સોશિયલ મીડિયા પર સેલેબ્સની અંગત જિંદગીની ઝલક જોવી ચાહકોને હંમેશાં ગમે છે, પરંતુ જ્યારે તેમાં થોડી રમૂજ અને પ્રેમ ભળી જાય ત્યારે તે ક્ષણ ઈન્ટરનેટ પર છવાઈ જાય છે. તાજેતરમાં જ સાઉથના ક્યૂટ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા વચ્ચે સોશિયલ મીડિયા પર ફોટો ક્રેડિટને લઈને થયેલી મીઠી નોકઝોકે ચાહકોનાં દિલ જીતી લીધાં છે.
વાત એમ છે કે, વરસાદને કારણે વિજય દેવરકોંડાનું શૂટિંગ રદ થતાં તેણે માતા-પિતા સાથે ઘરે સમય વિતાવ્યો હતો. બપોરે પોતાના બાળપણની પ્રિય જગ્યા એટલે કે માતા-પિતા વચ્ચે આરામથી ઊંઘતા વિજયનો એક સુંદર કેન્ડિડ ફોટો રશ્મિકાએ પોતાના કેમેરામાં કેપ્ચર કર્યો હતો. વિજયે આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને ખાસ કેપ્શન લખવાની સાથે ફોટો ક્રેડિટ પત્ની રશ્મિકાને આપી હતી.
બસ, પછી તો શું? રશ્મિકાએ પણ તક છોડ્યા વગર કોમેન્ટ સેક્શનમાં વિજયની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું. રશ્મિકાએ ક્યૂટ કોમેન્ટ કરતાં લખ્યું, `તેં મને આ ફોટો ક્રેડિટ એટલા માટે આપી છે, કારણ કે ઘરે આવીને તારે મારી પપી આઈઝ નથી જોવી? અને હવે જ્યારે આપણે આ અંગે વાત કરી જ રહ્યાં છીએ, તો શું તું મને એ બધા ફોટોઝ માટે પણ ક્રેડિટ આપી શકે છે જે મેં છેલ્લાં કેટલાંય વર્ષોમાં તારા માટે ક્લિક કર્યા છે? મારે પણ મારા ચાહકોને બતાવવું છે કે મારી ફોટોગ્રાફી સ્કિલ કેટલી અદ્ભુત છે!' એ પછી તો રશ્મિકાએ વિજયનું આખું ઇન્સ્ટા ફેંદી નાખ્યું હતું અને એમાં જેટલા જેટલા પોતે પાડેલા ફોટા હતા એ બધામાં પોતે જાતે જ ક્રેડિટ લઇ લીધી હતી અને વિજયને ટેગ કરી કરીને કોમેન્ટ કરી હતી.
આ મીઠી તકરાર અને રમૂજી સંવાદ જોતજોતાંમાં વાઇરલ થઈ ગયાં. ફેન્સે રશ્મિકાની કોમેન્ટ પર દિલ ખોલીને લાઈક્સ અને પ્રતિક્રિયાઓ આપી. યૂઝર્સે આ જોડીના સાહજિક અને ક્યૂટ બોન્ડિંગનાં ખૂબ વખાણ કર્યાં હતાં. ગીતા ગોવિંદમ અને ડિયર કોમરેડથી પડદા પર ચમકેલી આ જોડી વાસ્તવિક જીવનમાં પણ ચાહકોને કપલ ગોલ્સ આપી રહી છે. આ બંનેએ લાંબો સમય એકબીજાને ડેટ કર્યા પછી એકબીજા સાથે ધામધૂમથી લગ્નબંધનમાં બંધાવાનું નક્કી કરી લીધું હતું. બંનેનાં લગ્નના ફોટા પણ ખૂબ જ વાઇરલ થયા હતા અને ફેન્સે તેને ખૂબ જ પસંદ કર્યા હતા. ફેન્સ આ જોડીના દીવાના છે એક કહેવું સહેજેય ખોટું નહીં થાય.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો