`કૈસી યે યારિયાં' અને `બડે અચ્છે લગતે હૈં 2' જેવા શોઝથી જાણીતી ટીવી અભિનેત્રી નીતિ ટેલર તેના પતિ પરિક્ષિત બાવા સાથે અફવાઓ વહેતી થયા બાદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર નીતિએ સોશિયલ હેન્ડલ પરથી પતિની અટક હટાવી લેતાં દંપતી વચ્ચે અણબનાવ અને છૂટાછેડાની ગપસપ શરૂ થઈ ગઈ હતી. આ તમામ બાબતો પર વિરામ મૂકતાં નીતિ ટેલરે સ્પષ્ટતા કરી છે કે તેમના લગ્નજીવનમાં બધું બિલકુલ બરાબર છે અને આ અફવાઓમાં કોઈ સત્ય નથી. નીતિએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તેમના પોતપોતાના કામના કારણે તેઓ હાલ અલગ-અલગ શહેરોમાં રહે છે. નીતિ મુંબઈમાં પોતાના શૂટિંગ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે, જ્યારે તેનો પતિ પરિક્ષિત પોતાના કામ માટે દિલ્હીમાં રહે છે. અલગ શહેરમાં રહેવાને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ ખોટાં અનુમાનો લગાવી લીધાં હતાં. નીતિએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતાના અંગત જીવનમાં ખૂબ જ ખુશહાલ છે અને જ્યારે પણ સમય મળે છે ત્યારે તેઓ એકબીજા સાથે ગુણવત્તાસભર સમય વિતાવે છે.
ટ્રોલિંગનો શિકાર બનેલી દીપિકાએ અભિવ્યક્તિ અંગે કરી સ્પષ્ટતા
`દીયા ઔર બાતી હમ' ફેમ લોકપ્રિય ટીવી અભિનેત્રી દીપિકા સિંહ તાજેતરમાં સોશિયલ મીડિયા પર થયેલી ટ્રોલિંગને કારણે ચર્ચામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન દીપિકાએ ઢોલના તાલે ઉત્સાહપૂર્વક ડાન્સ કર્યો હતો, પરંતુ સોશિયલ મીડિયાના એક વર્ગે તેની ડાન્સ સ્ટાઇલ અને મૂવમેન્ટ્સ પર નકારાત્મક ટિપ્પણીઓ કરીને તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. એક ઓડિસી નર્તકે પણ તેના ડાન્સ અંગે આકરી પ્રતિક્રિયા આપી. દીપિકાએ પોતાનો પક્ષ કરતાં સ્પષ્ટતા કરી કે તેનો હેતુ કોઈ શાસ્ત્રીય નૃત્ય રજૂ કરવાનો નહોતો, પરંતુ તે તાલ સાથે નવો પ્રયોગ કરી રહી હતી. કળા અને નૃત્યમાં પ્રયોગો કરવા એ સ્વાભાવિક બાબત છે અને નવી શૈલીઓને સ્વીકારવા માટે ખુલ્લા મનની જરૂર હોય છે. પ્રતિક્રિયા આપતાં દીપિકાએ કહ્યું, દરેક વ્યક્તિ કળા અને પ્રયોગોને સમજી શકતી નથી. તેણે પોતાની કળા તથા અભિવ્યક્તિના અધિકાર સાથે મક્કમતાથી ખુલાસો કર્યો.
જીવન અને મૃત્યુ પર સુમોના ચક્રવર્તીએ લખી ભાવુક પોસ્ટ
`ધ કપિલ શર્મા શો' ફેમ લોકપ્રિય અભિનેત્રી સુમોના ચક્રવર્તી તાજેતરમાં એક અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ જીવન અને મૃત્યુની નશ્વરતા પર એક ભાવુક પોસ્ટ લખીને ચર્ચામાં આવી છે.
પોસ્ટમાં સુમોનાએ જણાવ્યું કે, સામાન્ય રીતે અંતિમ વિધિમાં દોડધામ કરવાને બદલે આ વખતે તે લગભગ બે કલાક સુધી શાંતિથી ઊભી રહીને જ્વાળા, ધુમાડો અને આકાશને જોતી રહી. આ અનુભવે તેને જીવનના આખરી અધ્યાય વિશે ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરી દીધી. સુમોનાએ લખ્યું કે, જીવન ખૂબ નાનું છે. કદાચ કાલે સવારે આપણે ન પણ ઊઠીએ અથવા આપણા કોઈ પ્રિયજનને ખોઈ બેસીએ. જન્મ અને મૃત્યુ વચ્ચેનું નામ જ જીવન છે, તેને પૂરેપૂરું જીવી લો. સમુદ્ર કિનારે વિતાવેલા સમયનો વીડિયો શેર કરતાં તેણે ખાસ સંદેશ આપ્યો કે, પ્રવાસ કરો, સારું ખાઓ અને તડકામાં બેસો, કારણ કે કબ્રસ્તાનમાં સૌથી અમીર કે સૌથી પાતળી વ્યક્તિ હોવાનો કોઈ અર્થ નથી.
ગૌરવ અને આકાંક્ષાએ એકબીજાથી અંતર જાળવ્યું
લોકપ્રિય ટીવી કલાકાર ગૌરવ ખન્નાઅને તેમની પત્ની આકાંક્ષા ચમોલાવચ્ચે ડિવોર્સની અફવાઓ અને અંતર વચ્ચે તાજેતરમાં એક રસપ્રદ ઘટના સામે આવી છે. એકતા કપૂરના ઘરે આયોજિત ગણેશ ઉત્સવમાં આ અલગ થઈ રહેલું દંપતી એક જ છત નીચે એકસાથે જોવા મળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કેમેરાના સપાટામાં બંને એકબીજાની સામે આવ્યાં હતાં અને ક્ષણભર માટે તેમની નજર પણ મળી હતી, પરંતુ બંનેએ એકબીજાને `હાય-હેલો' પણ કહ્યું ન હતું. બંને એકબીજાથી અંતર જાળવતાં નજરે પડ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, 2016માં લગ્નગ્રંથિથી જોડાયેલાં ગૌરવ અને આકાંક્ષાના સંબંધોમાં દસ વર્ષ બાદ કડવાશ આવી છે. આકાંક્ષાએ રિયાલિટી શો `લોક અપ' દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેઓ એક વર્ષથી અલગ રહે છે અને સંતાન અંગે અલગ વિચારસરણી હોવાના કારણે તેમના ડિવોર્સની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે જ તેણે 10 કરોડ રૂપિયાની એલિમની માગવાની અફવાઓને પણ ફગાવી દીધી હતી.
ભાભીજી ઘર પર હૈંના ઈશ્વર ઠાકુરની સ્થિતિ હાલ અત્યંત નાજુક
`ભાભીજી ઘર પર હૈં' અને `F.I.R.' જેવા લોકપ્રિય ટીવી શોઝમાં દર્શકોનાં દિલ જીતનાર 54 વર્ષીય અભિનેતા ઈશ્વર ઠાકુર હાલમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. કિડનીમાં ઈન્ફેક્શન થવાના કારણે તેમને ઠાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. 2020માં કોવિડ લોકડાઉન પહેલાં તેમના પગમાં એક ઘા પડ્યો હતો. ડાયાબિટીસ હોવાના કારણે તે રુઝાયો નહીં અને આ ઈન્ફેક્શન ધીમે-ધીમે સમગ્ર શરીરમાં ફેલાઈ ગયું, ઈશ્વર ઠાકુરની સારવાર કરાવતાં કરાવતાં પરિવારની તમામ જમાપૂંજી ખર્ચાઈ ગઈ છે અને સ્થિતિ એવી આવી ગઈ છે કે તેમને પોતાનું ઘર પણ વેચવું પડ્યું છે. હોસ્પિટલના વધતા ખર્ચ, દવાઓ અને સારવાર ચાલુ રાખવા માટે હવે તેમની પાસે પૈસા બચ્યા નથી. આથી તેમની બહેને મીડિયાના માધ્યમથી ટીવી ઇન્ડસ્ટ્રીના સભ્યો તથા ચાહકો પાસે ઈલાજ માટે આર્થિક મદદ પૂરી પાડવાની અપીલ કરી છે.
ઓનલાઇન ટ્રોલિંગને લઈને સ્મૃતિ ઇરાનીએ આપી સલાહ
સોશિયલ મીડિયા પર વધતાં જતાં ટ્રોલિંગ કલ્ચર સામે સ્મૃતિ ઇરાનીએ અવાજ ઉઠાવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ એક વીડિયો પોસ્ટ કરીને ટ્રોલર્સને કડક સલાહ આપી છે. તેમણે કહ્યું કે, `જો તમે કોઈના વિશે સારું બોલી શકતા નથી, તો ખરાબ પણ ન બોલો. સોશિયલ મીડિયાએ લાખો લોકોને અવાજ આપ્યો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈને પણ અપમાનિત કરવાનું કે હેરાન કરવાનું લાઈસન્સ મળી ગયું છે.' `મારું હેન્ડલ, મારો ઓપિનિયન' કહીને ક્રૂરતા અને અપ્રમાણિક વર્તનને યોગ્ય ઠેરવી શકાય નહીં. સ્ક્રીનની બીજી તરફ પણ એક જીવંત માણસ રહેલો છે તે ન ભૂલવું જોઈએ. કી-બોર્ડ પર શબ્દો ટાઈપ કરતાં માત્ર સેકન્ડો લાગે છે, પણ તેનો પ્રભાવ ખૂબ લાંબો સમય સુધી રહે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો