ટેલિવિઝન કલાકાર પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તા ટીવી જગતની સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક રહી ચૂક્યાં છે. વર્ષ 2025માં બંનેનું બ્રેકઅપ થયા બાદ ચાહકો નિરાશ થયા હતા. જોકે, તાજેતરમાં બાલાજી ટેલિફિલ્મ્સના પોડકાસ્ટ `ઓનેસ્ટલી વાય નોટ'માં પ્રિયંકાના એક નિવેદને ફેન્સમાં ફરી આશા જગાડી છે.
પોડકાસ્ટ દરમિયાન પ્રિયંકાએ અંકિત ગુપ્તા સાથે લગ્ન કરવાની વાત કરી હતી. પ્રિયંકાએ અંકિતને પસંદ કરવાનું કારણ આપતાં તેને પરફેક્ટ `મેરેજ મટીરિયલ' ગણાવ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને અંકિત સાથેના બ્રેકઅપનો કોઈ અફસોસ છે અથવા શું ભવિષ્યમાં તેઓ ફરી સાથે આવી શકે છે, ત્યારે પ્રિયંકાએ સ્પષ્ટતા કરી કે તેને પોતાના કોઈ નિર્ણયનો પસ્તાવો નથી. તેણે કહ્યું, `જે ભૂતકાળ છે તેને ભૂતકાળ જ રહેવા દો (એક્સ કો એક્સ હી રહને દો).' આ નિવેદન પરથી બંને વચ્ચે પેચઅપ થઇ શકે છે એવી આશા ચાહકોમાં જાગી છે, જોઇએ હવે આગળ શું થાય છે.
સોશિયલ મીડિયા પર રાતોરાત સફળ થયેલી તાન્યા મિશ્રા કોણ?
સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ અદાઓ અને તસવીરોથી મશહૂર બનેલી અભિનેત્રી તાન્યા મિશ્રા હાલમાં ખૂબ ચર્ચામાં છે અને ફેન્સ તેને ભારતની નવી `નેશનલ ક્રશ' ગણાવી રહ્યા છે. બિહારના ગયામાં જન્મેલી તાન્યાએ મગધ યુનિવર્સિટીમાંથી બી.કોમ પૂરું કર્યા બાદ મુંબઈ આવીને મોડલિંગથી કરિયરની શરૂઆત કરી હતી. તેણે `ફિમેના', `ફિલ્મફેર' અને `ગ્રાઝિયા' જેવાં જાણીતાં મેગેઝિન્સ માટે શૂટિંગ કરવા ઉપરાંત અનેક બ્રાન્ડ્સનું પ્રમોશન પણ કર્યું છે. વર્ષ 2023માં તેણે `ગજનવી' ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેણે `ચેસ' ફિલ્મમાં સીબીઆઇ ઇન્સ્પેક્ટરનો રોલ કર્યો હતો અને જેકી શ્રોફ તથા સિકંદર ખેર સાથે `ચીડિયા ઉડ' નામની વેબ સીરિઝમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સિવાય તાન્યા 7 લોકપ્રિય મ્યુઝિક વીડિયોઝમાં પણ જોવા મળી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 12 લાખથી વધુ ફોલોઅર્સ છે. રાતોરાત મળેલી આ સફળતા પાછળ તાન્યાનો 7 વર્ષનો સંઘર્ષ રહેલો છે.
ઇશાએ શોમાંથી બહાર થયા બાદ ફેન્સની માંગી માફી
પંજાબી રેપર બાદશાહની પૂર્વ પત્ની અને અભિનેત્રી ઇશા રિખી `બિગ બોસ 20'માંથી બહાર થઈ ગઈ છે. શોમાં પ્રવેશતી વખતે ચાહકોને આશા હતી કે એ તેની અંગત જિંદગી વિશે ખુલાસા કરશે, પરંતુ કોઈ ખાસ ગેમ ન બતાવવાને કારણે ઓછા વોટ મળતાં માત્ર ત્રણ અઠવાડિયાંમાં જ તે એલિમિનેટ થઈ ગઈ હતી. શોમાંથી બહાર આવ્યા બાદ ઈશાએ સોશિયલ મીડિયા પર એક લાગણીસભર નિવેદન શેર કરીને ચાહકોની માફી માંગી છે. ઈશાએ લખ્યું કે, છેલ્લા કેટલાક મહિના મારા માટે માનસિક રીતે ખૂબ મુશ્કેલ રહ્યા હતા. હું ઈમોશનલ બ્રેકડાઉનનો સામનો કરી રહી હતી અને શોમાં પોતાની જાતને યોગ્ય રીતે વ્યક્ત કરવામાં અસમર્થ રહી. તેણે વધુમાં ઉમેર્યું કે તે પોતાના પ્રદર્શનથી નિરાશ થયેલા ચાહકો અને દર્શકોની આભારી છે જેમણે તેને સપોર્ટ કર્યો. ઈશાના આ સ્ટેટમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ તેને સાંત્વના આપી રહ્યા છે.
`અનુપમા' માટે રૂપાલીને પ્રોડ્યૂસરે રિજેક્ટ કરી હતી
ટીવી સીરિયલ `અનુપમા'થી ઘરે-ઘરે મશહૂર બનેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ એક ઇવેન્ટમાં પોતાના આકરા સંઘર્ષના દિવસો યાદ કર્યા હતા. રૂપાલીએ ખુલાસો કર્યો કે તેના પિતા ફિલ્મમેકર હોવા છતાં એક સમયે તેમના પરિવારે બધું ગુમાવી દીધું હતું. તેના પિતાનું સપનું મુંબઈમાં પોતાનું ઘર લેવાનું હતું, જે તેમણે `અનુપમા' સીરિયલની કમાણીમાંથી પૂર્ણ કર્યું.
ઇવેન્ટમાં હાજર પ્રોડ્યૂસર રાજન શાહીએ જણાવ્યું કે રૂપાલી આ રોલ માટે પહેલી પસંદ નહોતી અને શરૂઆતમાં તેમણે રૂપાલીને રિજેક્ટ કરી દીધી હતી, પરંતુ રૂપાલીએ બીજી તક માંગી અને ત્રણ વાર ઓડિશન આપ્યા બાદ તેની પસંદગી થઈ. શાહીએ વધુમાં ઉમેર્યું કે શરૂઆતી દિવસોમાં રૂપાલી પાસે બસના ભાડાના પણ પૈસા નહોતા અને તે વરલીથી ચાલીને આવતી હતી. આ જ સંઘર્ષના કારણે તેને આજે આ સફળતા મળી છે.
સા રે ગા મા પામાં શંકર મહાદેવનની નિર્ણાયક તરીકે ફરી વાપસી
પ્રખ્યાત ગાયક અને સંગીતકાર શંકર મહાદેવન ઝી ટીવીના લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શૉ `સા રે ગા મા પા 2026'ની નવી સીઝનમાં ફરી એકવાર જજ તરીકે જોવા મળી રહ્યા છે. શૉમાં સ્પર્ધકો દ્વારા તેમને `મહાગુરુ'નું બિરુદ આપવામાં આવ્યું છે. પોતાની વાપસી વિશે વાત કરતાં શંકર મહાદેવને જણાવ્યું કે તેઓ સ્પર્ધકો માટે માત્ર નિર્ણાયક નહીં પરંતુ માર્ગદર્શક બની રહેશે. તેઓ માત્ર ભૂલો કાઢવાને બદલે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરશે અને પોતાનો બહોળો અનુભવ તેમની સાથે વહેંચશે. વર્તમાન સમયના સંગીત વિશે ચર્ચા કરતાં તેમણે કહ્યું કે આજકાલ રીલ્સ અને શોર્ટ્સનો ક્રેઝ છે, પરંતુ કલાકાર માટે ગુરુનું માર્ગદર્શન હોવું ખૂબ જરૂરી છે, જેથી યોગ્ય સંગીતની સમજ કેળવી શકાય. તેમણે ઉમેર્યું કે ગુરુ કલાકાર માટે જીપીએસ સિસ્ટમ જેવું કામ કરે છે, જે સાચી દિશા બતાવે છે. 97 દેશોમાં સંગીત એકેડેમી ચલાવતા મહાદેવને સ્પષ્ટ કર્યું કે તેઓ હંમેશા ગુણવત્તાસભર કામમાં જ માને છે.
પ્રત્યુષા કેસમાં રાહુલરાજ સિંહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો
`બાલિકા વધૂ' સીરિયલમાં આનંદીનો યાદગાર અભિનય કરીને જાણીતી બનેલી પ્રત્યુષા બેનર્જીએ 1 એપ્રિલ, 2016ના રોજ 24 વર્ષની વયે મુંબઈમાં તેના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ પ્રત્યુષાનાં માતા-પિતાએ તેના બોયફ્રેન્ડ અને એક્ટર-પ્રોડ્યુસર રાહુલરાજ સિંહ પર માનસિક શારીરિક પ્રતાડના અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગંભીર આક્ષેપ મૂક્યો હતો. બોમ્બે હાઈકોર્ટે 10 વર્ષ જૂના આ કેસમાં મહત્ત્વનો ચુકાદો આપતાં રાહુલ રાજ સિંહને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો છે. હાઈકોર્ટે બંને વચ્ચે થયેલી છેલ્લી ટેલિફોનિક વાતચીતના રેકોર્ડિંગને મુખ્ય આધાર બનાવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે આ વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે રાહુલે પ્રત્યુષાને આવું અંતિમ પગલું ભરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો