ગયા શુક્રવારે બોક્સઓફિસ પર અડધો ડઝન ફિલ્મો રિલીઝ થઈ હતી. નામી કલાકારોની ફિલ્મ હતી. ફેમ પામેલા દિગ્દર્શકોની રજૂઆત હતી. ડિફરન્ટ સબ્જેક્ટ હતા, પણ બોક્સઓફિસ પર જોઈએ એવો ગજ વાગ્યો નહીં. મનોજ બાજપેયીની ગવર્નર ફિલ્મ આવી હતી. આ ગવર્નર ફિલ્મ કોઈ પોલિટિકલ પર્સનાલિટી આધારિત ફિલ્મ નથી, પણ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર સાથે જોડાયેલી વાત માંડે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના અઢારમાં ગવર્નર એસ. વેંકેટરામાનને નેવુ એકાણુના સમયકાળમાં દેશમાં આવેલી આર્થિક કટોકટી અને બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઈસિસમાંથી દેશને આબાદ ઉગારવા માટે કરેલા પ્રયાસો અને નીતિઓને ગવર્નર ફિલ્મમાં બતાવવામાં આવી છે. ફિલ્મમાં મુખ્ય પાત્રનું નામ બદલી નાખવામાં આવ્યું છે, પણ આ સત્યઘટના આધારિત ફિલ્મ છે એમ કહી શકાય. જાતજાતના કિરદાર નિભાવી જાણતા અને પાત્રને ન્યાય આપનારા કલાકારોમાં મનોજ બાજપેયીનું નામ પહેલી હરોળમાં આવે. મનોજ બાજપેયીએ લીડ એક્ટરની ભૂમિકા ભજવી છે. સામાન્ય રીતે બિઝનેસ સક્સેસ સ્ટોરીની આપણે ત્યાં ફિલ્મો બની છે, પણ આ પ્રકારનો પ્રયોગ પહેલાં થયેલો નથી. ચિન્મય મંડલેકરે ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે અને અદા શર્માએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સબ્જેક્ટ અલગ હતો, પણ બોક્સઓફિસ પર ફર્સ્ટ વીકેન્ડનું કલેક્શન અઢી કરોડને પાર કરવામાં ફિલ્મને સફળતા મળી નથી.  


પોએટિક ડિરેક્ટર બનવા તરફ આગળ વધી રહેલા ઈમ્તિયાઝ અલીની ફિલ્મો માટે દર્શકો દોડીને આવે એવી વાત બનતી નથી. ઈમ્તિયાઝ અલી ડિરેક્ટર તરીકે બ્રાન્ડ નેમ બની ગયેલું, પણ એ બ્રાન્ડ સક્સેસ માટે એક દાયકાથી તરફડિયાં મારે છે. ઈમ્તિયાઝની મૈં વાપસ આઊંગા ફિલ્મમાં દિલજિત દોસાંજ, નસીરુદ્દીન શાહ અને શરવરી લીડ રોલમાં છે. રોમેન્ટિક ડ્રામાનું બેકડ્રોપ ભારત અને પાકિસ્તાનના ભાગલા અને સ્થળાંતરમાંથી ઉપસેલી પ્રેમ અને સંબંધોની વાર્તા પર છે. ફિલ્મને વખાણનારા વિવેચકો મળ્યા, પણ જોનારા દર્શકોની સંખ્યા નહિવત્ બરાબર હતી. ફર્સ્ટ વીકેન્ડનું હિન્દી બોક્સઓફિસ ટોટલ કલેક્શનની વાત માંડીએ તો ત્રણ કરોડ જેવો વેપાર કર્યો હતો. આ ફિલ્મનું બજેટ ડેટા પ્રમાણે સિત્તેર કરોડ રૂપિયા જેવું બતાવવામાં આવ્યું છે. ઈમ્તિયાઝની આ વધુ એક ફ્લોપ ફિલ્મ સાબિત થશે.   

કંગના રનૌતની ભારત ભાગ્ય વિધાતામાં દર્શકોને નસીબ અજમાવવા જેવું ન લાગ્યું. કંગના રનૌતની આ ફિલ્મનું ડિરેક્શન મનોજ તાપડિયાએ કર્યું હતું. કંગનાની ફિલ્મને બોક્સઓફિસ પર સૌથી નબળો પ્રતિસાદ મળ્યો. મનોજ બાજપેયીની ગવર્નર અને ઈમ્તિયાઝની મૈં વાપસ આઊંગાની સરખામણીએ કંગનાને વધુ નિષ્ફળતા મળી છે. આ વીકની બોક્સઓફિસ પર સૌથી મોટી ફિલ્મ કંગનાની હતી અને સૌથી મોટી ફ્લોપ ફિલ્મ પણ તેની જ બની. કંગનાની ભારત ભાગ્ય વિધાતા ફિલ્મનું ફર્સ્ટ વીકેન્ડનું કલેક્શન અઢી કરોડ રૂપિયા પણ થયું ન હતું.   

આ બધામાં સરપ્રાઈઝ ફેક્ટર કોઈ ફિલ્મ બની હોય તો એ સુપરનેચરલ હોરર હોન્ટેડ ફિલ્મ છે. વિક્રમ ભટ્ટ ફિલ્મ બનાવી જાણે. તેમની ફિલ્મ ચાલે તો પણ ભલે અને ન ચાલે તો પણ ભલે, પણ ફિલ્મ બનાવવાનું શરૂ રાખવાનું એ વિક્રમ ભટ્ટની સ્ટાઈલ છે. વિક્રમ ભટ્ટની હોરર થ્રિલર જેનરમાં હથોટી છે. દરેક ફિલ્મ હિટ નથી, પણ હોરર સબ્જેક્ટને તે સારી રીતે મઠારી શકે છે. ગવર્નર, મૈં વાપસ આઊંગા અને ભારત ભાગ્ય વિધાતા સાથે વિક્રમ ભટ્ટની હોન્ટેડ થ્રીડી ફિલ્મ પણ રજૂ થઈ હતી. આ બધી ફિલ્મોમાં ફર્સ્ટ વીકેન્ડનું સૌથી વધુ કલેક્શન આ ફિલ્મના નામે લખાયું છે. પોણા છ કરોડ રૂપિયાનો આ ફિલ્મે વકરો કર્યો છે. મતલબ કે રિકવરી પોઈન્ટ આ ફિલ્મે સેટ કરી લીધો. ફિલ્મમાં કોઈ બ્રાન્ડ એક્ટર નથી કે બ્રાન્ડ પબ્લિસિટીનો ખર્ચો નથી, પણ વિક્રમ ભટ્ટની આ ફિલ્મ એ વીકની સફળ ગણી શકાય. મિથુન ચક્રવર્તીના સન મહાક્ષય ચક્રવર્તી આ ફિલ્મમાં લીડ એક્ટરમાં છે. મહાક્ષયનું ડેબ્યૂ તો 2008માં થયું હતું, પણ હીરો તરીકે ખબર લોકોને 2011માં વિક્રમ ભટ્ટની હોન્ટેડ ફિલ્મના ફર્સ્ટ પાર્ટ વખતે પડી હતી. જોકે, તેના નામે કોઈ ખાસ હિટ લખાયેલી ફિલ્મો નથી, પણ બોક્સઓફિસ પર તેની હોન્ટેડ થ્રીડી આ ફિલ્મોની સરખામણીએ હિટ બની છે.  

આ ફિલ્મોની સાથે બીજી બે ફિલ્મો રિલીઝ થઈ હતી, પણ તેના બોક્સઓફિસ રિપોર્ટ ઓપન જ નથી થયા. પત્રલેખા, માનવી, શ્વેતા સાલ્વે અને આરિફની હીર સારા નામની ડ્રામા ફિલ્મને બોક્સઓફિસ પર ઉડાન જ ન મળી. સુપરફ્લોપ ફિલ્મની સાથે ડિરેક્ટર ઝૈઘમ ઈમામની વધુ એક ફ્લોપ ફિલ્મ ધ નર્મદા સ્ટોરી આવી હતી. ક્રાઈમ, જસ્ટિસ, વુમન એમ્પાવરમેન્ટ અને ટ્રાઈબલ કમ્યુનિટીઝને કેન્દ્રમાં રાખીને બનેલી આ ફિલ્મમાં અંજલિ પાટીલ, રઘુવીર યાદવ, મુકેશ તિવારી અને અશ્વિની કાલ્સેકર જેવાં કલાકારો મુખ્ય ભૂમિકામાં હતાં.     

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: