એક સમયે ભારતના સૌથી લોકપ્રિય સુપર મોડલ અને ફિટનેસ આઇકન રહેલા મિલિન્દ સોમન આજે પણ પોતાની ફિટનેસ અને સામાજિક વિચારસરણીના કારણે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમણે લોનાવાલાસ્થિત પોતાના ઘર અને પર્યાવરણ સંરક્ષણ માટે કરેલા અથાગ પ્રયાસો વિશે ખૂલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે પોતાના લોનાવાલા ફાર્મહાઉસમાં 30 હજારથી વધુ વૃક્ષો વાવ્યાં છે અને આ ભગીરથ કાર્ય તેમણે પાછલાં કેટલાંક વર્ષોમાં પોતાની વ્યક્તિગત પહેલ પર કર્યું છે. એક પોડકાસ્ટના ઈન્ટરવ્યૂમાં મિલિન્દ સોમને જણાવ્યું કે, તેમણે વર્ષ 1997માં લોનાવાલામાં એક જમીન ખરીદી હતી. તે સમયે ત્યાંની પરિસ્થિતિ જોઈને તેઓ ખૂબ જ દુઃખી થયા હતા. મિલિન્દે કહ્યું, `જ્યારે મેં તે જમીન ખરીદી, ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે હું અહીં મોટા પાયે વૃક્ષારોપણ કરીશ. પહેલાં ત્યાં લોકોએ લગભગ બધું જ સળગાવી દીધું હતું. ઘણી વખત ડેવલપર્સ જમીન બતાવવા કે સાફ કરવાના બહાને વૃક્ષો કાપી નાખે છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે.' તેમણે ગર્વથી ઉમેર્યું કે આજે તે જગ્યા પર 30,000થી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યાં છે, જેમાં તેમણે વ્યક્તિગત રીતે મોટું યોગદાન આપ્યું છે.
કુદરત સાથે ખાસ લગાવ
મિલિન્દ સોમન લાંબા સમયથી પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિ પ્રત્યેના પોતાના પ્રેમ માટે જાણીતા છે. થોડા વર્ષો પહેલાં તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જાપાનીઝ કન્સેપ્ટ `શિનરિન-યોકુ' એટલે કે `ફોરેસ્ટ બાથિંગ' પ્રત્યેના પોતાના લગાવનો ઉલ્લેખ કર્યો હતો. ફોરેસ્ટ બાથિંગનો અર્થ જંગલના વાતાવરણમાં સમય વિતાવીને કુદરતની સુંદરતા, અવાજો અને સુગંધનો અનુભવ કરવો તેવો થાય છે.
હિન્દી ફિલ્મોની ઓફર્સ લગભગ બંધ
આ મુલાકાત દરમિયાન મિલિન્દ સોમને પોતાની ફિલ્મી કરિયર અંગે પણ એક મોટો ખુલાસો કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ફિલ્મોથી દૂર નથી થયા, પરંતુ તેમને હિન્દી ફિલ્મોની ઓફર્સ ખૂબ જ ઓછી મળે છે. મિલિન્દે જણાવ્યું, `લોકો અવારનવાર મને પૂછે છે કે હું હિન્દી ફિલ્મો કેમ નથી કરી રહ્યો? સાચું કહું તો, મને હિન્દી ફિલ્મોની ઓફર્સ નહિવત્ બરાબર મળે છે. મારી છેલ્લી ફિલ્મ `ઇમરજન્સી' હતી, જેમાં મેં ફિલ્ડ માર્શલ સામ માણેકશાનું પાત્ર ભજવ્યું હતું અને તે ભૂમિકાનાં ખૂબ વખાણ પણ થયાં હતાં.'
OTT પ્લેટફોર્મ પર સતત સક્રિય
ભલે હિન્દી ફિલ્મોની ઓફર્સ ઓછી હોય, પરંતુ મિલિન્દ ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર સતત ધમાલ મચાવી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ ધ રોયલ્સ, ફોર મોર સોટ્સ પ્લીઝ (Four More Shots Please! ) અને સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ સાથે એક તમિલ ઓટીટી પ્રોજેક્ટમાં પણ કામ કર્યું છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો