તમારા પોતાના વિકાસ અને આત્મજાગૃતિ માટે એક સુરક્ષિત માધ્યમ બને છે. જ્યાં સુધી આપણે શારીરિક સ્વાસ્થ્યની જેમ માનસિક સ્વાસ્થ્ય પર ખૂલીને વાત નહીં કરીએ, ત્યાં સુધી આ સામાજિક સંકોચ દૂર નહીં થાય. બીજું કે આજે પણ લોકો માનસિક સ્વાસ્થ્યને લઇને ખૂબ જ જજમેન્ટલ બની જતા હોય છે, જ્યાં સુધી એ વલણ યથાવત રહેશે ત્યાં સુધી લોકો માનસિક સ્વાસ્થ્ય બાબતે મદદ લેતાં કે કોઇને કહેતાં ખચકાશે જ. 

યુવા પેઢીને તમે માનસિક સુખાકારી માટે શું સંદેશ આપવા માંગશો?  

 હું દરેકને એટલું જ કહીશ કે દરેક વખતે બધું જ સંપૂર્ણ હોવું જરૂરી નથી. જીવનમાં જ્યારે જરૂર જણાય ત્યારે ધીમા પડો, તમારી જાત સાથે સંવાદ સાધો અને મનને પણ એટલું જ મહત્ત્વ આપો, જેટલું તમે તમારા શરીરને આપો છો. મુશ્કેલ ક્ષણોમાં મદદ માંગવામાં ક્યારેય સંકોચ ન અનુભવો. પોતાની જાતની અંદર અને બહારથી સંપૂર્ણ સંભાળ રાખવી, તેનાથી શ્રેષ્ઠ બાબત બીજી કોઈ હોઈ જ ન શકે. આપણે આપણાં શરીર અને મન સાથે ઘણીવાર ખૂબ જ કઠોર બની જતાં હોઇએ છીએ આ કઠોરતા માનસિક સ્વાસ્થ્યને બગાડે છે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો