ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય જોડી શહીર શેખઅને હીના ખાનફરી એકવાર દર્શકોનું દિલ જીતવા માટે નવા રોમેન્ટિક મ્યુઝિક વીડિયો સાથે પરત ફરી રહ્યાં છે. ભૂતકાળમાં `બારિશ બન જાના' અને `રુનઝુન' જેવા સુપરહિટ મ્યુઝિક વીડિયો આપ્યા બાદ આ હિટ ઓનસ્ક્રીન જોડીને ફરી એકસાથે જોવા માટે ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અભિનેત્રી હીના ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સેટ પરથી શહીર શેખ સાથેની કેટલીક સુંદર તસવીરો અને વીડિયો શેર કરીને આ નવા પ્રોજેક્ટની માહિતી આપી હતી. બંને કલાકારો સુંદર લોકેશન પર પોતાના રોમેન્ટિક સીન્સનું શૂટિંગ કરતાં જોવા મળ્યાં હતાં. સોશિયલ મીડિયા પર આ તસવીરો વાઇરલ થતાં જ ફેન્સે તેમના લુક અને કેમિસ્ટ્રીની પ્રશંસા કરવાનું શરૂ કરી દીધું છે. ફેન્સ કમેન્ટ સેક્શનમાં આ જોડીને `શાહિના' કહીને ટ્રેન્ડ કરી રહ્યા છે. `યહ રિશ્તા ક્યા કહલાતા હૈ' ફેમ હીના ખાન અને `મહાભારત' ફેમ શહીર શેખનું ઓફસ્ક્રીન બોન્ડિંગ પણ ખૂબ જ અદ્ભુત છે.
નાગિન 7ના કાસ્ટિંગને લઈને કલાકારોમાં ભારે ક્રેઝ
એકતા કપૂરની સુપરહિટ સુપર નેચરલ ફ્રેન્ચાઇઝી `નાગિન 7'ને લઈને સોશિયલ મીડિયા અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. `નાગિન 6'ની સફળતા બાદ દર્શકો આ શોની નવી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ખાસ કરીને શોની મુખ્ય અભિનેત્રીના કાસ્ટિંગને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ નવી સીઝનમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે અંકિતા લોખંડે અને આયશા સિંહનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ સિવાય `નાગિન 6'માં જોવા મળેલી તેજસ્વી પ્રકાશની વાપસી થશે કે કોઈ નવો ચહેરો જોવા મળશે, તે અંગે પણ ફેન્સ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. મેકર્સ તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર શોનું પ્રિ-પ્રોડક્શન કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
કરણ કુન્દ્રાએ કિસ કરી,
થપ્પડ મારી, ડિપ્રેસ રહેવા લાગી હતી એક્ટ્રેસ
ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર કરણ કુન્દ્રા પર તેમની કો-એક્ટ્રેસ સાન્વી તલવારે સેટ પર શારીરિક હુમલો અને અપશબ્દો બોલવા બદલ આક્ષેપ કર્યો છે. `યહ કહાં આ ગયે હમ' શો દરમિયાન બનેલી ઘટના યાદ કરતાં સાન્વીએ તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે એક રોમેન્ટિક સીન દરમિયાન ડાયરેક્ટરની `એક્શન'ની રાહ જોયા વગર જ કરણે તેને કિસ કરી લીધી હતી. વિના મંજૂરી સ્પર્શ કરવા પર સાન્વીએ કરણને થપ્પડ મારી દીધી હતી. તેના થોડા સમય બાદ કરણ પાછો આવ્યો અને તેણે આખા ક્રૂ સામે સાન્વીને એટલી જોરથી થપ્પડ મારી કે તે જમીન પર પડી ગઈ. સાન્વીના જણાવ્યા મુજબ કરણે તેને તથા તેના પરિવારને સેટ પર જાહેરમાં ગંદી ગાળો પણ આપી હતી. સાન્વીએ ઉમેર્યું કે આ ઘટના સમયે સેટ પરથી કોઈએ તેને સપોર્ટ નહોતો કર્યો અને તે ભારે આઘાતમાં સરી પડી હતી. બાદમાં શોના પ્રોડ્યૂસર એકતા કપૂરે કરણ વતી સાન્વીની માફી માંગી હતી.
દર્શકોના ફેવરિટ કૌન બનેગા કરોડપતિ 18'નો થશે દમદાર પ્રારંભ
ભારતીય ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ક્વિઝ શો `કૌન બનેગા કરોડપતિ'પોતાની નવી 18મી સીઝનસાથે દર્શકો વચ્ચે વાપસી કરવા માટે સજ્જ છે. બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાના દમદાર અવાજ અને અનોખા અંદાજ સાથે આ આઇકોનિક શોનું હોસ્ટિંગ કરતા જોવા મળશે. નવી સીઝનના શૂટિંગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે `KBC 18'માં દર્શકોને નવું ટેક્નોલોજિકલ પ્લેટફોર્મ, નવી લાઇફલાઇન્સ અને વધુ રોમાંચક પ્રશ્નોત્તરી જોવા મળશે. દેશના ખૂણે-ખૂણેથી આવેલા સામાન્ય નાગરિકો માત્ર પોતાના જ્ઞાનના જોરે કરોડપતિ બનવાનું સપનું પૂરું કરવા હોટ સીટ પર બેસશે. સોશિયલ મીડિયા પર શોના પ્રોમો રિલીઝ થતાંની સાથે જ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમિતાભ બચ્ચને પણ શોના સેટ પરથી પોતાની તસવીરો શેર કરીને દર્શકોનો આભાર માન્યો હતો. જો કે એક સમયે બચ્ચન સાહેબની તબિયતના કારણે તેઓ નવી સીઝનમાં હશે કે નહીં તે સવાલ હતો.
જોડિયાં બાળકો સાથે દિવ્યાંકા પહેલી વખત પહોંચી મંદિર
લોકપ્રિય અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી હાલમાં જ પોતાના જોડિયા પુત્રો સાથે પ્રથમ વખત દર્શન કરવા માટે મંદિર પહોંચી હતી. 41 વર્ષની વયે માતા બનેલી દિવ્યાંકા તેના પતિ વિવેક દહિયા અને પોતાની માતા સાથે બાળકોને લઈ ભગવાનના આશીર્વાદ લેવા ગઇ હતી. સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં કપલ પોતાનાં માસૂમ બાળકોને ખોળામાં લઈને ભગવાન સમક્ષ માથું ટેકવતું જોવા મળે છે. મંદિરમાં દર્શન અને હનુમાનજીની આરતી કરતી વખતે દિવ્યાંકા ત્રિપાઠી થોડી ભાવુક પણ થઈ ગઈ હતી. આ પ્રસંગે તેણે બાળકોના હાથે મંદિરના પંડિતજીને લાડુ ખવડાવી તેમના આશીર્વાદ લીધા હતા. દિવ્યાંકા અને વિવેકે હજુ સુધી સોશિયલ મીડિયા પર પોતાનાં બાળકોનો ચહેરો જાહેર કર્યો નથી. લગ્નનાં 10 વર્ષ બાદ માતા બનેલી દિવ્યાંકા હાલમાં પોતાના પેરન્ટહૂડને ખૂબ જ એન્જોય કરી રહી છે. આ મુલાકાત દરમિયાન તેની ઓનસ્ક્રીન દીકરી રુહાનિકા ધવન પણ બાળકોને મળવા આવી હતી. સોશિયલ મીડિયા પર દિવ્યાંકા અને તેના પરિવાર સાથેની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે.
બી ટાઉનની પાર્ટીઝમાં લેવામાં આવે છે ડ્રગ્સ, એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો
જાણીતી અભિનેત્રી નારાયણી શાસ્ત્રીએ ગ્લેમર વર્લ્ડના એક કડવા સત્ય પરથી પડદો ઊંચકતા ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, ટીવી ઇન્ડસ્ટ્રીની ઘણી હાઇ-પ્રોફાઇલ પાર્ટીઓમાં ડ્રગ્સનો ઉપયોગ સામાન્ય બાબત બની ગઈ છે અને આ પાર્ટીઓના આયોજન વખતે ડ્રગ્સ માટે અલગથી ખાસ બજેટ પણ નક્કી કરવામાં આવે છે. નારાયણી શાસ્ત્રીના જણાવ્યા મુજબ પાર્ટીઓમાં લોકો ખુલ્લેઆમ ડ્રગ્સનું સેવન કરતા જોવા મળે છે. અભિનેત્રીએ સ્વીકાર્યું હતું કે, ભૂતકાળમાં માત્ર એક `એક્સપેરિમેન્ટ' અને ઉત્સુકતાના ભાગરૂપે તેમણે પણ ડ્રગ્સ ટ્રાય કર્યું હતું. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ અનુભવ બાદ તેમને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે આ રસ્તો ખોટો છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો